રાજકોટ
News of Wednesday, 20th October 2021

વોર્ડ નં. ૨માં રૂ. ૧.૪૨ કરોડના વિકાસકામોને સ્ટેન્ડીંગ કમિટિની લીલીઝંડી

શિતલ પાર્ક મેઇન રોડથી રવિકૃષ્ણ એપાર્ટમેન્ટ સુધી પાણીની પાઇપ લાઇન તથા સખીયાનગર, આરાધના સોસાયટી, જસાણી પાર્ક, ધ્રુવનીકર વિસ્તાર પેવિંગ બ્લોકથી મઢાશે : કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, જયમીન ઠાકર, ડો. દર્શિતાબેન શાહ, મીનાબા જાડેજા પ્રયત્નો સફળ

રાજકોટ તા. ૨૦ : શહેરના વોર્ડ નં. ૨ના શિતલ પાર્ક વિસ્તારમાં પાણીની લાઇન નાખવા, સખીયાનગર, ધ્રુવનગર, આરાધના પાર્ક વગેરે વિસ્તારમાં પેવિંગ બ્લોક સહિત રૂ. ૧.૪૨ કરોડના વિકાસકામો આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થતા વોર્ડ નં. ૨ના કોર્પોરેટરોના પ્રયત્નો સફળ થયા હતા.

વોર્ડ નં.-૨નાં કોર્પોરેટરે દ્વારા જુદા-જુદા લોક ઉપયોગી કામો મંજૂર કરાવવામાં આવે છે. તેવા જ એક ભાગ રૂપે વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, વોર્ડ નં.૨ના કોર્પોરેટર તથા સ્થાયી સમિતિના સભ્ય મનીષભાઈ રાડીયા તથા જયમીનભાઇ ઠાકર તથા વોર્ડ નં.૨ના કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા વોર્ડ નં.-૨માં આવેલ શિતલપાર્ક મેઈનરોડ ને જોડતા ૨૪-મી. ટી.પી.રોડ થી ૧૨-મી. ટી.પી.રોડ રવિકૃષ્ણ એપાર્ટમેન્ટ સુધી લોકોની સુવિધા ધ્યાને લઈ પાણીની મેઈન લાઈન લંબાવવા રૂ.૬૩,૮૭,૨૦૦ના ખર્ચે તથા વોર્ડ નં.-૨ માં આવેલ સખીયાનગર, આરાધના સોસાયટી, જસાણી પાર્ક વગેરે લાગુ વિસ્તારમાં રસ્તાની સાઈડના પડખામાં પેવીંગ બ્લોક નાખવાનું કામ રૂ.૩૯,૦૦,૪૨૧ ના ખર્ચે તથા ધ્રુવનગર, ચુડાસમા પ્લોટ, શ્રેયસ સોસાયટી વગેરે લાગુ વિસ્તારમાં રસ્તાની સાઈડનાં પડખામાં પેવીંગ બ્લોક નાખવાનું કામ રૂ.૩૯,૩૮,૦૫૫ સહિત કુલ રૂ.૧,૪૨,૨૫,૬૭૬નાં ખર્ચે વોર્ડ નં.-૨ માં પાણી મેઈન લાઈન લંબાવવા તથા જુદા જુદા વિસ્તારમાં પેવીંગ બ્લોકનાં કામો કરવામાં આવશે. વોર્ડ નં.૨ના કોર્પોરેટરો દ્વારા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા સ્ટે. કમિટી સભ્યો તથા પદાધિકારીઓને આભાર વ્યકત કરે છે. તેમજ વિસ્તારવાસીઓને ઉકત કામો મંજૂર થતાં વધુ સારી સુવિધા મળશે.

(3:40 pm IST)