રાજકોટ
News of Thursday, 10th June 2021

જીલ્લા ગાર્ડનમાં વર્ષો જુનો બગીચો દુર કરવા સાથે કોંગ્રેસનો વિરોધ

નવી શાળાનાં બાંધકામ દરમિયાન રાજાશાહી વખતનો બગીચો દુર કરવાને બદલે યથાવત રાખોઃ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનું મ્યુ. કમિશ્નરને આવેદન

રાજકોટ તા. ૧૦ :.. શહેરનાં જીલ્લા ગાર્ડન વિસ્તારમાં આવેલ રાજાશાહી વખતનો બગીચો, મ.ન.પા. દ્વારા દુર કરવામાં આવનાર હોઇ આ કાર્યવાહીનો વિરોધ દર્શાવી બગીચો યથાવત રાખવા અંગે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ. કમિશનરશ્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.આ આવેદન પત્રમાં જણાવાયું છે કે વોર્ડ નં. ૧૪ માં આવેલ જીલ્લા ગાર્ડનમાં શાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે શાળા બાંધવાનું કામ છેલ્લા તબકકામાં હોય ત્યારે આ શાળાના બાંધકામની બાજુમાં આવેલ ગાર્ડનને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવી રહી છે જેનો સ્થાનિક લતાવાસીઓ દ્વારા વિરોધ થતા અમોને રજૂઆત કરાતા અમો આજરોજ  રૂબરૂ સ્થળ મુલાકાત લીધેલ હતી ત્યારે લોકો દ્વારા અમોને રજૂઆતમાં જણાવ્યું છે કે આ બગીચો વર્ષો જુનો છે અને આ બગીચો રાજાશાહી વખતમાં કસરત માટે બનાવેલો છે અને અમો આ સ્થળે નિયમિત કસરત કરવા માટે આવીએ છીએ અને વોર્કિંગ પણ કરીએ છીએ તેમજ આ બગીચાને બંધ ન કરવામાં આવે તેવી રૂબરૂ રજૂઆત મળેલ છે.આ સ્થળે અનેક લોકો દરરોજ મુલાકાત લેતા હોય. વૃધ્ધો-યુવાનો સવાર - સાંજ કસરત માટે આવતા હોય છે અને આજુબાજુના કારખાનાઓમાં કામ કરનારા શ્રમિકો બપોરે ભોજન કરવા માટે આ બગીચામાં જતા હોય ત્યારે આ બગીચો બંધ ન થવો જોઇએ તેવું અમોને સ્પષ્ટ લાગી રહ્યું છે જેથી આ સ્થળે કમ્પાઉન્ડ વોલનું કામ તાત્કાલીક સ્ટોપ કરવા અમો આપશ્રીને રજૂઆત કરીએ છીએ. તેમજ આ જગ્યા શાળાને ન સોંપવા અને શાળાના જુના પ્લાન મુજબ જ કામ કરવા અનુરોધ કરીએ છીએ અને નવી માંગણીને નકારવા ભલામણ છે.

(4:15 pm IST)