રાજકોટ
News of Wednesday, 21st April 2021

સિવિલમાં રૂપિયા લઇ ઓકસીજન બેડ ફાળવવાના કારસ્તાનની તપાસ ક્રાઇમ બ્રાંચને સુપ્રત : રેમ્યા મોહન

રાજકોટ સિવિલ કે સ્ટાફના કે કોઇ પણ લેભાગુની સંડોવણી ખૂલશે તેની સામે કડક પગલા લેવા કલેકટરની પોલીસ કમિશનરને સૂચના

રાજકોટ તા. ૨૧ : શહેરની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન બેડની ભારે અછત હોઇ બહાર લાઇનમાં ઉભેલા ગંભીર દર્દીઓના સગાઓ પાસેથી રૂ. ૯૦૦૦ લઇ ઓકસીજન બેડ ફાળવવાનું કારસ્તાન ખુલ્લુ પડયું છે ત્યારે આવા લેભાગુઓને ઝડપી તેની સામે કડક કાર્યવાહી કરવા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ હોવાનું કલેકટર રેમ્યા મોહને જાહેર કર્યું હતું.

આ અંગે કલેકટરશ્રીએ જણાવેલ કે, સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે ગંભીર દર્દીઓની એમ્બ્યુલન્સની કતાર લાગી છે ત્યારે આવા ગંભીર દર્દીઓના સગાઓને ઓકસીજન બેડ ફાળવવા માટે રૂ. ૯૦૦૦ લેવાનું કારસ્તાન આજે સવારે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં ખુલ્યું હતું.

આ બાબત કલેકટર રેમ્યા મોહનના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક પોલીસ કમિશનર સાથે વાત કરી અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા તથા આમા જે કોઇ સિવિલ હોસ્પિટલ કે અન્ય કોઇ સ્ટાફ કે કોઇ લેભાગુ ઝડપાય તેની સામે કડક પગલા લેવા સુચના આપી હતી.

(3:19 pm IST)