રાજકોટ
News of Friday, 20th November 2020

તંત્રએ ધોકા પછાડવાનું શરૂ કર્યુઃ ચાની ૬ મોટી હોટલો ૭ દિ' સીલ

ડે. કમિશ્નર એ.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ ભીડ એકત્રીત થતી હોય તેવા ચા-પાનના થડા-હોટલોને સીલ કરવા ઝુંબેશઃ માસ્ક વગરનાને દંડ ફટકારાયોઃ સતત ચેકીંગ ચાલુ રહેશે

રાજકોટ, તા. ૨૦ :. શહેરમાં કોરોના સંક્રમણ વધતુ અટકાવવા આજથી મ.ન.પા.ના તંત્રએ કડક પગલા લેવાનું શરૂ કર્યુ છે જે અંતર્ગત આજે ભીડ એકત્રીત થતી હોય તેવી ૬ જેટલી ચાની હોટલો-પાનની દુકાનોને સીલ લગાવ્યા હતા.

આ અંગે ડે. કમિશ્નર એ.કે. સિંઘના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણ વધ્યુ છે. રોજના ૮૦ થી ૯૦ કેસ આવી રહ્યા છે. ત્યારે ભીડ એકત્રીત થતી હોય તેવા કોરોનાના હોટ સ્પોટ સમી ચાની હોટલો અને પાનની દુકાનોને સીલ કરવાની કડક ઝુંબેશ શરૂ કરાઈ છે.

આ ઝુંબેશ અંતર્ગત રામાપીર ચોકડી અને દેવજીવન ટી હોટલ તથા હરસિદ્ધિ ડીલકસ પાન અને રાજનગર ચોકમાં જય સિયારામ ટી હોટલ, આનંદ બંગલા ચોક પાસે એસ.ટી. હોટલ તેમજ લીમડા ચોક ખાતે જય મોમાઈ પાન તથા મોમાઈ ટી સ્ટોલ તથા નાસ્તા ગૃહ આ તમામ ચાની હોટલો તથા પાનની દુકાનોને ૭ દિવસ માટે સીલ કરી દેવાઈ હતી.

આમ હવે આ ચેકીંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે અને જ્યાં જ્યાં ભીડ એકત્રીત હશે, સોશ્યલ ડીસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન નહી થતુ હોય તેવા સ્થળોને સીલ લગાવી દેવાશે તેમ ડે. કમિશ્નર શ્રી સિંઘે જણાવ્યુ હતું. આ ઉપરાંત જે રાહદારીઓ માસ્ક વગરના હતા તેઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ હવે કોરોનાને કાબુમાં લેવા તંત્રએ આજથી કડક હાથે કામ લેવાનુ શરૂ કર્યુ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:03 pm IST)