રાજકોટ
News of Tuesday, 20th April 2021

વિરલ વ્યકિતત્વ સ્વ. રાજેન્દ્રસિંહજી ચૌહાણ

પૂજા કેટરર્સના નામે કેટરીંગના ધંધા સાથે જોડાયેલા : અકિલા પરિવારે શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ : ''મીઠપ વાળા માનવી, જગ છોડી જશે, કાગા એની કાણ ઘર ઘર મંડાશે'' આવુ જ એક વિરલ વ્યકિતત્વ એટલે સ્વ.રાજેન્દ્રસિંહ ભાણજીભી ચૌહાણ (રાજેશભાઈ પુજા કેટરર્સ-રાજકોટ) આજે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે. છેલ્લા ૨ દિવસ હોસ્પીટલમાં સારવાર દરમિયાન ગત તા.૧૭ને શનિવારનાં રોજ તેમનુ દુઃખદ અવસાન થયુ છે. સદાય હસતો ચહેરો અને સરલ સ્વભાવથી અનેક લોકોને રડાવીને આ જગત છોડી ચાલ્યા ગયા છે.

જામકંડોરણા તાલુકાનાં મોજ ખીજડીયા ગામે રાજપૂત ક્ષત્રિય ચૌહાણ કુટુંબમાં જન્મ લઈને બાળપણ ગામડે જ વિતાવ્યું. નાનપણથી બીજાને જમાડવાનાં પોતાનાં શોખને સાર્થક કરવા ૧૬ વર્ષની ઉંમરે ઈ.સ.૧૯૮૩માં રાજકોટ ભાવસિંહજી તલાટીયા સાથે રાજકોટ જીમખાનામાં કેટરીંગનાં ધંધામાં નોકરી ચાલુ કરી અને સતત ૧૯ વર્ષ સુધી ભાવસિંહબાપુનાં માર્ગદર્શન હેઠળ ધંધાનાં પાઠ ભણ્યા. સાથે સાથે પોતાનાં ગુરૂદ્વારા શ્રીનાથજીદાદાની જગ્યા દાણીધારનાં બ્રહ્મલીન મહંતશ્રી ઉપવાસીબાપુનાં સાનિધ્યમાં પોતાનાં જીવનમાં આધ્યાત્મિક ઉપદેશ થકી સુર્યોદય થયો. અને બાપુનાં આશિર્વાદ અને પ્રેરણાથી ઈ.સ.૨૦૦૨માં પુજા કેટરર્સનાં નામથી પોતાનો કેટરીંગનો સ્વતંત્ર ધંધો શરૂ કર્યો. ત્યારથી અત્યાર સુધીનાં સમયમાં ધાર્મિક ઉત્સવોમાં રસોઈ, રાજકીય તેમજ સામાજીક પ્રસંગોમાં વ્યકિતગત જવાબદારી નિભાવીને સ્વાર્થ વગર સેવાઓ પણ આપી હતી. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા તેમજ રાજકોટનાં નાંમાંકિત વ્યકિતઓ સાથે પણ વિશેષ સંબંધ ધરાવતા હતાં.

રાજકોટનાં અકિલા પરીવારનાં મોભી કિરીટભાઈ ગણાત્રા સાથે એક પરીવારની જેમ જોડાયેલ હતાં. દર અમાસે સોમનાથ દર્શને જવું અને દાણીધાર જગ્યામાં દરેક પ્રસંગોમાં હાજર રહીને અન્નક્ષેત્ર અને ગૌશાળા માટે કાંઈકને કાંઈક સેવા કરતા રહેવું તેવો એક અડગ વિચાર ધરાવતા હતાં. તેઓ હંમેશા કહેતા ''જિંદગી એક વહેતા ઝરણાનાં પરપોટા જેવી છે. આજનો લહાવો લીજીએ કાલ કોણે દીઠી રે. એમ માનીને જીવો.'' પોતાનાં ૫૪ વર્ષનાં જીવનમાં સદાય હસતા અને હસાવતા રહેનાર સ્વ.રાજેન્દ્રસિંહની હંમેશા ખોટ રહેશે.  ''જેમ દિવાની કીંમત તો અંધારૂ હોય ત્યારે જ ખબર પડે છે'' આવા એક ખાસ મિત્રને ગુમાવવાનો ખાસ વસવસો જીવંત પર્યન્ત રહેશે. અહીં અકિલા પરીવારે સ્વ.રાજેન્દ્રસિંહ (રાજેશભાઈ)ને શબ્દોરૂપી પુષ્પાંજલી અર્પણ કરીએ છીએ. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના...

(12:50 pm IST)