રાજકોટ
News of Wednesday, 20th October 2021

સ્ટેન્ડીંગ કમીટીમાં ૯ કરોડના રસ્તા મંજૂર : એકલા મેયરના વોર્ડમાં જ ૫ કરોડ ખર્ચાશે

મ.ન.પા.ની આવાસ યોજનાનાં કવાર્ટરો બારોબાર વેચી નાખનારાઓ દસ્તાવેજ કરી આપવા તંત્રની લીલીઝંડી !!

રાજકોટ,તા. ૨૦ : આજે મળેલ મ.ન.પા.ની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં વિવિધ ૪૦ દરખાસ્તોનાં રૂ. ૧૫.૨૫ કરોડનાં વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧૨ના એટલે કે મેયર પ્રદિપ ડવ જે વિસ્તારમાંથી ચૂંટાયા છે તેના  રસુલપરા-કાંગશીયાળીવાળા, વાવડી ગેઇટ વગેરે વિસ્તારમાં ૫.૫૫ કરોડ તથા અન્ય વિસ્તાર સહિત કુલ ૯ કરોડના ખર્ચે રસ્તા કામનો સમાવેશ થાય છે.

વાવડી વિસ્તારનાં રસ્તાઓ પ્રથમ વખત ડામરથી મરાશે

વોર્ડ નં.૧૨ના વાવડી વિસ્તારના રસુલપરા કાંગશીયાળીવાળા રોડને કાર્પેટ કરવાનું, ગોંડલ રોડ ક્રિષ્નાપાર્કથી વાવડી ગેઈટ તરફના ૧૮.૦૦ મી. ટી.પી. રોડને કાર્પેટ કરવાનું, વાવડી વિસ્તારમાં ગોપાલ હોટેલથીઙ્ગ ગોંડલ રોડને જોડતા રસ્તાને પેવર કાર્પેટ કરવાનું, ફાલ્કન પંપ રોડથી સત્યનારાયણ વે બ્રિજ તરફના રસ્તાને પેવર કાર્પેટ કરવાનું, ગોંડલ રોડ ટાટા શો-રૂમ થી પૂનમ ડમ્પર તરફના ૧૫.૦૦ મી. ડી.પી. રોડને પેવર કાર્પેટ કરવાનું કામ મંજુર કરાવેલ છે. આ તમામ કામો કુલ રૂ. ૫૪૨.૦૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.

આ કામો મંજુર થતા, કુલ આશરે ૩૭,૪૯૫ ચો.મી. એરીયામાં ડામર રોડ બનાવવામાં આવશે તેમજ આ કામ થવાથી વાવડી ગામ ગેઈટથી ગોંડલ રોડને જોડતા ટ્રાફિકનાં વાહનમાં સરળતા રહેશે, તેમજ વાવડી વિસ્તારના વાવડી ગામ, જય ભારત સોસાયટી, વિશ્વકર્મા સોસાયટી, વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયા વગેરે વિસ્તારોની આવાગમનની સુવિધામાં વધારો થશે. આ કામોથી આશરે ૮૦૦૦ થી વધારે લોકોને આ સુવિધા પ્રાપ્ત થશે. વાવડી વિસ્તારના રસુલપરા કાંગશીયાળીવાળા રોડને પેવર કાર્પેટ કરવાનું કામ રૂ. ૨૧૩.૨૨ લાખના ખર્ચે થનાર છે.  આ કામથી ૧૫૦૦૦ ચો.મી. એરીયામાં ડામર રોડ બનાવવામાં આવશે. આ કામ થવાથી ઢોલરાનાં પાટીયાથી ગોંડલ રોડ-કાંગશીયાળી રોડ તરફ જતા ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. જેમાં વાવડી વિસ્તારના રસુલપરા, બરકાતીનગર, મહમદી બાગ અને રવેચીપરા વિસ્તારોની આવાગમનની સુવિધામાં વધારો થશે. આ કામથી આશરે ૭૦૦૦ થી વધુ લોકોને રસ્તાની વધુ એક સુવિધા પ્રાપ્ત થશે.

વોર્ડ નં. ૧૨ના વાવડી વિસ્તારમાં રસ્તા ડામર કામ મંજૂર થતા મેયર તથા વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદિપ ડવ તેમજ સાથી કોર્પોરેટરઓ મિતલબેન ચેતનભાઈ લાઠીયા, અસ્મિતાબેન મૌલિકકુમાર દલવાડીયા અને મગનભાઈ હંસરાજભાઈ સોરઠીયાએ વોર્ડ નંબર-૧૨નાં જુદા-જુદા લોક ઉપયોગી કામો સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાવી, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને કમિટીનાં તમામ સભ્યશ્રીઓનો આભાર વ્યકત કર્યો.

આવાસ યોજનાના દસ્તાવેજ કરી અપાશે

મ.ન.પા. દ્વારા બનાવવામાં આવેલ ધરમનગર આવાસ યોજના તથા જંગલેશ્વર, બાબરીયા કોલોની, બાનલેબ, ડાલીબાઇ હોસ્ટેલ, ગોકુલધામ, ગુરૂપ્રસાદ, વિશ્વનગર, માયાણીનગર, રાજનગર સહિત કુલ ૩૦૧૨ આવાસ યોજનાના આવાસો પૈકી દસ્તાવેજ પહેલા અન્ય આસામીઓને વેચાણ કરી આપેલ હોય તેવા આવાસ ટ્રાન્સફટી કરી દસ્તાવેજ કરી આપવામાં આવશે.

આ ઉપરાંત લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રિજનો પૂર્વ દિશા તરફના તમામ રસ્તાઓ પર લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત  કપાત કરી પહોળા કરવા,ઘંટેશ્વરના રેવન્યુ સર્વે નં. ૨૦માંથી પસાર થતા ૨૦ મીટર ડી.પી. રોડના કપાત થતી જમીન સિમેન્ટ તોતીંગ રોડ માટે સંપાદન કરાયેલ. બિનખેતી પ્લોટોને બદલે અન્ય વૈકિલ્પત જમીન ફાળવવા, જુદી-જુદી શાખાઓ માટે રૂ. ૩૬.૪૩ લાખના ખર્ચે ૫૦ કોમ્પ્યુટર ખરીદવા તથા વોર્ડ નં. ૧૫માં સેન્ટ્રલ વર્કશોપ ઓફિસમાં રૂ. ૧૨.૩૪ લાખના ખર્ચે રિનોવેશન કરવા સહિતની ૪૦ દરખાસ્તો મંજૂર થઇ હતી.

(3:16 pm IST)