રાજકોટ
News of Thursday, 10th June 2021

ભારતનો સૌથી મોટો રેસલર સુશીલકુમાર કુશીલ કઇ રીતે બન્યો?

એકસમયે પદ્મશ્રી મેળવનાર પહેલવાન બન્યો હેવાન : જો કોઇ ખુબ કાબેલ હોય પણ સંગત ખોટી હોય તો તેને આકાશમાંથી ધરતી પર પછડાતા વાર નથી લાગતી તેનું ઉદાહરણ છે સુશીલ કુમાર : બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર ધનખડની હત્યાનો આરોપી છે. સુશીલ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. : ભારતને ઓલમ્પિકમાં મેડલ અપાવનાર સુશીલ કુમાર સાથે એવું તે શું થયું કે તે આજે જેલમાં છે? : બજરંગ પુનિયા, રવિ દહિયા, દીપક પુનિયા, યોગેશ્વર દત અને સાક્ષી મલિક જેવા હોનહાર રમતવિરોએ પણ છત્રસાલ સ્ટેડીયમ શા માટે છોડ્યું? : દિલ્હીના છત્રસાલ સ્ટેડીયમમાં સુશીલના ગ્રૂપમા સાગર ધનખડ સામેલ ન થયો અને...

શું તમે કયારેય વિચાર્યું છે કે એક જ ચા કપમાં અલગ અને કુલ્લડમાં અલગ સ્વાદ શું કામ આપે છે? ચા એક જ છે પણ બંનેની કિંમતમાં આકાશ-જમીનનો ફર્ક છે, બંનેના સ્વાદમાં અંતર થઇ જાય છે. આવું એટલા માટે થાય છે કે તમે કોણ છો તેન કરતા સૌથી વધારે મહત્વ એ વાતનું હોય છે કે તમે કયાં છો અને કોની સાથે છો? યાદ રાખો જીવનમાં આપણે ગમે તેટલા પ્રતિભાવાન હોઇએ પણ જો યોગ્ય સંગત આપણને ન મળે તો આપણે તે મેળવી નહિં શકીએ જયાં આપણી કાબેલિયત હોવી જોઇતી હતી. જો કોઇ ખુબ કાબેલ હોય પણ સંગત ખોટી હોય તો તેને આકાશ માંથી ધરતી પર પછડાતા વાર નથી લાગતી. તેનું સૌથી મોટું ઉદાહરણ છે ભારતનો સૌથી મોટો રેસલર સુશીલ કુમાર. પહેલા તેની વાહ વાહ થતી આજે તે જેલમાં છે. ભારતને ઓલમ્પિકમાં મેડલ અપાવનાર સુશીલ કુમાર સાથે એવું તે શું થયું કે તે આજે જેલમાં છે?

 બે વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલ કુમાર છત્રસાલ સ્ટેડિયમ ખાતે સાગર ધનખડની હત્યાનો આરોપી છે. સુશીલ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. સુશીલ કુમારના કહેવા મુજબ, તેણે ધમકાવવાના હેતુથી સાગર ધનખડની હત્યા કરી હતી. યુવા રેસલરની હત્યા કરવાનો તેનો ઇરાદો નહોતો. જો સુશીલની વાત માની લેવામાં આવે, તો પછી શું કારણ હતું કે ભારતના આ દિગ્ગજ કુસ્તીબાજે મેદાન પર પોતાની પ્રતિભા બતાવવાને બદલે ગુંડાગીરી અને ગુંડાઓ સાથે વ્યવહાર કરવાનું પસંદ કર્યું? ખરેખર, હાલના યુગમાં ગુંડાગીરી હાઇટેક બની છે. ગેંગસ્ટરો સોશિયલ મીડિયાના ઉપયોગને સમજવા લાગ્યા છે. તે લોકોને ડરાવવા, ધમકાવવા અને બહિષ્કૃત કરવા માટે ફિલ્મોનો આશરો પણ લઈ રહ્યા છે. શકય છે કે ઓલિમ્પિયન સુશીલ કુમાર પણ ગુંડાગીરીના આ નવા પ્રકારનો ભોગ બન્યો હોય.

 સંપૂર્ણપણે શાકાહારી સુશીલ કુમાર સાતમા ધોરણથી જ પહેલવાનીના અખાડામાં જોડાયો હતો. ત્યાં પ્રારંભમાં જ કોચે કહી દીધું હતું કે કોઈ દિવસ તે સફળ કુસ્તીબાજ નહિ બની શકે. આ વેણ સાંભળી સુશીલ કુમારે મનમાં નક્કી કરી લીધું કે હું આ કોચને ખોટો પાડીશ અને માત્ર પંદર વર્ષની વયે ૧૯૯૮માં સુશીલે વર્લ્ડ કેડેટ્સ ગેમમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો અને પેલા કોચને ખોટા પાડ્યા હતા. આ દરમિયાન તેનો પરિચય કુસ્તીક્ષેત્રના પ્રખ્યાત ગુરુ સતપાલસિંદ્ય સાથે થયો. પરિણામે ૧૪ વર્ષની ઉમરથી જ દિલ્હીના પ્રખ્યાત છત્રસાલ સ્ટેડીયમમાં તે જોડાયો. ૧૯૮૨માં દિલ્હીના નજફગઢ વિસ્તારના ગામ બાપરોલામાં જન્મેલા સુશીલના પિતાનું નામ દિવાનસિંહ અને માતાનું નામ કમલા છે. સુશીલ ત્રણ ભાઈઓના પરિવારમાં મોટો છે. તે બાળપણથી જ કુસ્તી પ્રત્યે ઉત્સાહી હતો અને શરૂઆતથી જ તેનું લક્ષ્ય ઓલિમ્પિકસમાં મેડલ જીતવાનું હતું. તેમણે પ્રારંભિક શિક્ષણ બાપરોલા સ્કૂલમાંથી કર્યું અને પછી દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું. પરંતુ તે બાળપણથી જ મહાબાલી સતપાલ સાથે સંકળાયેલ હતો. જેમણે તેમની કુશળતાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સતપાલસિંઘ છત્રસાલ સ્ટેડીયમના કુસ્તી નિયામક હતા. છત્રસાલ સ્ટેડીયમ એ કુસ્તીબાજો માટે ઓલમ્પિકનો દ્વાર ગણી શકાય. ભારતના સફળ કુસ્તીબાજો આ સ્ટેડીયમમાંથી જ બહાર આવ્યા છે. કોચ તરીકે અદભૂત એવા સતપાલસિંદ્ય વ્યકિત તરીકે અહમવાદી હતા. તેઓ કુસ્તીના ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ રાખતા. એમના કેમ્પમાં સુશીલકુમાર જેવો તેજસ્વી તારલો આવી જતા તેઓ વધુ અભિમાની બન્યા હતા. સતપાલસિંદ્યના માર્ગદર્શન હેઠળ સુશીલકુમારે ૨૦૦૮માં ઓલમ્પિકમાં કાન્સ ચંદ્રક અને ૨૦૧૨માં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો. ૨૦૦૮માં જયારે સુશીલે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો તે દ્યટના ૫૬ વર્ષ બાદ બની હતી. ૫૬ વર્ષથી કુસ્તીમાં કોઈ ચંદ્રક મળ્યો ન હતો એ રીતે કુસ્તીમાં ચંદ્રકનો દુકાળ દૂર કરવાનો યશ સુશીલકુમારને મળ્યો. આ સુશીલકુમાર પ્રગતિના પગથિયાં સતત ચડ્યા કરતો હતો. તેણે કુસ્તીમાં ૨૪ મેડલ જીત્યા હતા. ૨૧ વર્ષની ઉંમરે તેણે ઓલમ્પિકમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. જેથી સુશીલકુમારને રેલવેએ ઊંચા પગાર અને હોદ્દાની નોકરી પણ આપી હતી તેમજ નોકરીની સાથે કુસ્તીની પ્રવૃત્ત્િ। કરી શકે તે માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પણ આપ્યું હતું. સુશીલ કુમારે સતપાલસિંહની દીકરી સાથે લગ્ન કર્યા. સસરા સતપાલસિંઘ નિવૃત થયા એટલે સુશીલકુમારને છત્રસાલ સ્ટેડીયમ ખાતે માનદ કોચિંગ નિયામકની જગ્યા પર નિમણૂંક આપવામાં આવી. કુસ્તી કોચ બનતા સુશીલ કુમાર જાણે આકાશમાં વિહરવા લાગ્યો તેને થયું એ જ હવે અહિં સર્વસ્વ છે. છત્રસાલ સ્ટેડીયમમાં કુસ્તીના જે ગ્રુપ સતપાલસિંદ્યના કહ્યામાં હોય તેને પ્રમોટ કરવામાં આવતા અને સામે હોય તે ખેલાડીઓને સ્ટેડીયમ છોડી જવા માટે મજબુર કરવામાં આવતા. આથી બજરંગ પુનિયા, રવિ દહિયા, દીપક પુનિયાએ પણ છત્રસાલ સ્ટેડીયમ છોડી દીધું છે. આ ઉપરાંત યોગેશ્વર દત અને સાક્ષી મલિકે પણ આજ કારણે સ્ટેડીયમ છોડી દીધું છે. મોટા ભાગના હરીફો તો દૂર થયા પણ ત્રેવીસ વર્ષીય કુસ્તીબાજ ૨૩ વર્ષ ના સાગર ધનખડ સ્ટેડીયમ છોડતો નહોતો એટલે તા. ૦૪ મે ૨૦૨૧ ની રાત્રે સુશીલકુમાર અને એના મિત્ર તેમજ દિલ્હીના કોર્પોરેટરના દીકરા અજય શેરાવતે સાગર ધનખડ પર હુમલો કર્યો, તેને સખત માર માર્યો અને પરિણામે બીજે દિવસે હોસ્પિટલમાં સાગરનું અવસાન થયું. સાગરનું અવસાન થતા સુશીલ અને તેનો મિત્ર અજય શેરાવત રીઢા ગુનેગારની જેમ ભાગી ગયા. કેટલાય રાજયોમાં છુપાયા. અંતે ૨૩ મે ૨૦૨૧ એ પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો. સુશીલ કુમાર અને અજયની ધરપકડ દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી કરવામાં આવી હતી. બંને કારમાંથી નીકળી રહ્યા હતા અને સ્કૂટી ઉપર કોઈને મળવા જઇ રહ્યા હતા. છત્રસાલ સ્ટેડીયમથી શરુ થયેલી સુશીલની ઉજળી કારકિર્દીની સમાપ્તિ પણ છત્રસાલ સ્ટેડીયમમાં થી જ થઇ.

 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુશીલ કુમાર કેસોમાં પોલીસ સમક્ષ ઘણા ગુંડાઓ અને તેના માણસોની રજૂઆત કરતો હતો. સુશીલ કુમાર કેટલાક મહિના પહેલા ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કલા જાથેદીના ભાઈ પ્રદીપની મદદ માટે હરિયાણાના સોનીપત ગયો હતો. સુશીલ કુમાર સાગર ધનખડ હત્યા કેસનો આરોપી છે. આ જ સાગર સાથે અન્ય રેસલર સોનુને પણ માર માર્યો હતો. એવું કહેવામાં આવે છે કે સોનુ કલા જાથેદીનો પિતરાઇ ભાઈ છે. કોર્ટે ૧૫ મેના રોજ સુશીલ કુમાર વિરુદ્ઘ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જયારે દિલ્હી પોલીસે કુમાર માટે લુક આઉટ નોટિસ ફટકારી હતી. હાલ તેના પર કેસ ચાલી રહ્યો છે. તે દિલ્હીની માંડોલી જેલમાં બંધ છે. આ ઉદાહરણ પરથી એ સાબિત થાય છે કે જીવનમાં ઉંચાઇ મેળવ્યા પછી તેને પચાવવી અદ્યરી છે. જો કુસંગત મળી તો જમીન પર પછડાતા જરા પણ વાર નહિં લાગે.  (૪૦.૯)

  કુસ્તીબાજ સુશીલ કુમારે જેલમાં ખાસ

 પ્રોટીનયુકત આહારની માંગ કરી જે કોર્ટે માન્ય ન રાખી

 જેલની અંદર વિશેષ આહાર અને સપ્લીમેન્ટસ આપવાની માંગણી કરનાર કુસ્તીબાજ સુશીલ કુમારની અરજી પર દિલ્હીની એક કોર્ટે બુધવારે ચુકાદો સંભળાવ્યો જેમાં કોર્ટે કહ્યું કે આ 'આવશ્યક જરૂરિયાતો' નથી.

 કોર્ટમાં કરેલી અરજીમાં કુમારના વકીલો પ્રદીપ રાણા, કુમાર વૈભવ અને સાત્વિક મિશ્રાએ કહ્યું હતું કે તેમના કલાયન્ટ આઇસોલેટ વ્હી પ્રોટીન, ઓમેગા -૩ કેપ્સ્યુલ્સ, જોઇન્ટ કેપ્સ્યુલ્સ, પ્રી-વર્કઆઉટ સી ૪, મલ્ટિવિટામિન વગેરે જેવા સપ્લીમેન્ટ્સ લે છે. તે માત્ર શાકાહારી ખોરાક જ ખાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ આવશ્યક ચીજો પૂરા પાડવાનો ઇનકાર કુમારની કારકિર્દી પર નકારાત્મક અસર કરશે કારણ કે તેના આરોગ્ય અને પ્રભાવને જાળવવા માટે ખાસ પોષક આહાર અને પૂરવણીઓ આવશ્યક છે.  આ અંગે બુધવારે મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વીરસિંઘ લાંબાએ કહ્યું હતું કે, 'આરોપી વિશેષ આહાર અને આહાર સપ્લીમેન્ટ્સ માત્ર આરોપીની ઇચ્છા હોય છે અને તે કોઈ પણ રીતે જરૂરિયાત નથી.' કોર્ટે અવલોકન કર્યું કે દિલ્હી જેલ અધિનિયમ, ૨૦૧૮ હેઠળ આરોપીઓની જરૂરિયાતો પૂરી થાય છે. જેલોમાં કાળજી લેવામાં આવે છે. કોર્ટે આદેશમાં કહ્યું કે, 'દરેક વ્યકિત જાતિ, ધર્મ, વર્ગ વગેરેને ધ્યાનમાં લીધા વિના કાયદાની નજરોમાં સમાન હોય છે. માટે આ માંગ સ્વિકારાશે નહીં.

સુશીલ કુમારે લંડન ઓલમ્પિકસમાં પ્રતિસ્પર્ધિને કાને બટકું ભરેલું !

 લંડન ઓલમ્પિકસમાં ભારતીય ટીમની આગેવાની લઇ સુશીલ કુમાર ભારતનો ઝંડો હાથમાં પકડીને ચાલ્યો હતો અને પુરુષોની ૬૬ કિલોગ્રામની કેટેગરીમાં ચંદ્રક પણ જીત્યો હતો. અલબત્ત્।, આ ચંદ્રક જીતતા પહેલા પુરુષોની ૬૬ કિલોગ્રામની કેટેગરીમાં ચંદ્રક જીતવા માટે તે સેમી ફાઇનલમાં ઉતર્યો ત્યારે એક વિવાદ જન્મ્યો હતો. જોકે તે મીડિયામાં બહુ સામે ન આવ્યો. એ અહેવાલ મુજબ લંડન ઓલમ્પિકમાં સુશીલ કુમારના હરીફ અને કઝીકીસ્તાનના ખેલાડી અખઝરેક ટેનટ્રોવે એવી ફરિયાદ કરી હતી કે સુશીલકુમારે તેના કાન પર બટકું ભર્યું હતું. જોકે, રમતગમતને અનુરૂપ દરિયાદીલિ દાખવીને ટેનટ્રોવે લેખિત ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જેને પરિણામે સુશીલકુમાર તે ગેઇમમાં વિજેતા બની શકયો નહીંતર તેને એ સમયે કુસ્તી લડવા મળત નહીં.

સુશીલ કુમારે ગુંડાગીરી કરી કરિયાણાના વેપારીને માર મારી ધમકી આપી હતી!

 દિલ્હીના મોડેલ ટાઉન વિસ્તારમાં કરિયાણા અને લોટ મીલની દુકાન ચલાવતો સતીષ ગોયલ કુસ્તીબાજ સુશીલ કુમારની બદમાશીનો શિકાર બન્યો હતો. આજે પણ તે સુશીલના ડર અને આતંકને યાદ કરે છે.

 સાગર હત્યા કેસમાં ફસાયેલા કુસ્તીબાજ સુશીલ કુમાર પર કેટલીક વખત ગેંગસ્ટરો સાથે સંબંધો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે, તો કેટલીક વખત ગેરકાયદે વસૂલી કરવાનો આરોપ પણ છે. હવે એક વેપારી કે જેણે છત્રસાલ સ્ટેડિયમમાં રૂ. ૪ લાખનું રાશન મોકલ્યું હતું તેણે આક્ષેપ કર્યો હતો કે સુશીલ કુમાર અને તેના સાથીઓએ તેને ધમકી આપી, હુમલો કરી પૈસા નહિં ચૂકવવાનો આરોપ લગાવ્યો છે.

 વેપારી સતીષ ગોયલે કહ્યું, 'અમે કોચના કહેવા પર ૧૮ વર્ષથી સ્ટેડિયમમાં રાશન આપતા હતા. જયારે સતપાલ આ સ્ટેડિયમનો કોચ હતો ત્યારે રાશન ચાલતું હતું. વર્ષ ૨૦૨૦ માં લોકડાઉન દરમિયાન બિરેન્દ્ર નામના કોચે રાશન માંગ્યું હતું. બાદમાં તેની બદલી થઈ હતી. મેં નવા કોચ પાસેથી પૈસા માંગવાનું શરૂ કર્યું. મારા કુલ ૪ લાખ રૂપિયાથી વધુ બાકી છે. એક દિવસ અશોક નામના વ્યકિતએ મને સ્ટેડિયમ બોલાવ્યો અને આખું બિલ લઈ લીધું. બીજા દિવસે ધર્મ નામના વ્યકિતએ ફોન કરીને કહ્યું કે સ્ટેડિયમમાં આવો, સુશીલ પેહેલવાને બોલાવ્યો છે. હું તરત સ્ટેડિયમમાં ગયો. ત્યાં સુશીલ કુમાર બાકીના રેસલર્સ સાથે બેઠો હતો. મેં કહ્યું કે મારા ૪ લાખ રૂપિયાથી વધુ બાકી છે, જો મને પૈસા નહીં મળે તો હું મરી જઈશ. સુશીલ એ કહ્યું તું મરી જઇશ તો લે મર.. તે પછી સુશીલે મને ૩-૪ હાથો માર્યા. આ પછી તેની સાથે હાજર કુસ્તીબાજોએ મને ખુબ માર માર્યો હતો. હું કોઈ રીતે છટકી ગયો અને પાછો આવ્યો અને એક અઠવાડિયા સુધી દ્યરે રહ્યો. હું ઘણા દિવસોથી ઘર છોડતા ડરતો હતો કે આ લોકો મને મારી નાંખશે. હું એક સામાન્ય માણસ છું, હું આ લોકો સાથે શું કરી શકું?

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫૫૮૪૬૯

(3:22 pm IST)