રાજકોટ
News of Friday, 20th November 2020

જેનું અપહરણ કરી ધોકાવાયો એ ભાવીન સામે કોૈટુંબીક ફઇની દિકરીએ નોંધાવી મહિલા પોલીસમાં વળતી ફરિયાદ

મેં ભાવીનને મામાનો દિકરો સમજી સંપર્ક રાખ્યો પણ એનું વર્તન બદલી જતાં નંબરો બ્લોક કરતાં મારા પતિ-ભાઇને તેણે ફસાવ્યા

ભાવીન ફોન કરી ધમકાવતો કે-તું મારા નંબરો કેમ બ્લોકમાં રાખે છે, બ્લોકમાંથી કાઢ નહિતર મજા નહિ આવેઃ તેણીના પતિના ફોનમાં પણ મેસેજ કરી કહેતો કે તારી પત્નિ સાથે વાત કરાવઃ સતત સમજાવવા પ્રયાસ કર્યો હતો પણ તે પાછળ પડી ગયો'તો

રાજકોટ તા. ૨૦:પરમ દિવસે કુવાડવા રોડ રઘુવીર પાર્કના ભાવીન ગોવિંદભાઇ રામાણી નામના પટેલ યુવાનનું તેના જ કુટુંબી ફઇની દિકરીના પતિ, ભાઇ સહિત ત્રણ જણાએ અપહરણ કરી બેફામ ધોકાવતાં પોલીસે તેને મુકત કરાવી ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી હતી. હવે ભાવીન સામે વળતો ગુનો દાખલ થયો છે. ફઇની દિકરીએ ફરિયાદમાં જણાવ્યું છે કે મેં તો મામાનો દિકરો સમજી તેની સાથે સંપર્ક રાખ્યા હતાં, પણ સમય જતાં તેનું વર્તન ફરી જતાં અને પાછળ પાછળ આવી હેરાન કરવા માંડતાં તેના નંબરો બ્લોક કરી દેતાં તે ફોન કરીને 'તું મારા નંબરો કેમ બ્લોકમાં રાખે છે, બ્લોકમાંથી કાઢ નહિતર મજા નહિ આવે'...તેવી ધમકી આપી મારા પતિના ફોનમાં પણ મેસેજ, ફોન કરી સતત હેરાન કરતો હતો. તેની ધરાર સંબંધ રાખવાના દબાણને હું તાબે ન થતાં મારા પતિ, ભાઇને ખોટી રીતે ફસાવ્યા છે.

મહિલા પોલીસે આ મામલે જે ત્રણ પકડાયા તે પૈકીના જીજ્ઞેશ લીંબાસીયાના પત્નિની ફરિયાદ પરથી ભાવીન સામે આઇપીસી ૩૫૪ (ડી), ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો દાખલ કર્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે છએક માસ પહેલા ભાવીન સાથે ઇંસ્ટાગ્રામ મારફત કોન્ટેકટ થયો હતો. તે મારા કોૈટુંબીક મામાનો દિકરો થાય છે. અમે થોડો સમય ઇંસ્ટાગ્રામથી કોન્ટેકટમાં રહ્યા હતાં એ પછી વ્હોટ્સએપમાં હાઇ કરીને એક મેસેજ આવ્યો હતો. જેમાં પ્રોફાઇલ ફોટો ભાવીનનો હોઇ જેથી આ નંબર તેનો હશે તેમ સમજી મેં રિપ્લાય આપયો હતો. એ પછી તેના પર અમે ચેટ કરતાં હતાં અને ઇંસ્ટાગ્રામ પર પણ જોડાયેલા હતાં. હું ભાવીનને મામાનો દિકરો સમજીને સોશિયલ મિડીયાથી તેની સાથે જોડાઇ હતી. પરંતુ તેનું વર્તન વ્યવહાર બાદમાં બરાબર ન લાગતાં અને તે કયારેક કયારેક મારી પાછળ આવી પીછો કરતો હોઇ જેથી તેના નંબર મેં બ્લેક લિસ્ટમાં મુકી દીધા હતાં.

એ પછી મેં મારા પતિ જીજ્ઞેશને પણ આ અંગે વાત કરી દીધી હતી. પતિએ સમજાવેલ કે આપણે સગામાં થતાં હોઇ જેથી કોઇને વાત કરવી નહિ. આપણે ભાવીનને મળીને સમજાવી દઇશું. ત્યારબાદ પણ ભાવીન મને અલગ-અલગ નંબર પરથી ફોન કરીને કહેતો કે મને તું બ્લોક કેમ કરી નાંખે છે? તારે મારી સાથે વાત તો કરવી જ પડશે, મારા નંબર બ્લોકમાંથી કાઢી નાંખ નહિતર મજા નહિ આવે. તેમ કહી તે ગાળો પણ આપવા માંડ્યો હતો. છતાં મેં તેના નંબર બ્લોકમાં જ રાખ્યા હતાં.

એ પછી ભાવીન મારા પતિ જીજ્ઞેશને વારંવાર ફોન કરી કહેતો કે તારી પત્નિ સાથે વાત કરાવ, જો તું વાત નહિ કરાવ તો હું તને મારી નાંખશી. અમે ભાવીનને સમજાવવા પ્રયાસ કર્યો હતો પણ તે સમજતો નહોતો. ૧૪/૧૧ના રાતે ૧૧:૧૧ કલાકે ફરીથી ભાવીને મારા પતિના ફોન પર ફોન કર્યો હતો. એ પછી સતત ફોન કરવાનો પ્રયાસ કરતાં મારા પતિએ તેનો નંબર બ્લોક કરી નાંખ્યો હતો.

એ પછી હું અને પતિ જીજ્ઞેશ બે દિવસ દિવાળી નિમીતે બહાર ફરવા ગયા હતાં. ૧૭મીએ રાતે પાછા આવ્યા ત્યાં રસ્તામાં જ જીજ્ઞેશના ફોન પર વ્હોટ્સએપ મેસેજ આવવા માંડ્યા હતાં. પતિએ ઘરે જઇ ભાવીનને સમજાવવાનું નકકી કર્યુ હતું. તેમજ મારા પિતાને પણ જીજ્ઞેશે ફોન કરી વાત જણાવી હતી. જેથી મારા પિતાએ કહેલું કે મારી દિકરીને પિયરે મુકી જાવ અને તમે પણ તહેવાર છે તો અહિ રોકાઇ જાવ તેમ કહ્યું હતું. તેમજ ભાવીનને અમે સમજાવશું તેમ મારા પિતાએ કહેતાં પતિ મને એ રાતે પિતાના ઘરે મુકી ગયા હતાં.

મારો ફોન પતિ જીજ્ઞેશ પોતાની સાથે લઇ ગયા હતાં. ૧૮મીએ સવારે પતિ જીજ્ઞેશે મારા ભાઇ જયદિપને ફોન કરી ભાવીનને સમજાવવાની વાત કરી હતી.  એ પછી મને ખબર પડી હતી કે ભાવીને મારા પતિ, ભાઇ સહિતની વિરૂધ્ધ અપહરણની ફરિયાદ કરી છે. મેં તેના નંબરોને બ્લોક કરી દેતાં તેણે મારા પતિ અને ભાઇની ખોટી રીતે ફસાવી દીધા છે.  હું અને ભાવીન મામા-ફઇના ભાઇ-બહેન થતાં હોઇ સમાજની રૂએ તેને સમજાવવા પ્રયાસ કર્યો હતો. મારે તેની સાથે સંપર્ક રાખવો ન હોઇ છતાં તે દબાણ કરતો હોઇ ધમકી આપતો હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે. તેમ જીજ્ઞેશના પત્નિએ જણાવતાં એએસઆઇ આઇ. એમ. શેખે વિશેષ તપાસ શરૂ કરી છે.

(1:01 pm IST)