રાજકોટ
News of Saturday, 19th November 2022

વ્યાજખોરીમાં ફસાતાં સોની વેપારી-પત્નિ-પુત્રનું સામુહિક વિષપાનઃ વેપારી ગંભીર

યુનિવર્સિટી રોડ પર મીલાપનગરની ઘટનાઃ સોની વેપારી કિર્તીભાઇ ધોળકીયા ઢેબર રોડ વન-વેમાં ઝેરોક્ષની દૂકાન ચલાવે છેઃ તેમણે પત્નિ મયુરીબેન, પુત્ર ધવલ સાથે ઝેર પીધું :બપોર સુધી દૂકાને ન આવતાં મોટા ભાઇ અને નાના ભાઇ ઘરે તપાસ કરવા જતાં ત્રણેય ઝેર પીધેલી હાલતમાં મળ્યાઃ વ્યાજખોરો કોણ? તેની તપાસ

રાજકોટ તા. ૧૯: શહેરના યુનિવર્સિટી રોડ પર મીલાપનગરમાં સોની વેપારીએ પત્નિ અને પુત્ર સાથે સજોડે ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે ખસેડાયા છે. જેમાં મોભી સોની વેપારીની હાલત ગંભીર હોઇ સઘન સારવાર શરૃ કરવામાં આવી છે. વ્યાજખોરીમાં ફસાઇ જતાં દંપતિ-પુત્રએ આ પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો સામે આવી હોઇ પોલીસે વિશેષ તપાસ શરૃ કરી છે.

જાણવા મળ્યા મુજબ યુનિવર્સિટી રોડ પર મીલાપનગર-૨માં રહેતાં સોની કિર્તીભાઇ હરકિશનભાઇ ધોળકીયા (સોની) (ઉ.વ.૪૭), પત્નિ મયુરીબેન ધોળકીયા (ઉ.વ.૪૨) તથા પુત્ર ધવલ (ઉ.વ.૨૪) એમ ત્રણેયએ રાત્રે ઝેરી દવા પી લીધી હતી.

કિર્તીભાઇ ઢેબર રોડ વન-વેમાં ધોળકીયા ઝેરોક્ષ નામે વેપાર કરે છે. બપોર સુધી દુકાન ન ખોલતાં મોટાભાઇ બકુલભાઇએ બે ત્રણ ફોન કરતાં ન ઉપાડતાં મોટા ભાઇ બકુલભાઇ અને નાનાભાઇ તુષારભાઇ તેમના ઘરે તપાસ કરવા જતાં ગેઇટ પર ચાવી લટકતી જોવા મળી હતી. બારી ખોલીને જોતાં દવાની ગંધ આવતી હોઇ દરવાજો ખોલી અંદર જઇ જોતાં કિર્તીભાઇ, તેમના પત્નિ અને પુત્ર દવા પીધેલી હાલતમાં મળતાં ૧૦૮ને બોલાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

જેમાં કિર્તીભાઇની હાલત ગંભીર જણાઇ રહી હોઇ સઘન સારવાર શરૃ થઇ હતી. પ્રાથમિક તપાસમાં કિર્તીભાઇ વ્યાજખોરીમાં ફસાયાનું અને વ્યાજખોરોના ત્રાસથી તેમણે પત્નિ, પુત્ર સાથે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે.

કિર્તીભાઇ ત્રણ ભાઇ, ત્રણ બહેનમાં બીજા નંબરે છે. સંતાનમાં એક પુત્ર છે. પુત્રવધૂ દિપનબેન અમરેલી માતવરે આટો મારવા ગયા હોઇ તે ઘરે નહોતાં. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં કયા કયા વ્યાજખોરોનો ત્રાસ હતો? એ સહિતના મુદ્દે તપાસ થઇ રહી છે. 

(4:15 pm IST)