રાજકોટ
News of Sunday, 19th September 2021

રાત્રે રાજકોટના આનંદ બંગલા ચોક પાસે છરી બતાવી રોકડ. મોબાઈલ અને દાગીનાની લૂંટ : ત્રણ શખ્શો લૂંટ ચલાવી ફરાર

વેપારી દુકાન બંધ કરી પરત ઘરે જતા સમયે આનંદ બંગલા ચોક નજીક ફોનમાં વાત કરવા ઉભા અહ્યા ત્યારે બાઈક પર આવેલ ત્રણ શખ્શોએ લૂંટ ચલાવી

રાજકોટ :શહેરમાં દિવસેને દિવસે ચોરી અને લૂંટફાટની ઘટના છાશવારે સામે આવી રહી છે. ગઈકાલે રાત્રિના શહેરના આનંદ બંગલા ચોક ખાતે માલવિયાનગર પોલીસ સ્ટેશન નજીક છરી બતાવી રોકડ રકમ, મોબાઈલ અને દાગીનાની લૂંટની ઘટના સામે આવી છે. માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન. ભુકણે જણાવ્યું હતું કે, વેપારી દુકાન બંધ કરી પરત ઘરે જતા સમયે આનંદ બંગલા ચોક નજીક ફોનમાં વાત કરવા માટે બાજુમાં ઉભા રહ્યા હતા.ત્યારે બાઇક પર સવાર 3 શખ્સ આવી છરી બતાવી 17 હજાર રોકડ, મોબાઇલ ફોન અને સોનાનો ચેઇન મળી કુલ 24 હજારની લૂંટ ચલાવી હતી. આ અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  રાજકોટમાં ચોર-લૂંટારાઓ બેફામ બન્યા છે. શુક્રવારે રાત્રિના યાજ્ઞિક રોડ પર 3 લાખની ચોરીના આરોપીઓ પકડાય તે પહેલા સતત બીજા દિવસે એટલે કે ગઈકાલે રાત્રિના બસ સ્ટેન્ડ નજીક દુકાન બંધ કરી વેપારી ઘરે જતા હતા. ત્યારે આનંદ બંગલા ચોક ખાતે વેપારી જગદીશભાઇને બાઈક પર આવી ત્રિપુટીએ રસ્તામાં આંતરી છરી બતાવી રોકડ રકમ, મોબાઈલ અને ગળામાં પહેરેલો સોનાનો ચેઇન લૂંટી નાસી છૂટ્યા છે.

  બનાવને પગલે તુરંત પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આસપાસના CCTV ફૂટેજ તપાસી વેપારી જગદીશભાઈની ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

(6:34 pm IST)