રાજકોટ
News of Tuesday, 20th April 2021

તડકામાં તપતા દર્દીઓ અને તેના સગા- સંબંધીઓને છાંયો મળી રહે તે માટે મંડપની સગવડ કરતું તંત્ર

ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં દર્દીઓ હેરાન થતા હતા એ જોઈને રાજુભાઈ ધ્રુવે તંત્રને ધ્યાને વાત મૂકતા તુરંત કાર્યવાહી

રાજકોટ, તા.૨૦: રાજકોટની સિવિલ હોસ્પિટલ માં કોવિડ સારવાર માટે  અન્ય પ્રવેશદ્વારોના બદલે ચૌધરી હાઈસ્કૂલ ની એક જ બાજુએ પ્રવેશ હોવાના કારણે  એમ્બ્યુલન્સ અને દર્દીઓ ને લાવેલા પ્રાઇવેટ વાહનો ની લાઈનો લાગતાં સ્થિતિ વિકટ બની હતી. કોરોના મહામારીની સારવાર માટે કલાકો પછી પોતાનો વારો આવે ત્યાં સુધી રાહ જોતા  દર્દીઓ અને તેના સગા સંબંધીઓએ તડકામાં હેરાન થવું પડતું હતું. હોસ્પિટલમાં વારો આવ્યે સારવાર ની સારી રીતે વ્યવસ્થા થતી જ હતી. પરંતુ જે વારો આવે ત્યાં સુધી જે થોડો-ઘણો સમય લાગે એમાં પણ દર્દીઓ અને એના સગાઓ ગરમીને કારણે પરેશાન થતા હતા.

સમાચાર માધ્યમો ના પત્રકાર મિત્રોએ આ સ્થિતિ ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવના ધ્યાને મુકતા એમણે કલેકટર રેમ્યા મોહનને રજૂઆત કરી હતી. ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ખુલ્લામાં ઉભતી એમ્બ્યુલન્સ કે અન્ય વાહનો પર છાયડાંની વ્યવસ્થા કરાવવા કહ્યું હતું .

જિલ્લા કલેકટર  રેમ્યા મોહન  આર એ સી પરિમલભાઈ પંડ્યા, ડેપ્યુટી કલેકટર એન. આર. ધાધલ તથા મધુભાઈ પરમાર સાથે રજુઆત કાર્ય બાદ સંકલન કરી સાંજ સુધીમાં ત્યાં દર્દીઓ ને છાંયો આપતાં મંડપની વ્યવસ્થા કરવામાં રાજુભાઇ એ અગત્યની ભૂમિકા કરી હતી.

(4:16 pm IST)