રાજકોટ
News of Friday, 11th June 2021

કાગદડીના મહંતના મોતમાં મંડરાતા અનેક સવાલોના જવાબો મુખ્ય આરોપીઓ પકડાયા પછી જ મળશેઃ ૧૨ના નિવેદન નોંધાયા

અલ્પેશ અને હિતેષે પૈસા પડાવવા જ વિડીયો બનાવ્યા હતાં કે બીજો ઇરાદોઃ એક યુવતિ નજીકના સગામાં હતી

રાજકોટ તા. ૧૧: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મોતની ઘટના કુદરતી મૃત્યુની નહિ પણ આપઘાતની હોવાનું સ્પષ્ટ થઇ ગયા પછી પોલીસે મહંતને મરવા માટે મજબૂર કરનારા તેના જ ભત્રીજા, જમાઇ અને સેવક સામે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ આદરી છે. પરંતુ તે હાથમાં આવ્યા નથી. પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ મોઢા એટલી વાતો આ બનાવમાં સામે આવી રહી છે. પરંતુ મુખ્ય આરોપીઓ હાથમાં આવ્યા પછી જ મંડરાઇ રહેલા અનેક સવાલોના સાચા જવાબો સામે આવી શકે તેમ હોવાનું લાગે છે. પોલીસે ટ્રસ્ટીઓ, મંદિરના કર્મચારીઓ સહિત ડઝનેક લોકોના નિવેદનો નોંધ્યા છે. મહંતે લખેલી ચિઠ્ઠી મુજબની વાતોના પુરાવા પણ મેળવ્યા છે. બે યુવતિના છ જેટલા વિડીયોને આધારે મહંતને બ્લેકમેઇલ કરવામાં આવતાં હોવાનું સામે આવ્યું હોઇ એક યુવતિની ઓળખ પણ પોલીસે મેળવી લીધી છે.

મહંતના રૂમમાંથી મળેલી ૨૦ પાનાની સ્યુસાઇડ નોટમાં ૩૦મીએ સેવક ગાંધીગ્રામના વિક્રમ ભરવાડે મહંત સાથે મારકુટ કરી હતી તેવો ઉલ્લેખ છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ વાત સાચી ઠરી છે. એ દિવસે વિક્રમ ધોકો લઇને મહંતના રૂમમાં જતો દેખાયો હતો. ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ગયું હતું કે મહંતે ઝેર પીને આપઘાત જ કર્યો છે, તેમની હત્યા થઇ નથી. આ પુષ્ટી પણ સીસીટીવી ફૂટેજને આધારે જ થઇ છે.

મહંતના ભત્રીજા કોડીનારના પેઢાવડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા (ભરવાડ)એ મહિલા સાથેના વિડીયો ઉતારી લઇ મારકુટ કરી મહંતને હેરાન પરેશાન કરવામાં આવતાં હોઇ કંટાળીને તેમણે આપઘાત કરી લીધાની ફરિયાદ આશ્રમના એક ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયાએ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના મુજબ ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા આ બનાવની તપાસ અલગ અલગ ટીમોની મદદથી કરી રહ્યા છે. જે બે યુવતિના વિડીયો અલ્પેશ અને હિતેષે બનાવ્યા હતાં તેમાંથી એક યુવતિ મહંતના નજીકના સગામાં હોવાનું પણ સામે આવ્યું છે. જો કે એ યુવતિ સાથે કોઇ આપત્તીનજક વિડીયો નથી. યુવતિ નોકરી કરતી હોઇ જેથી નોકરીના સ્થળેથી આશ્રમે આવતી જતી હતી અને રોકાતી પણ હતી.  નોકરી સહિતની બાબતોમાં તેણીને ટોર્ચરીંગ થતું હોવાનું કહેવાય છે.

 ભાગતા ફરતાં મુખ્ય ત્રણ આરોપીઓને રહેલા આરોપીઓને પકડી લેવા ચાર અલગ અલગ ટીમો બનાવાઇ છે. જેમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. એમ. જોગરાણાની ટીમો અને કુવાડવા પોલીસની બે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરે છે. પોલીસે તપાસમાં એફએસએલની મદદ પણ લીધી છે. ઉપરાંત મૃતદેહની રાખ અને હાડકાના નમુના પણ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવા મોકલયા છે. ઉપરાંત આશ્રમના સીસીટીવી ફૂટેજ, ડીવીઆર પણ કબ્જે લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ, આશ્રમના કર્મચારીઓ સહિત બારેક લોકોના નિવેદનો પોલીસે નોંધ્યા છે. ફરિયાદ મુજબની વિગતો આ નિવેદનોમાં સામે આવી રહી છે. મુખ્ય આરોપીઓ હાથમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે.ગઢવીની ટીમના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જોગરાણા અને તેમની ટીમો તથા કુવાડવા પોલીસ સ્ટેશનના રાઇટર  હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા તથા ડી. સ્ટાફની ટીમોએ તપાસ યથાવત રાખી છે.

(3:57 pm IST)