રાજકોટ
News of Wednesday, 21st July 2021

હાલ રાજકોટ - ગોવા સીંગલ ટ્રીપનારૂ.૫૦૦૦ આસપાસ છે

જન્માષ્ટમીની રજાઓ ગોવામાં ગાળવાનો ક્રેઝઃ રાજકોટથી વિમાન ભાડુ રૂ.૬૦૦૦ ઉપર

રાજકોટઃ જન્માષ્ટમીએ ગોવા જવાનો પ્રવાહ સૌરાષ્ટ્રમાંથી ખૂબ મોટો હોય છે. ગયા વર્ષે કોરોનાને લીધે પ્રવાસન બંધ હતુ પણ આ વર્ષે કોરોના નહીંવત થઇ ગયો છે અને કેટલાક શહેરોમાં તો હવે એકપણ કેસ આવતો નથી. આ સ્થિતિમાં જો ઓગષ્ટમાં ત્રીજી વેવ ન આવે તો સૌરાષ્ટ્ર - રાજકોટના લોકો ગોવા જવા દોટ મૂકશે. અત્યાર સુધી ફકત ટ્રેનનો જ ઓપ્શન હતો પણ હવે ગોવાની સીધી ફલાઇટ રાજકોટથી શરૂ થઇ ચૂકી છે. હવે લોકો હવાઇ માર્ગે પણ ગોવા જઇ શકે તેમ છે. જોકે ભાડાં ટ્રેન કરતા અઢી ગણા છે. છતાં છેલ્લાં સમયે પ્રવાસ નક્કી કરનારા લોકોને ફલાઇટ ઉપયોગી બનશે.

સ્પાઇસ જેટે રાજકોટથી પ્રથમ વખત ડાયરેકટ ગોવાની ફલાઇટ ગયા અઠવાડિયામાં શરૂ કરી દીધી છે. રાજકોટથી બપોરે ૪.૨૦ મિનિટે ગોવા ઉડાન ભરે છે. અત્યારે રૂ.૫૦૦૦ આસપાસ ભાડુ ચાલી રહયું છે. જો કે જન્માષ્ટમી આસપાસ લોકોનો ઘસારો રહેતો હોવાથી ભાડા ઉંચા ચાલી રહયા છે. તહેવાર નજીક આવશે તેમ ભાડા વધશે.

એક ટ્રાવેલ બુકિંગ એજન્ટ કહે છે, ૩૦ ઓગષ્ટના દિવસે જન્માષ્ટમી છે. એ પૂર્વે ૨૮ અને ૨૯મીના દિવસે રૂ.૪૫૦૦-૬૦૦૦ના ભાડા સોમવારે કવોટ થતા હતા. જન્માષ્ટમીના દિવસે રૂ.૪૨૦૦-૪૫૦૦માં ફલાઇટ  મળે છે. એ કારણે જો કોઇ એડવાન્સમાં પ્લાનીંગ ધરાવતું હોય તો અત્યારે સારો સમય ટીકીટ ખરીદવા માટે છે. આ જ સમય માટે અમદાવાદથી ગોવાના ભાડા સરેરાશ રૂ.૩૩૦૦ - ૪૦૦૦ વચ્ચે છે.

રાજકોટ હવે દિલ્હી, મુંબઇ અને બેંગ્લોરની સીધી તથા કનેકટેડ ફલાઇટ પણ શરૂ થઇ ગઇ છે. ધીરે ધીરે ડોમેસ્ટિક વિમાન વ્યવહાર પાટે ચડી રહયો છે. લોકો બિઝનેસ અને ફરવાના હેતુથી હવે વિમાનોમાં આવનજાવન પણ કરવા લાગ્યા છે એટલે ફલાઇટો ફૂલ જાય છે. મુંબઇની ફલાઇટને સૌથી સારો પ્રતિસાદ અત્યારે મળી રહયો છે.

રાજકોટમાં હવે હિરાસર એરપોર્ટના રનવેનું કામકાજ પૂરજોશમાં ચાલી રહયું છે. ૨૦૨૩માં એરપોર્ટનો આરંભ કરવાનો હોય હવે બિલ્ડીંગનું કામકાજ પણ તાબડતોબડ શરૂ કરાવવામાં આવશે. એ પૂર્વે વિવિધ એરલાઇન્સ રાજકોટથી અલગ અલગ રૂટની ફલાઇટસ શરૂ કરવા લાગી છે. દોઢ વર્ષ કોરોનાનું નડી ગયું અન્યથા રાજકોટમાં એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ સિવાયની કંપનીઓ પણ આવી ચૂકી હોત. જોકે હવે દોઢ વર્ષમાં નવા નવા ડેસ્ટીનેશન શરૂ થતા જશે.

(10:31 am IST)