રાજકોટ
News of Wednesday, 21st July 2021

સતત બીજા વર્ષે ચોથીવાર ઈદગાહો બંધ રહી : ઈદુલ અદહા સંપન્ન

૨૦૨૦માં લોકડાઉનમાં બે ઈદો આવી અને ૨૦૨૧માં રમઝાન ઈદને મહામારી નડી અને હાલ પરિસ્થિતિ સારી છતાં ગાઈડલાઈન યથાવત રહેતા : સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા બલિદાન પર્વની ઉજવણીઃ સવારે વિશેષ નમાઝ બાદ દુઆઓ થઈઃ ફરી એકવાર સાદગી છવાતા ચહલપહલનો અભાવ રહ્યોઃ રાજકોટમાં સાપ્તાહિક રજાના લીધે શ્રમિક વર્ગને બેવડો ઉત્સાહ

રાજકોટ, તા. ૨૧ :. આજે ઈદુલ અદહાની સર્વત્ર ઉજવણી કરવામાં આવી છે. જો કે લોકડાઉન-મહામારીના સમયકાળમાં બે વર્ષમાં આજે આ ચોથી ઈદ ઉજવાય છે જે સાદગીભેર સંપન્ન થઈ છે અને બીજા વર્ષ પણ સતત ઈદુલ અદહાના દિને ઈદગાહો બંધ રહેતા ચહલપહલનો અભાવ નહીંવત રહ્યો હતો.

જો કે ૨૦૨૦માં આવેલી રમઝાન ઈદ અને ઈદુલ અદહા સંપૂર્ણ લોકડાઉનમાં ઉજવાઈ હતી ત્યારે ચાલુ વર્ષ ૨૦૨૧માં આવેલી રમઝાન ઈદ મહામારીકાળ અને રાત્રિ કર્ફયુ વચ્ચે ઉજવાઈ હતી ત્યારે હાલમાં પરિસ્થિતિ ઘણી જ સુધરી છે પરંતુ રાજ્ય સરકારની ગાઈડલાઈન યથાવત હોય ઈદુલ અદહા પણ તે વચ્ચે આવી ગઈ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પરંપરાગત 'ઈદુલ અદહા'ની ઉજવણી કરવામાં આવી છે. આ ઉજવણી રાબેતા મુજબ ત્રણ દિ' સુધી ચાલશે.

હજુ એક મહિના ૨૭ દિવસ પહેલા જ રમઝાન માસ પૂર્ણ થયા બાદ ઉજવાયેલી ઈદુલ ફિત્ર લોકડાઉન વચ્ચે આવી હતી ત્યારે પણ ઈદની સાદાઈથી ઉજવણી કરાયેલ તેમ ઈદુદદોહા પણ આજે મુસ્લીમ સમાજ દ્વારા સાદગીભેર ઉજવવામાં આવી છે.

ઈસ્લામી પંચાગના ૧૨મા મહિના જીલ હજ્જની ૧૦મી તારીખે આ ઈદની ઉજવણી ઈસ્લામ ધર્મના મહાન પૈગમ્બર અને ધર્મપિતા હઝરત ઈબ્રાહીમ અને તેઓના સુપુત્ર પૈગમ્બર હઝરત ઈસ્માઈલની સ્મૃતિમાં મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવે છે.

જો કે આ મહિનો હજ્જનો છે અને જેથી ધનિક પરીવારો પૈકી કોઈને કોઈ આ મહિનામાં નિયમ મુજબ હજ્જ કરવા જતા હોય છે. જેમા સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ સેંકડો મુસ્લિમો તેમા સામેલ થાય છે. જે હજ્જ યાત્રાનો મક્કા શરીફ શહેરમાં આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે ૧૦મીના દિવસે હાજીઓ સિવાયના મુસ્લિમો વિશ્વભરમાં ઈદ ઉજવે છે.

ઈદ પ્રસંગે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઈદની વિશેષ નમાઝ પઢી હતી અને પછી લાખો હાથ દુઆઓ માટે ઉઠી જતા સમગ્ર ભારત દેશ માટે સુખ, શાંતિ અને સ્મૃદ્ધિની પ્રાર્થનાઓ કરવામાં આવી છે.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના નાના મોટા ગામો કે શહેરોમાં પણ વૈશ્વિક મહામારી વચ્ચે બલિદાનની ભાવના પ્રકટ કરતા આ પર્વની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય નાના મોટા ગામો કે શહેરોમાં ઈદગાહો બંધ રહી હતી.

આ ઉપરાંત છેલ્લા બે મહિના થયા કોરોના વાયરસની સામે સાવચેતી રૂપે ચાલી રહેલ લોકો વધુ પ્રમાણમાં ઘરમાં જ હોય, રોજીંદી પ્રવૃતિઓ પણ ઠપ્પ હોય તેના લીધે પણ ઈદ ઉજવણીમાં સાદાઈ જોવા મળી હતી.

બીજી તરફ મહામારીના લીધે લોકો અન્યોના ઘરે જવાનું ટાળતા હોય અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાનું અમલી હોય પ્રત્યક્ષ ઈદની મુબારકબાદીની આપ-લે કરવાના બદલે ફોન ઉપર ઈદની શુભેચ્છાઓનો સતત ધોધ વરસ્યો હતો. બીજી તરફ આજે બુધવારે જ ઈદ આવતા રાજકોટ શહેરમાં વસતા શ્રમિક વર્ગને સાપ્તાહિક રજાના લીધે બેવડો લાભ મળી ગયો હતો.

(3:18 pm IST)