રાજકોટ
News of Tuesday, 20th April 2021

માતાનું કોરોનાથી મોત,તેના ચોથા દિવસે આઘાતમાં દિકરીનું હાર્ટએટેકથી મોત

કોઠારીયા રોડ હુડકો કવાર્ટરની ઘટનાઃ રમાબેન પીઠવા (ઉ.વ.૬૫)નું રવિવારે મૃત્યુ થયું: આજે તેમના દિકરી રીટાબેન પિત્રોડા બાથરૂમમાં ઢળી પડ્યાઃ લુહાર પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૦: કોરોનાએ ફફડાટ ફેલાવી રાખ્યો છે. રોજેરોજ કોઇને કોઇ પરિવારના લોકો પોતાના સ્વજનને ગુમાવી રહ્યા છે. કોઠારીયા રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં લુહાર વૃધ્ધાનું રવિવારે કોરોનાથી મોત નિપજ્યું હતું. માતાના મોતના ચાર દિવસ બાદ આઘાતમાં આજે દિકરીનું હૃદય બેસી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ હુડકો બી કવાર્ટર નં. ૧૦માં રહેતાં રીટાબેન સંદિપભાઇ પિત્રોડા (ઉ.વ.૩૯) સવારે ઘરના બાથરૂમમાં ગયા બાદ મોડે સુધી બહાર ન આવતાં અને દરવાજો ખખડાવવા છતાં પણ ન ખોલતાં દરવાજો તોડીને જોતાં અંદરથી બેભાન મળ્યા હતાં. તાકીદે તેમને રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કર્યા હતાં.

બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ ફિરોઝભાઇ શેખ અને પ્રવિણભાઇ ગઢવીએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. રીટાબેનના પતિ સંદિપભાઇ ફેબ્રીકેશનનું કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર છે. પોતે ત્રણ ભાઇના એકના એક બહેન હતાં. બનાવની કરૂણતા એ છે કે હજુ ગયા રવિવારે જ રીટાબેનના માતા રમાબેન રસિકભાઇ પીઠવા (ઉ.વ.૬૫)નું સમરસ કોવિડમાં કોરોનાથી મોત નિપજ્યું હતું. ત્યારથી રીટાબેન સતત આઘાતમાં હતાં. માતાના મૃત્યુના આઘાતમાં જ તેમને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

(12:51 pm IST)