રાજકોટ
News of Friday, 20th January 2023

ઈન્‍દુભાઈ પારેખ સ્‍કૂલ ઓફ આર્કીટેકચર ખાતે રવિવાર સુધી લબ્‍ધપ્રતિષ્‍ઠીત ચિત્રકાર સ્‍વ.સનત ઠાકરની ચિરંજીવ કૃતિઓના પ્રદર્શન

એર ઈન્‍ડિયા, તાજ મહેલ, હોટલ, ઈન્‍ડિયન રેલ્‍વે વિ.કલાકૃતિ સંગ્રહીત

રાજકોટઃ ચિત્રકારીના ક્ષેત્રમાં વૈશ્વિક ફલક પર રાજકોટનું નામ રોશન કરનાર, નૈશર્ગીક પ્રતિભા અને સંવેદનશીલ ઉર્મિઓના સ્‍વામી એવા રાજકોટનાં સુવિખ્‍યાત ચિત્રકાર સ્‍વ.શ્રી સનત ઠાકરની ચુનીંદી ઉત્‍કૃષ્ઠ કૃતિઓના પ્રદર્શન ‘ઈમ્‍પ્રેશન'નું આયોજન વી.વી.પી. સંચાલિત ઈન્‍દુભાઈ પારેખ સ્‍કૂલ ઓફ આર્કીટેક્‍ચર દ્વારા ‘કાર્યશાળા' સહયોગ થકી કરવામાં આવેલ આવેલ છે, જેનું ઉદ્દઘાટન  શ્રીમતિ રમાદેવી સનતભાઈ ઠાકરના હસ્‍તે  થયેલ. તા.રર  રવિવાર સાંજે ૩  થી ૭  દરમ્‍યાન યોજાનાર પ્રસ્‍તુત પ્રદર્શનએ કલાક્ષેત્રના જનસામાન્‍યમાં ભારે ઉત્‍કંઠા જગાવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

વર્ષ ૧૯૧૭માં જોડીયા ખાતે જન્‍મેલા શ્રી સનત ઠાકર એ પિતાજી,બહેન તથા કાકા પાસેથી કલાવિશ્વની પ્રેરણા પ્રાપ્ત કરી લેમ્‍બ્રેન્‍ટ, ટર્નર તથા મઝુમદાર જેવા મહાન કલાકારોના પ્રભાવ હેઠળ સને.૧૯૩૬ થી ૧૯૩૮ દરમ્‍યાન કરાચી ખાતે પ્રબુધ્‍ધ કલાકાર સ્‍વ.એમ.ડી.ત્રિવેદી પાસેથી પોટ્રેઈટ તથા લેન્‍ડસ્‍કેપનું પ્રશિક્ષણ મેળવેલ હતું. ભાગલા બાદ સર જે.જે.સ્‍કુલ ઓફ આર્ટસ (મુંબઈ)માંથી ‘ડિપ્‍લોમા ઈન પેઈન્‍ટીંગ'ની પદવી પ્રાપ્ત કરી, રાજકોટમાં સ્‍થાયી થઈને કલાની શૈલીઓ, પ્રવાહો તેમજ પ્રવિધિઓના અભ્‍યાસ તેમજ પ્રદર્શનો, વાર્તાલાપો, કલા-પ્રવાસો, સ્‍લાઈડ-શોઝ તથા કલા-વર્ગો થકી કલા-જાગૃતિ અર્થે અવિરતપણે આજીવન સકિ્‌ય રહેલ હતા.સ્‍વ.શ્રી સનત ઠાકરને ‘બોમ્‍બે આર્ટ સોસાયટી', ‘ ઓલ ઇન્‍ડિયા મૈસોર દસેરા આર્ટ એકિઝબિશન', ‘ઈન્‍ડિયન રેલ્‍વે આર્ટ એકિઝબિશન', ‘લલિતકામ  એકેડેમી-ગુજરાત', ‘મહાકૌશલ કલા પરીષદ-રાઈપુર',તથા ‘ઓલ ઇન્‍ડિયા ફાઈન આર્ટસ એન્‍ડ ક્રાફટસ સોસાયટી-ન્‍યુ દિલ્‍હી' દ્વારા વિવિધ એવોર્ડઝથી સન્‍માનિત કરવામાં આવેલ હતા.પચાસ કરતા વધુ વર્ષની સુદિર્ઘ કલાયાત્રા દરમ્‍યાન રાષ્ટ્રભરમાં અનેક ‘વન મેન શો' તથા ‘સમૂહ પ્રદર્શન'માં ભાગ લેનાર તથા કલાકારોની એક આખી પેઢીને પ્રશિક્ષિત કરનાર અતુલ્‍ય કલાકાર સ્‍વ.શ્રી ઠાકરની કલાકૃતિઓ ‘એર ઇન્‍ડિયા', તાજ મહેલ હોટેલ, ટાટા ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફન્‍ડામેન્‍ટલ રીસર્ચ, નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ, ઇન્‍ડિયન રેલ્‍વે, વિગેરે નામાંકિત સંસ્‍થાઓ તથા પ્રાઈવેટ કલેકશનમાં સંગ્રહિત છે. મેઘાવી પ્રતિભાના સ્‍વામી સ્‍વ.શ્રી સનત ઠાકરની કૃતિઓના પ્રદર્શનને માણવા સંસ્‍થાનાં આચાર્યશ્રી આર્કી. દેવાંગ પારેખ તથા કાર્યશાળાનાં સંચાલક શ્રી જયેશ શુકલ અને આર્કી. શ્રી ગૌરવ વાઢેર એ  જાહેરજનતાને  નિમંત્રણ પાઠવેલ છે.

 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી લલીતભાઈ મહેતા તથા ટ્રસ્‍ટીગણ શ્રી કૌશિકભાઈ શુકલ, શ્રી ડો. સંજીવભાઈ ઓઝા, શ્રી હર્ષલભાઈ મણીઆર, શ્રી ડો. નરેન્‍દ્રભાઈ દવેનાં વડપણ  તથા ઈપ્‍સાનાં નિયામક શ્રી આર્કી. કિશોરભાઈ ત્રિવેદીનાં માર્ગદર્શન હેઠળ સંસ્‍થાનાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ જહેમત ઉઠાવી રહેલ છે.

(4:23 pm IST)