રાજકોટ
News of Saturday, 21st November 2020

જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા મહાઆરતી-ઝુંપડી દર્શનના કાર્યક્રમો પણ બંધ રખાયા : કર્ફયુની સ્થિતિ ધ્યાને લઇ નિર્ણય

રાજકોટ તા. ૨૧ : વિશ્વભરને અન્નદાનથી ભકિતનો અનોખો રાહ બતાવનાર સંત શીરોમણી પૂ. જલારામ બાપાની આજે ૨૨૧ મી જન્મ જયંતિ છે. કોરોનાની પરિસ્થિતી ધ્યાને લઇ સાદગીસભર કાર્યક્રમો સાથે આજે ઠેરઠેર જલારામ વંદના થઇ રહી છે. લોકોએ ભીડ થાય તેવા ઉત્સવી કાર્યક્રમોથી દુર રહી ઘરે ઘરે જ પૂ. જલારામ બાપાની ભકિત કરવા અનુરોધ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટ જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા વર્ષો વર્ષ યોજાતી જાજરમાન શોભાયાત્રા આ વર્ષે બંધ રાખવામાં આવી છે. પંચનાથ મહાદેવ મંદિરે સાંજે મહાઆરતી અને જલારામ ઝુંપડીના દર્શનનો કાર્યક્રમ રખાયો હતો. પરંતુ તંત્ર દ્વારા આજથી રાત્રી કર્ફયુ જાહેર થઇ ચુકયો હોય સમિતિ દ્વારા આ બન્ને કાર્યક્રમો પણ રદ કરાયા છે. સૌ ભાવિક ભકતોએ સંયમ દાખવવા અને ઘરે જ રહેવા તેમજ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક બાંધવા જેવા નિયમોનું અચુક પાલન કરવા જલારામ જન્મોત્સવ સમિતિ અને રઘુવંશી પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(11:51 am IST)