રાજકોટ
News of Wednesday, 21st July 2021

માતાના પ્રેમી ઉપર સગીરનો છરીથી ખૂની હુમલો

રાજકોટના નવા થોરાળામાં રહેતા ભરતભાઇ ચૌહાણને ગંભીર હાલતમાં હોસ્પીટલે ખસેડાયાઃ શાપર-વેરાવળનો બનાવઃ સગીર પોલીસના સકંજામાં

રાજકોટ તા. ર૧: શાપર-વેરાવળમાં માતાના પ્રેમી ઉપર સગીરે છરીથી ખૂની હુમલો કર્યો હતો. પોલીસે ખૂની હુમલો કરનાર સગીરને સકંજામાં લઇ લીધો હતો.

પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળમાં બુધ્ધનગરમાં રહેતા સગીરે તેની માતા સાથે પ્રેમ સંબંધ રાખનાર ભરત કેશુભાઇ ચૌહાણ રે. નવા થોરાળા શાળા નં. ર૯ ની પાછળ રામનગર-ર ઉપર છરીથી ખુની હુમલો કરતા ભરતને પેટમાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા થતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.પોલીસના જણાવ્યા મુજબ સગીરની માતા સાથે રાજકોટના ભરત ચૌહાણને પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોય તેનો ખાર રાખી ગઇકાલે સગીર છરી સાથે ભરત ઉપર તૂટી પડયો હતો.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ભરતના ભાઇ દેવજીભાઇની ફરિયાદ ઉપરથી શાપર-વેરાવળ પોલીસે આરોપી સગીર સામે ૩૦૭ તથા ૩ર૩ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે ગણત્રીના કલાકોમાં જ આરોપી સગીરને સકંજામાં લઇ વધુ પુછતાછ હાથ ધરી છે.

(11:52 am IST)