ખોખડદડ પુલ પાસે 'હિટ એન્ડ રન': રસ્તો ઓળંગી રહેલા હંસાબેનનું મોત
૬૦ વર્ષિય વૃધ્ધા રસોડાનું કામ પતાવી ઘરે આવતા'તા ત્યારે બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો
રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ વેલનાથ સોસાયટી-૮માં રહેતાં હંસાબેન પરષોત્તમભાઇ સોલડીયા (કોળી) (ઉ.વ.૬૦) ઘર નજીક ખોખડદડના પુલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજ્યું હતું.
હંસાબેન રસોડાના કામ કરવા જતાં હતાં. સાંજે સાડા આઠેક વાગ્યે કામ પુરૂ કરી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે ખોખડદડ પુલ પાસે રસ્તો ઓળંગી રહ્યા હતાં તે વખતે બાઇકનો ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો. તેમને માથા-શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં.
હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર હંસાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે.
પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા બાઇકચાલકની શોધખોળ હાથ ધરી છે.