રાજકોટ
News of Saturday, 20th February 2021

ચુંટણી અંતર્ગત રેલમછેલ અટકાવવા કાર્યવાહીઃ ગાંધીગ્રામ, થોરાળા, યુનિવર્સિટી પોલીસના ૩ દરોડા

રૈયા ચોકડીએ રવિ ચાવડાએ પ્લાયવૂડનો માલ ભરવાના બહાને દૂકાન ભાડે રાખી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો

રૂ. ૮૬૪૦૦ની ૨૦૪ બોટલ કબ્જેઃ થોરાળા પોલીસે ૮ બોટલ સાથે કોૈશિકને, યુનિવર્સિટી પોલીસે ૪ બોટલ સાથે રાકેશને પકડ્યો : ગાંધીગ્રામના ગોપાલભાઇ પાટીલ અને દિવ્યરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૨૦: આવતીકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી અંતર્ગત પોલીસે બુટલેગરો સામે શરૂ કરેલી ઝુંબેશ અંતર્ગત વધુ ત્રણ દરોડામા ૯૨,૪૦૦ના દારૂ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા છે. જેમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસેની દૂકાનમાંથી મોટા જથ્થા સાથે એક શખ્સને દબોચ્યો છે. આ શખ્સે પ્લાયવૂડનો માલ ઉતારવો છે, તેવું ખોટુ બોલીને દૂકાન ભાડે રાખી હતી અને ચૂંટણીના બે દિ' અગાઉ દારૂનો જથ્થો અહિ ઉતાર્યો હતો. અહિથી તે 'માલ'નું કટીંગ કરે એ પહેલા પોલીસ પહોંચી ગઇ હતી.

ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા અને ગોપાલભાઇ પાટીલની બાતમી પરથી રૈયા ચોકડી પાસે અંબીકા કોમ્પલેક્ષમાં શિવ  આશિષ સેન્ટીંગની બાજુની દૂકાનમાં દરોડો પાડી રવિ નટવરલાલ ચાવડા (ઉ.વ.૨૬-રહે. બાપા સિતારામ ચોક, અપના અડ્ડા પાનની દૂકાન ઉપર મિલનના મકાનમાં)ને રૂ. ૮૬૪૦૦ના ૨૦૪ બોટલ દારૂ સાથે પકડી લેવાયો છે. પોલીસે મેકડોવેલ્સ નંબર વનની ૧૫૬ બોટલો અને રોયલ ચેલેન્જર્સની ૪૮ બોટલો કબ્જે કરી હતી.

પોલીસ સુત્રોના કહેવા મુજબ રવિ અગાઉ પણ આવા કેસમાં સંડોવાઇ ચુકયો છે. ચૂંટણીની આગલી રાતે દારૂની રેલમછેલ થશે તેમ માની વેંચવા માટે અને રોકડી કરી લેવા માટે તેણે આ જથ્થો ઉતાર્યો હતો. દૂકાન પોતાને પ્લાયવૂડ હાર્ડવેરનો માલ રાખવા માટે ભાડે જોઇએ છે, તેવું ખોટુ બોલીને દારૂનો જથ્થો ઉતાર્યો હતો. તે કયાંથી આ જથ્થો લાવ્યો? તે અંગે તપાસ કરવા રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએઅસાઇ આર. એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. કિશોરભાઇ ઘુઘલ, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહિલ, ગોપાલભાઇ પાટીલ અને બ્રિજરાજસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી.

જ્યારે થોરાળા પોલીસે કોન્સ. દિવ્યેશ ઉપરા અને યુવરાજસિંહ રાણાની બાતમી પરથી ચુનારાવાડ ટ્રેકટર ચોકના ખુણેથી કોૈશિક વલ્લભભાઇ ગોહેલ (ઉ.૩૩-રહે. ક્રિષ્ના આર્કેડ-૧, ફલેટ નં. ૨૦૩, ગોંડલ હાઇવે)ને રૂ. ૪૦૦૦ના ૮ બોટલ દારૂ સાથે પકડી લઇ રૂ. ૧૯ હજારનું એકસેસ જીજે૦૩એચજી-૦૬૦૦ પણ કબ્જે લીધું હતું. એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ જી. એસ. ગઢવી, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, આનંદભાઇ પરમાર, કોન્સ. નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, જયદિપભાઇ ધોળકીયા, કિરણભાઇ, યુવરાજસિંહ, રમેશભાઇ, દિવ્યેશભાઇ સહિતે આ દરોડો પાડ્યો હતો.

જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીને આધારે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના ગેઇટ નં. ૩૬ કવાર્ટર નં. ૬૧૬માં રહેતાં રાકેશ ધીરૂભાઇ પરમાર (ઉ.૨૩)ને રૂ. ૨૦૦૦ના ૪ બોટલ દારૂ સાથે પકડી લઇ ૩૦ હજારનું એકટીવા કબ્જે કરાયું હતું. એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, બ્રિજરાજસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાએ ચુંટણી અંતર્ગત પ્રોહીબીશનની કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અંતર્ગત આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

(12:38 pm IST)