રાજકોટ
News of Saturday, 21st November 2020

પારડી ગામમાં તસ્કરોનું કોમ્બીંગઃ ૮ મકાનમાં હાથફેરો

રાજકોટની ભાગોળે દિપાવલીના તહેવારોમાં તસ્કરોનો તરખાટઃ જે મકાન માલીક હાજર હતા તેને ઘરમાં પુરી દીધાઃ પોણો લાખની મતા ગઇ : અન્ય મકાન માલીકો આવ્યા બાદ ચોરીનો આંક વધે તેવી શકયતાઃ શાપર-વેરાવળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ : અન્ય મકાન માલીકો આવ્યા બાદ ચોરીનો આંક વધે તેવી શકયતાઃ શાપર-વેરાવળ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૨૧ : શહેરની ભાગોળે ગોંડલ રોડ ઉપર આવેલ પારડી ગામમાં દિપાવલીના તહેવારોમાં તસ્કરોએ કોમ્બીંગ કરી ૮ મકાનમાં હાથફેરો કર્યો હતો. એક મકાનમાંથી પોણો લાખની મત્તા ચોરી કરી ગયા હતા. અન્ય મકાનોમાંથી રોકડ રકમ તથા દાગીના ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર - વેરાવળના પારડી ગામે દિપાવલીના પર્વમાં ગત ૧૬ના રાત્રીના તસ્કર ટોળકીએ ત્રાટકી એકી સાથે ૮ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં પારડી ગામે જ્યોતિ પાર્ક-૧માં રહેતા હિતેષભાઇ મગનભાઇ કોળીના મકાનમાંથી તસ્કરો સોના - ચાંદીના દાગીના રોકડા રૂ. ૨૭૦૦૦ મળી કુલ ૭૬,૭૦૦ની મત્તા ચોરી કરી ગયા હતા. ત્યારબાદ તસ્કર હિતેષભાઇના બાજુમાં આવેલ. ત્રણ મકાનોમાં ખાબકયા હતા. જ્યાંથી અનુક્રમે ૩ હજારની રોકડ, ૧૦ હજારની કટલેરીનો સામાન તથા રોકડ રૂ. ૨૭૦૦૦ની રકમ ચોરી કરી ગયા હતા.

ત્યારબાદ તસ્કર ટોળકીએ પાછળની શેરીમાં આવેલ અન્ય પાંચ મકાનોને નિશાન બનાવી હાથફેરો કર્યો હતો. તસ્કર ટોળકીએ બંધ મકાનમાંથી નિરાંતે હાથફેરો કર્યો હતો તો જે મકાનમાં મકાન માલીક હાજર હતા તે તેને મકાનમાં પુરી દઇ ચોરી કરી હતી. આઠ મકાન માલીક પૈકી હિતેષભાઇ કોળીની ફરિયાદ ઉપરથી શાપર - વેરાવળ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તેમજ જ્યાં ચોરી થઇ છે તે બંધ મકાનના માલીકો આવ્યા બાદ કેટલી મત્તાની ચોરી થઇ છે તે બહાર આવશે. ચોરીનો આંક વધે તેવી શકયતા છે.

પારડી ગામે એકી સાથે ૮ મકાનને તસ્કરોએ નિશાન બનાવતા ગ્રામ્યજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(3:20 pm IST)