રાજકોટ
News of Tuesday, 20th April 2021

કાલે રામનવમી : આ વર્ષે અંતરમાં રામના પ્રાગટ્યનો અવસર

કોરોનાની કપરી પરિસ્થિતિ ધ્યાને લઇ ઘરે ઘરે જ થશે રામભકિત : મંદિરોમાં મર્યાદિત સંખ્યામાં પૂજા અર્ચન કરાશે : લોકોએ ભીડ ન કરવા અપીલ

રાજકોટ તા. ૨૦ : ભગવાન રામનો  અવતરણનો અવસર હોય અને ભકતોના હૈયે આનંદ ન ઉભરાય તેવુ તો બને જ નહીં, પરંતુ આ વર્ષે પરિસ્થિતી જુદી છે. કોરોના સંક્રમણના કારણે મેળાવી કાર્યક્રમો વગર રામ ભકિત કરવા સૌને અપીલો થઇ છે.

કાલે રામનવમી છે. મંદિરોમાં પૂજારી અને મર્યાદીત ભકતોની હાજરીમાં ભગવાન રામના જન્મના વધામણાના આરતી પૂજન કરાશે. લોકોએ ભીડ ન કરવા અપીલો થઇ છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ મોટાભાગના મંદિરોમાં દર્શન પણ બંધ કરી દેવાયા છે. ત્યારે લોકો કાલે ઘરે ઘરે જ અંતરમનમાં બીરાજમાન ભગવાન રામને યાદ કરશે. ઘરે ઘરે રામ ભકિત થશે. પૂજા પાઠ આરતી થશે. વ્રત રાખનારા લોકો ફરાળ ગ્રહણ કરશે.

કોરોનાની ચિંતા જનજને સતાવી રહી છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાંથી ભગવાન જલ્દી ઉગારે તેવી ભાવિક ભકતો દ્વારા ભગવાન રામને પ્રાર્થનાઓ થશે.

(4:23 pm IST)