રાજકોટ
News of Tuesday, 20th April 2021

૮૦% તબીબોની કામગીરી સારી, પણ ૨૦% લુંટ ચલાવે છે તેમની સામે તો પગલા લ્‍યો : કોંગ્રેસ આગેવાનો કાળઝાળ

કોરોનાની સારવારમાં બેફામ બનેલી ખાનગી હોસ્‍પિટલો સામે સીએમ પગલા ભરે : ૪૮ કલાકમાં યોગ્‍ય ન થાય તો મોરચો માંડવા ભટ્ટી-મકવાણા- અનડકટ-મુંધવા-જાડેજાની ચીમકી

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સહીત દેશભરમાં કોરોના મહામારીએ કાળો કહેર વર્તાવ્‍યો છે. લોકો પોતાના જીવ બચાવવા દરદરની ઠોકરો ખાતા થઇ ગયા છે. ત્‍યારે આવી ગંભીર પરિસ્‍થિતિમાં પણ કેટલાક ખાનગી હોસ્‍પિટલવાળાઓ કમાઇ લેવાની વૃત્તિ દાખવી મનફાવે તેવા ભાવો વસુલતા હોય તેમની સામે તપાસ ચલાવી પગલા ભરવા કોંગ્રેસ આગેવાન સર્વશ્રી જસવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, ગોપાલભાઇ અનડકટ, રણજીત મુંધવા, ઘનશ્‍યામસિંહ જાડેજાએ માંગણી ઉઠાવી છે.

તેઓએ સીએમને સંબોધીને તૈયાર કરેલ એક યાદીમાં જણાવેલ છે કે ડોકટર ભગવાન ગણાય છે. શહેરમાં ૮૦ ટકા તબીબો અને તેમનો સ્‍ટાફ ખુબ સરસ રીતે લોકોની સેવા કરી રહ્યો છે તે વાત સાચી, પરંતુ ૨૦ ટકા તબીબો અને ખાનગી હોસ્‍પિટલો દ્વારા ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે તે પણ એક હકીકત છે.

આદરણીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તાકીેદ આવી હોસ્‍પિટલો સામે તપાસ શરૂ કરાવી પગલા ભરે તેવી અમારી માંગણી છે. તેમ કોંગ્રેસ આગેવાનોએ રોષભેર જણાવ્‍યુ છે.

હાલ રાજકોટ જેવા શહેરમાં તમામ હોસ્‍પિટલો હાઉસફુલ છે. અન્‍ય શહેરોમાં પણ આવી જ હાલત છે. ત્‍યારે કતલખાના જેવી કહી શકાય તેવી કેટલીક ખાનગી હોસ્‍પિટલોએ મનફાવે તેવા ભાવ વસુલી દર્દીઓની મજબુરીનો લાભ ઉઠાવવામાં આવી રહ્યો હોય આવા મેલી મુરાદ ધરાવનારાઓ સામે કડક પગલા ભરવા અને ખાનગી હોસ્‍પિટલો માટે ભાવ બાંધણુ કરવા કોંગ્રેસ આગેવાનો સર્વશ્રી જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, ગોપાલભાઇ અનડકટ, રણજીત મુંધવા અને ઘનશ્‍યામસિંહ જાડેજાએ યાદીના અંતમાં જણાવેલ છે. ૪૮ કલાકમાં નિર્ણય ન લેવાય તો મોરચો માંડવાની પણ ચીમકી ઉચ્‍ચારી છે.

(3:58 pm IST)