રાજકોટ
News of Thursday, 10th June 2021

શિવાજીનગરમાં મકાનના કામ વખતે વિજકરંટથી ધનજી મકવાણાનું મોત

પત્નિ સગર્ભા છેઃ બે પુત્રોએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૦: દૂધ સાગર રોડ પર શિવાજીનગર-૨૧માં રહેતાં ધનજી મેઘજીભાઇ મકવાણા (કોળી) (ઉ.વ.૨૫)ને સાંજે છએક વાગ્યે વિજકરંટ લાગતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ધનજીના મકાનનું કામ હાલમાં ચાલી રહ્યું હોઇ તે સાંજે પ્લગમાં પીન ભરાવવા જતાં કરંટ લાગતાં બેભાન થઇ પડી જતાં તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વિસ્તારના આગેવાન પ્રવિણભાઇ સોરાણી તુરંત જ પહોંચ્યા હતાં અને ધનજીને હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી.

કરૂણતા એ છે કે ધનજીના પત્નિ હાલ સગર્ભા છે. તેને સંતાનમાં બે પુત્ર છે. પોતે એક બહેનથી મોટો હતો અને ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

વિરસાવકર ટાઉનશીપમાં દિપકભાઇનું બેભાન હાલતમાં મોત

રેલનગર વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને મંડપ સર્વિસમાં સિલાઇ કામ કરતાં દિપકભાઇ છગનભાઇ ચાવડા (દરજી) (ઉ.વ.૫૬) બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. પોતે બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં. પ્ર.નગર પોલીસે એ.ડી. નોંધી હતી.

(1:11 pm IST)