રાજકોટ
News of Friday, 20th November 2020

કોરોના કાળમાં રેમડેસીવીર ઇન્જેકશનના કાળા બજારમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

રાજકોટ તા. ર૦: આ બનાવની હકીકત એવી છે કે ડી.સી.બી. પોલીસ રાજકોટના ધ્યાનમાં આવેલ કે કોરોનાની મહામારીમાં આરોપીઓ દેવ્યાનીબેન જીતેન્દ્રભાઇ ચાવડા, વિશાલ ભુપતભાઇ ગોહેલ, અંકિત મનોજભાઇ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ તથા હિમતભાઇ કાળુભાઇ ચાવડા રેમડેસીવીર ઇન્જેકશન કાળા બજારમાં વહેંચે છે. તેથી શાંતિ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને સાહેદ યોગીતાબેન દુષ્યંતભાઇ કાલરીયાની મદદથી પોલીસે આવા બે ઇન્જેકશનો મંગાવાનું જણાવતા આરોપી દેવ્યાનીબેને કહેલ કે એક ઇન્જેકશનના રૂ. ૧૦,૦૦૦/- લેખે બે ઇન્જેકશનના ર૦,૦૦૦ થાય તેમ કહેલ અને આરોપી દેવ્યાનીબેન બે ઇન્જેકશન લઇ શાંતિ કોવીડ હોસ્પિટલ પાસે આપવા આવનાર હોવાનું સાહેદ યોગીતાબેને પોલીસને જણાવેલ હોય પોલીસએ વોચ રાખી દેવ્યાનીબેન આવે ત્યારે ઓળખ અંગે ઇશારો કરવા યોગીતાબેનને જણાવતા દેવ્યાનીબેન સાથે આરોપી વિશાલ ભુપતભાઇ ગોહેલ પણ આવતા યોગીતાબેને પોલીસને ઇશારાથી જણાવતા લેડી પોલીસ દ્વારા દેવ્યાનીબેનની જડતી કરતા તેણીના કબજામાંથી રૂ. ૪૮૦૦નું એક એવા બે રેમડેસીવીર ઇન્જેકશન મળી આવેલ જે બાબતે પોલીસ દ્વારા બીલ કે આધાર હોય તો રજુ કરવાનું જણાવતા દેવ્યાનીબેને જણાવેલ કે વિશાલ સાથે તેણી સગાઇ થયેલ છે અને ગોળ ગોળ બોલી ઇન્જેકશન સબંધે કોઇ બીલ કે આધાર ન હોય જરૂરિયાતમંદને તે ઇન્જેકશન ઉંચી કિંમતે વેચવા આપતા હોવાની હકિકત જણાવેલ.

બાદ આરોપી વિશાલ ભુપતભાઇ ગોહેલની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે પોતે તથા આરોપી દેવ્યાનીબેને મળીને જલારામ હોસ્પિટલ રાહત મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા આરોપી અંકિત મનોજભાઇ રાઠોડ પાસેથી રૂ. ૧પ૦૦૦ માં આ બે ઇન્જેકશન ખરીદ કરેલ છે. જેથી આરોપી અંકિતની પૂછપરછ કરતા જાણવા મળેલ કે જલારામ હોસ્પિટલ રાહત મેડીકલ સ્ટોરમાં નોકરી કરતા આરોપી જગદીશભાઇ ઇન્દ્રવદનભાઇ શેઠ પાસેથી રૂ. ૧૪૦૦૦/- માં આ બે ઇન્જેકશન જલારામ હોસ્પિટલમાં નોકરી કરતા આરોપી હિમતભાઇ કાળુભાઇ ચાવડા પાસેથી રૂ. ૧ર૦૦૦ ખરીદેલ છે તેથી તે તમામ આરોપીઓ વિરૂદ્ધ ડી.સી.બી. પોલીસ રાજકોટ દ્વારા આઇ.પી.સી. કલમ ૪ર૦, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ પ૩ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકની એકટની કલમ ર૭ મુજબ ગુનો નોંધાયેલ.

ઉપરોકત તમામ આરોપીઓએ આ રેમડેસીવીર ઇન્જેકશનની અછત હોય આ ઇન્જેકશનનોના કાળા બજાર કરી આર્થિક ફાયદો તથા ગેરલાભ ઉઠાવવાનો ગુન્હો આચરેલ હોય આ કામના આરોપી વિશાલ ભુપતભાઇ ગોહેલે નામ. ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી ગુજારેલ હોય તે જામીન અરજીના અનુસંધાને કરવામાં આવેલ દલીલ તથા નામ. સર્વોચ્ચ અદાલત તથા જુદી જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ઉપર રાખવામાં આવેલ આધારના અનુસંધાને નામ ગુજરાત હાઇકોર્ટએ આરોપી વિશાલ ભુપતભાઇ ગોહેલને જામીન મુકત કરેલ છે.

આરોપી વિશાલ ભુપતભાઇ ગોહેલ વતી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ સંદીપ આર. લીંબાણી તથા બ્રીફિંગ એડવોકેટ તરીકે રાજકોટના એડવોકેટ નીલેશ સી. ગણાત્રા, આદીલ એ. માથકિયા તથા અમિત એમ. મેવાડા રોકાયેલા હતા.

(2:47 pm IST)