રાજકોટ
News of Wednesday, 21st April 2021

સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં મોતનો સિલસિલો યથાવતઃ વધુ ૬ના મોત

રાજકોટ તા. ૨૧: બેભાન હાલતમાં મૃત્યુનો સિલસિલો યથાવત રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ વિસ્તારમાંથી બેભાન હાલતમાં ખસેડાયેલા છ વ્યકિતએ દમ તોડી દેતાં સ્વજનોમાં શોક છવાઇ ગયો હતો.

આર્યનગરના પરષોત્તમભાઇ રામાણીનું મોત

સામા કાંઠે આર્યનગર-૧૫માં રહેતાં પરષોત્તમભાઇ રણછોડભાઇ રામાણી (ઉ.વ.૫૯)ને ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. તેઓ ચાંદીકામ કરતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પરષોત્તમભાઇના બા દયાબેન અને નાનાભાઇના પત્નિ તેજલબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘરના સભ્યોની ચિંતામાં તેમને હાર્ટએટેક આવી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું.

ભગવતીપરાના જસુબેન સોલંકીએ દમ તોડ્યો

બીજા બનાવમાં ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં રહેતાં જસુબેન મનસુખભાઇ સોલંકી (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃતકના પતિ રેલ્વેના નિવૃત સફાઇ કામદાર છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

દોલતપરાના ચંદુભાઇનું બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટ દોલતપરા સોસાયટી-૩માં રહેતાં ચંદુભાઇ નટુભાઇ રાજપરા (ઉ.વ.૫૬) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃતક મંદિરમાં સેવાપુજા કરતાં હતાં.

ઇન્કમટેકસ સોસાયટીના પ્રિતીબેનનું પણ મૃત્યુ

ચોથા બનાવમાં એરપોર્ટ રોડ પર ઇન્કમટેકસ સોસાયટી-૨માં રહેતાં પ્રિતીબેન હરીશભાઇ શર્મા (ઉ.વ.૨૮) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્રી છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. પ્રિતીબેનના પતિ નેશનલ હાઇવે ઓથોરીટીમાં કન્સ્લ્ટીંગ અધિકારી છે અને મુળ એમપીના વતની છે.

પારેવડી ચોક ખોડિયારપરાના ફિરોઝશા કુરેશીનું મોત

પાંચમા બનાવમાં પારેવડી ચોક ખોડિયારપરા-૧માં રહેતાં ફિરોઝશા હાજીશા કુરેશી (ઉ.વ.૪૭) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. બી-ડિવીઝન પોલીસે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

સંતોષીનગરના રાજુભાઇ સિતાપરાના શ્વાસ થંભી ગયા

છઠ્ઠા  બનાવમાં સંતોષીનગર રેલનગરના રાજુભાઇ હંસરાજભાઇ સિતાપરા (ઉ.વ.૫૨) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃતકને વર્ષોથી માનસિક તકલીફ હોવાનું પરિવારજને કહ્યું હતું.

(3:26 pm IST)