રાજકોટ
News of Friday, 20th November 2020

રાજકોટમાં જલારામ જયંતિની શોભાયાત્રા રદ : સાદગીથી મહાઆરતી

મહાપ્રસાદ બંધ રખાયો : કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને લઇ જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા સ્તુત્ય નિર્ણય જાહેર

રાજકોટ તા. ૨૦ : આવતીકાલે તા. ૨૧ ના શનિવારે સંત શીરોમણી પૂ. જલારામબાપાની ૨૨૧ મી જન્મ જયંતિ છે. ત્યારે દર વર્ષે શોભાયાત્રા, મહાપ્રસાદ સહીતના આયોજનો સાથે રાજકોટમાં થતી જાજરમાન ઉજવણીમાં આ વર્ષે ફેરફારો કરાયા છે.

વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ ધ્યાને લઇ જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા શોભાયાત્રા અને મહાપ્રસાદ સહીતના મેળાવડા જેવા કાર્યક્રમો રદ કરી દેવાયા છે. માત્ર મહાઆરતીનો કાર્યક્રમ સાદગી અને સોશ્યલ ડીસ્ટન્સ સહીતના નિયમ પાલન સાથે રાખવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે પૂ. જલારામ જન્મોત્સવની રાજકોટમાં શેરીએ ગલીએ ધામેધુમે ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વખતે કોરોનાની પરિસ્થિતિ ધ્યાને લઇ સંયમ દાખવવામાં આવ્યો છે.

મહોત્સવ સમિતિની યાદીમાં જણાવ્યા મુજબ કાલે તા. ૨૧ ના શનિવારે પૂ. બાપાની જન્મ જયંતિ નિમિતે પંચનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઝુંપડી દર્શન ખુલ્લા મુકાશે. સાંજે ૭ વાગ્યે સરકારની ગાઇડ લાઇન મુજબ મહાઆરતી યોજાશે. ભાવિકો સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક જેવા નિયમ પાલન સાથે દર્શનનો લાભ લઇ શકશે.

ઘરે ઘરે જ પૂ. જલારામ બાપાના પૂજા અર્ચન કરવા અને ઉત્સાહના અતિરેકમાં  કયાય ટોળા કે ભીડ ન ભેગા કરવા જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા વિનંતી કરાઇ છે.

(11:32 am IST)