રાજકોટ
News of Tuesday, 20th April 2021

પ્રહલાદ પ્લોટમાં પીએસઆઇ - કોન્સ્ટેબલને બે કલાક ઘરમાં ગોંધી રખાયા બાદ ભારે ધમાલઃ ઝપાઝપીઃ ૨૦ની ધરપકડઃ જામીન મુકત

પીએસઆઇએ ઘરની ડેલી ખખડાવી એક વ્યકિત આવી તેને ધર્મેશભાઇનું કામ છે તેમ કહેવાતાં તેણે પોતે જ ધર્મેશભાઇ હોવાનું કહી ઘરમાં બોલાવ્યા પાણી આપ્યું પછી બધાએ એકસંપ કરી ઘેરી લઇ મોબાઇલ ફોન પડાવી સ્વીચ ઓફ કરી દીધા : ધર્મેશ બારભાયા, હિતેષ બારભાયા સહિત ત્રણ સિવાયના તમામને વહેલી સવારે જામીન મુકત કરાયા : પોલીસને ગોંધી રખાયા બાદ પોલીસે પણ અત્યંત આકરો મીજાજ દેખાડ્યોઃ બારભાયા પરિવારના લોકોને ફટકાર્યાના વિડીયો વાયરલ થયા : ધર્મેશ કિશોરભાઇ બારભાયા વિરૂધ્ધ ૧,૧૩,૦૦,૦૦૦ના ચીટીંગની અરજીની તપાસ હતીઃ પુનિતાબેન પારેખના કહેવાથી બધા લોકો અમારી સાથે ઉંચા અવાજે બોલવા માંડેલા, ઝપાઝપી કરીઃ ટોળામાંથી બે જણા મોબાઇલમાં શુટીંગ કરી ખુબ બૂમાબૂમ કરવા માંડ્યા'તાઃ મોટા ટોળામાં હોઇ અમે કંઇ કરી શકયા નહોતાઃ પીએસઆઇ સાખરા

તસ્વીરમાં પ્રહલાદ પ્લેટ-૧માં અરજીની તપાસમાં ગયેલા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને કોન્સ્ટેબલને બે કલાક ગોંધી રખાયા બાદ ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસ મથકની ટીમો પહોંચતા અને ગોંધી રખાયેલા સ્ટાફને મુકત કરાવી જેણે ગોંધી રાખ્યા હતાં એ પુરૂષ સભ્યોની અટકાયતની કાર્યવાહી હાથ ધરતાં ભારે ધમાલ મચી ગઇ હતી અને દેકારો થઇ ગયો હતો. ઝપાઝપીના દ્રશ્યો સાથેના વિડીયો સોશિયલ મિડીયામાં ખુબ વાયરલ થયા હતાં. પોલીસ અને બારભાયા પરિવારના સભ્યો વચ્ચે ભારે ઉગ્રતા છવાઇ ગઇ હતી જે તસ્વીરોમાં જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૦: તપાસમાં ગયેલી પોલીસ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. અગાઉ માલવીયાનગર પોલીસની ટીમ પર કૂકી ભરવાડ સહિતના ટોળાએ હુમલો કર્યો હતો. ત્યાં હવે પ્રહલાદ પ્લોટમાં રહેતાં બારભાયા પરિવારના ઘરે અરજીની તપાસ માટે ગયેલા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને તેમના રાઇટરને ઘરમાં પુરી ઘેરી લઇ બે કલાક સુધી ગોંધી રાખી તેમના મોબાઇલ ફોન ઝૂંટવી લઇ સ્વીચ ઓફ કરી દેતાં આ મામલે બાદમાં જાણ થતાં ક્રાઇમ બ્રાંચ અને એ-ડિવીઝન પોલીસની ટીમોએ પહોંચી પીએસઆઇ અને રાઇટરને મુકત કરાવતાં અને ગોંધી રાખનારા સામે અટકાયતની કાર્યવાહી શરૂ કરતાં મહિલા સભ્યોએ પુરૂષ સભ્યોને પોલીસ લઇ ન જાય એ માટે ભારે ધમપછાડા શરૂ કરતાં દેકારો મચી ગયો હતો. પોલીસ સાથે ઝપાઝપી અને માથાકુટ થતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ મામલે ૨૦ સામે ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી હતી.  ત્રણ મુખ્ય આરોપી સિવાય તમામને વહેલી  સવારે જામીન મુકત કરવામાં આવ્યા છે.

આ ઘટનામાં પીએસઆઇ એસ. વી. સાખરા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી (૧) ધર્મેશ  કિશોરચંદ્ર બારભાયા (રહે. પ્રહલાદપ્લોટ રાજકોટ) (૨) કીશોરચંદ્ર ધીરજલાલ બારભાયા (૩) દીવ્યેશ  કિશોરભાઇ બારભાયા (૪) પ્રિયંક ધર્મેશભાઇ બારભાયા   (૫)મોહીત હરેશભાઇ રાણપરા રહે. કરણપરા (૬) ગીરીશ ડાયાલાલ ફીચડીયા રહે. જાગનાથપ્લોટ (૭) દીપક કાંતીલાલ રાણપરા રહે. લક્ષ્મીપાર્ક રાજકોટ (૮) પીયુષ રજનીકાંત આડેસરા રહે.લક્ષ્મીપાર્ક (૯) હીતેષ કીશોરભાઇ બારભાયા રહે. પ્રહલાદપ્લોટ (૧૦) મીતેષ કીરીટભાઇ સાહોલીયા રહે. વર્ધમાનનગર (૧૧) મનસુખલાલ અમૃતલાલ આડેસરા રહે.પ્રહલાદ પ્લોટ (૧૨) નિલેષ પ્રવીણચંદ્ર રાણપરા રહે.પ્રહલાદ પ્લોટ (૧૩) પુનિતાબેન હસમુખભાઇ પારેખ રહે. ગેલેકસી એપાર્ટમેન્ટ રાજકોટ (૧૪) કાજલબેન ધર્મેશભાઇ બારભાયા રહે. પ્રહલાદપ્લોટ  (૧૫) સુહાનીબેન ધર્મેશભાઇ બારભાયા (૧૬) ભાવિનીબેન દિવ્યેશભાઇ બારભાયા (૧૭) મિનાક્ષીબેન હિતેશભાઇ બારભાયા (૧૮) ભારતીબેન કિશોરચંદ્ર બારભાયા (૧૯) મંજરીબેન નિલેશભાઇ રાણપરા રહે. બધા પ્રહલાદ પ્લોટ અને (૨૦) વૃશીલ હીતેશભાઇ બારભાયા રહે. પ્રહલાદપ્લોટ શેરી નં-૧ સામે આઇપીસી  ૧૪૩, ૧૪૯, ૧૮૬, ૩૪૧, ૩૩૨ મુજબ  ગેરકાયદે મંડળી રચી ફરજમાં રૂકાવટ કરી ઝપાઝપી કરી ઇજા કર્યાનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

પીએસઆઇ એસ.વી.સાખરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે પો. સબ ઇન્સ. તરીકે મારી ફરજ બજાવું છું. અમોને અરજદાર કિશોર સીયાની અરજી તપાસ માટે મળી હતી. જે તપાસમા અરજીના કામે સામાવાળા ધર્મેશ કિશોરભાઇ બારભાયા જેઓએ ૧,૧૩,૦૦,૦૦૦નુ ચીટીંગ કર્યુ હોઇ આ  અરજી નસ તપાસ દરમ્યાન ધર્મેશભાઇ બારભાયા દ્વારા  સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન મેળવવા અરજી કરતા જે મંજુર થઇ હતી.

પરંતુ આગોતરા જામીન મેળવ્યા પછી પણ ધર્મેશ બારભાયા ભાગતો ફરતો હતો અને તેનો ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. જેથી તેના પિતા કિશોરભાઇ બારભાયાને તેના પુત્ર વિરૂધ્ધની અરજી બાબતે જાણ કરવામાં આવેલ અને તેમના પુત્રને નિવેદન માટે મોકલવા જણાવેલ જેથી તેઓએ ધર્મેશ બહાર હોવાનું અને તે આવ્યે નિવેદન માટે મોકલશે તેમ જણાવેલ હતુ. પરંતુ દશ-બાર દિવસ સુધી ધર્મેશ આવેલ નહી જેથી ગઇ કાલ તા.૧૮/૪/૨૦૨૧ના રોજ તેના પિતા કિશોરભાઇ બારભાયાને ફોન કરેલ અને તેઓને નિવેદન માટે બોલાવતા તેઓએ જણાવેલ કે અમે આવીએ છીએ પરંતુ તે પોતે આવેલ નહી અને તેના સમાજના આગેવાન પુનિતાબેન હસમુખભાઇ પારેખ, દીલીપભાઇ રાણપરા તથા એક અજાણી વ્યકિત આવેલ જેઓને અમોએ અમારી પાસે રહેલ અરજી તથા તેને લગત પુરાવાઓ બતાવેલ અને તમામ હકિકતથી વાકેફ કરવામા આવેલ હતા.

જેથી આવેલ આગેવાનોએ જણાવેલ કે અમે ધર્મેશ તથા તેના પિતાને વાત કરી અને બાદ આવશુ તેમ જણાવી જતા રહેલ બાદ કોઇ પરત આવેલ નહી જેથી અમોએ ધમેશના પિતા કિશોરભાઇ બારભાયાને ફોન કરેલ અને તેઓને તેના પુત્ર ધર્મેશને લઇ નિવેદન આપવા આવવા જણાવેલ જેથી તેઓએ જણાવેલ કે તમારે ધર્મેશભાઇનુ નિવેદન લેવુ હોય તો અમારા ઘરે આવજો તેમ જણાવેલ. એ પછી સોમવારે ૧૯/૪ના બપોરના સાડા ચારેક વાગ્યાની આસપાસ અમો તથા પો. કોન્સ. મહેશભાઇ મંઢ જે અરજીના કામે ધર્મેશ કિશોરભાઇ બારભાયાનુ નિવેદન નોંધવા માટે તેના પિતાના કહેવા મુજબ તેમના રહેણાંક મકાન પ્રહલાદપ્લોટ શેરી નં- ૮/૧૬, રાજકોટ ખાતે ગયેલ હતા અને તેમના મકાનની ડેલી ખખડાતા એક વ્યકિત બહાર આવતા જેઓને અમોએ અમારી તથા સાથેના પો. કોન્સ.ની ઓળખ આપેલ અને ધર્મેશભાઇ બાબતે પુછતા આવેલ ઇસમ પોતે ધર્મેશભાઇ હોવાનુ જણાવેલ.

જેથી આ ધર્મેશભાઇની અમોએ તેમના ધરની ડેલી પાસેજ પ્રાથમીક પુછપરછ કરતા આ તેણે જણાવેલ કે સાહેબ તમે અંદર આવી જાવ અને તમારે જે કાંઇ પુછપરછ કરવી હોય તે કરી લો તેમ જણાવી અને તેમના રહેણાંક મકાનમા અમને બોલાવેલ જેથી હું તથા સાથેના પો. કોન્સ. મહેશભાઇ મંઢ તેમના કહેવાથી તેમના રહેણાંક મકાનમા અંદર ધર્મેશભાઇ સાથે ગયેલ અને ધર્મેશભાઇએ અમને અંદરના રૂમમા બેસાડેલ અને પાણી આપેલ બાદ તુરત જ તેમના ઘરના તથા અન્ય અજાણ્યા સ્ત્રી પુરૂષો મોટા ટોળામા એકઠા થઇ ગયેલ અને રૂમનો દરવાજો બંધ કરી દીધેલ જેથી અમો પરીસ્થીતી સમજી ગયેલ અને આ લોકોનો ઉદેશ કંઇક અલગ હોવાનુ જણાયેલ જેથી અમો આગળની કોઇ કાર્યવાહી કરીએ તે પહેલા આ લોકોએ મારી તથા સાથેના પો.કોન્સ મહેશભાઇ મંઢના મોબાઇલ ફોન લઇ લીધેલ જેથી અમો કોઇ વધુ પોલીસ ફોર્સને બોલાવી શકીએ નહી અને આ લોકો એકદમ ત્યા હાજર પુનીતાબેન પારેખના કહેવા મુજબ અમારી સાથે ઉંચા અવાજે બોલાચાલી કરવા લાગેલ અને તમામ પુરૂષો તથા સ્ત્રીઓને અમે અને કોન્સ્ટેબલે સમજાવવા પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન આ લોકોએ અમારી સાથે ઝપાઝપી શરૂ કરી હતી અને તે ટોળા પૈકી બે જણા તેના મોબાઇલ ફોનમા અમારૂ શુટીંગ પણ કરતા હતા અને તેઓ એકદમ બુમાબુમ અને રાડારાડી કરવા લાગેલ અને આ લોકો મોટા ટોળામાં હોઇ અને અમો કાંઇ કરી શકીએ તેમ ન હોઇ જેથી અમોને આશરે બે કલાક જેટલો સમય ગોંધી રાખેલ હતાં.

 દરમ્યાન જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો તથા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી ગયેલ અને જે પોલીસ સ્ટાફ આવતા તેઓ સાથે પણ આ ધર્મેશભાઇ તથા તેના કુટુંબના સ્ત્રી પુરૂષો બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગેલ અને જેથી પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી અને ત્યા હાજર સ્ત્રી પુરૂષોને પોલીસ તથા મહિલા પોલીસ દ્વારા ડીટેઇન કરવામા આવેલ હતા અને અમારો છુટકારો થયેલ હતો અને અમારી સાથેના પો.કોન્સ દિપકભાઇ ડાંગર તેઓએ મને જણાવેલ કે તમો નિવેદન માટે અહીં આવેલ હોય જેની મને જાણ હતી અને જેથી હું અહી આવતા અહીં ટોળુ ભેગુ થયેલ હોય જેથી મે ક્રાઇમ બ્રાંચ ખાતે જાણ કરી વધારાનો પોલીસ સ્ટાફ બોલાવેલ હોવાનુ મને જણાવેલ હતુ.

બાદ ઉપરોકત તમામ કે જેઓએ મને તથા મારી સાથેના પો. કોન્સ. મહેશભાઇ મંઢને ગોંધી રાખી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી અમારી સાથે જપાજપી કરેલ હોય જેઓને ડીટેઇન કરવામાં આવેલ હોય જેઓને અહીં એ. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ આવવામાં આવેલ હોઇ તમામ સામે ગેરકાયદેસર મંડળી રચી પોલીસને ગોંધી રાખવાનો સમાન ઇરાદો પાર પાડી અમારી કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં મને બંને હાથે તથા સાથેના પો.કોન્સ મહેશભાઇ મંઢ તથા પો.સબ.ઇન્સ પી. બી.જેબલીયા, પો.સબ.ઇન્સ એમ.વી.રબારી તથા અન્ય પોલીસ સ્ટાફના માણસોને નાની મોટી ઇજાઓ થઇ હતી.

પોલીસે આ ઘટનામાં મહિલા સભ્યો સાથે પણ હાથાપાઇ કરી લીધાના આક્ષેપો સાથે રજૂઆતો થઇ હતી. ઘટનાના વિડીયો પણ સોશિયલ મિડીયામાં ભારે વાયરલ થયા હતાં. જો કે પીઆઇ વી. કે. ગઢવીએ જણાવ્યું હતું કે કોઇપણ મહિલા સભ્ય સાથે ગેરવર્તન કરવામાં આવ્યું નથી. પુરૂષોને પોલીસ લઇ જતી હતી ત્યારે મહિલા સભ્યોએ તેમને ન લઇ જવા માટે પ્રયાસો કરી પોલીસને ગાળો દઇ ઝપાઝપી કરી હતી. છતાં પોલીસે ધૈર્ય રાખ્યું હતું. આમ છતાં ફરજમાં રૂકાવટ થઇ હતી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

(3:21 pm IST)