રાજકોટ
News of Wednesday, 21st July 2021

ગુજરાતને ગાતું અને ગુંજતુ કરનાર સદા અમર પદ્મશ્રી 'અવિનાશ વ્યાસ'

મિલની નોકરી છોડી દીધી, નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા અને જીવનનો પ્રવાહ બદલાયો : અવિનાશભાઇ મીઠાના સત્યાગ્રહમાં જોડાયેલા અને પકડાઇ પણ ગયેલા! : 'રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે' ગીત માટે તો એચ.એમ.વી કંપનીએ અવિનાશભાઇને દશ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રૂપિયા રોકડા એ જમાનામાં આપ્યા હતા! : તેઓએ સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦ થી ૧૨ હજાર જેટલી છે! : અવિનાશભાઇ ને જગદંબા માં અપાર શ્રધ્ધા હતી : દર ભાઇબીજે અંબાજી 'મા' પાસે આવવાનો : સંકલ્પ તેઓએ જીવનભર પાળ્યો હતો : અવિનાશભાઇએ માનવ જીવન સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પ્રસંગો વિશે ગીતો રચ્યાં : એમાં ભજનો, લગ્નગીતો, રાસ-ગરબા, મૈત્રી, ફિલસૂફી અને અધ્યાત્મ, પ્રકૃતિ વર્ણન, કૌટુંબિક સંબંધો, રોમાન્ટિક ગીતો, પ્રાસંગિક રચનાઓ વગેરે વિષયોને આવરી લેતાં ગીતો રચ્યાં : એમનાં કેટલાંય ગીતો પરથી હિન્દી ફિલ્મોમાં બેઠ્ઠી ઊઠાંતરી પણ થઇ છે : અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતુ કરી, ગુજરાતના ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે

વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા, ગીત અને સંગીત મરવા પડ્યા છે. હવેની પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા તે લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે એક જ નામ કાફી છે એ છે ગુજરાતને ગાતું અને ગુંજતું કરનાર શ્વર-શબ્દનું સરનામું સદા અમર એવા અવિનાશી અવિનાશ વ્યાસ. ગુજરાતી સુગમ સંગીતના ભિષ્મપિતામહ કહી શકાય એવા કોઈ ગીતકાર અને સંગીતકારનું નામ જો કોઈ પણ ગુજરાતીને પૂછો તો સૌના હોઠ પર તરત જ એક જ નામ રમતું થઈ જાય અને એ છે 'અવિનાસ વ્યાસ'. કવિ દયારામ પછી ગુજરાતને જો કોઇએ ગાતું કર્યું હોય તે એ છે પદ્મશ્રી અવિનાશ વ્યાસ. આજે પણ અવિનાશ વ્યાસનાં ગીતો લોકોના કંઠ અને કાનમાં એકદમ ઘોળાયેલા છે, જે સિદ્ઘિ જેવી તેવી તો ન જ કહેવાય. તેમણે ગુજરાતના ઘર ઘરમાં ગવાય એવા અદભૂત ગીતોનું સર્જન કરી પોતે જ એને સ્વરબદ્ઘ કરીને લોકજીભે રમતા કર્યા છે. ગુજરાતી સુગમ સંગીતને સામાન્યજન સુધી પહોંચાડવામાં અને ખરા અર્થમાં સુગમ બનાવવામાં અવિનાશ વ્યાસનું પ્રદાન નિર્વિવાદ અનન્ય છે.

અવિનાશ આનંદરાય વ્યાસ ભારતીય સંગીત નિર્દેશક, ગીતકાર, ગાયક અને ગુજરાતી સુગમ સંગીતના ગૌરવ. અવિનાશ વ્યાસનો જન્મ ગુજરાતમાં અમદાવાદના જાણીતા ખાડિયા વિસ્તારમાં આવેલી ગોટીની શેરીમાં ૨૧ જુલાઇ ૧૯૧૨ ના રોજ થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીત તાલીમ ઉસ્તાદ અલ્લાઉદિન ખાન પાસે લીધી હતી. અવિનાશભાઇ માત્ર અઢી વર્ષના હતા ત્યારે પિતા આનંદરાય મોતીલાલ વ્યાસની છત્રછાયા ગુમાવેલી. એ વખતે અવિનાશભાઇના માતા મણીબહેને સખત પરિશ્રમ કરી પુત્ર અવિનાશનો ઉછેર કર્યો. અવિનાશભાઇનું મોસાળ મહેતા પરિવાર. વર્ષ ૧૯૨૧-૨૨ માં આઝાદીની લડતમાં અવિનાશભાઇ મીઠાના સત્યાગ્રહમાં જોડાયેલા અને પકડાઇ પણ ગયેલા! અવિનાશ વ્યાસના માતા મણીબહેન પૂ. ઉપેન્દ્ર ભગવાનના અનુયાયી હતા. તેમના પદો ને મણીબહેન ખુબ સુંદર ગાતા. માતા મણિબેન સંગીત અને સાહિત્યના જાણકાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં. આમ, આ સંસ્કાર તેમને માતાના વારસામાંથી મળ્યા હતા. માતાનો વારસો અવિનાશભાઇમાં બરોબર વસ્યો.

અવિનાશભાઇની કારકીર્દિની શરૂઆત તો મિલની નોકરીથી થઈ હતી. જયારે બીજી બાજુ તેમને ક્રિકેટ રમવાનો ઘણો જ શોખ હતો. પરંતુ એક દિવસ ક્રિકેટ રમતાં રમતાં તેમના હાથ ઉપર બોલ વાગ્યો અને હાથ ઘવાયો. શોખ થોડા સમય માટે બાજુ પર રહી ગયો. એ દરમિયાન એક દિવસ મિલના એક સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી. તે ભૂમિકામાં ઘવાયેલા હાથે એક ગીત ઉપાડ્યું : 'કોઈ કહેશો ચાંદલિયો શાને થયો*?' અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું. હવે એમના જીવનનો પ્રવાહ બદલાયો. એમનું ધ્યાન બીજી તરફ વળ્યું. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણીએ તેમનો મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી. ધીમે ધીમે તેમણે મુંબઈનગરીને અને મુંબઈના લોકોને ગુજરાતી ગીતોનો રંગ લગાડ્યો. જયાં અવિનાશ વ્યાસની કારકિર્દીની શરૂઆત એચ.એમ.વી. સાથે યંગ ઇન્ડિયા હેઠળ થઇ હતી અને અવિનાશ વ્યાસે તેમની પ્રથમ ગ્રામોફોન રેકર્ડ ઇ.સ. ૧૯૪૦ માં બહાર પાડી હતી. ચલચિત્ર ઉદ્યોગમાં ગુજરાતી ફિલ્મ 'મહાસતી અનસુયા'સાથે ઇ.સ. ૧૯૪૩ માં પ્રખ્યાત સંગીતકાર તબલાવાદક ઉસ્તાદ અલ્લારખાં (ઝાકિર હુસૈનના પિતા) સાથે બેલડી બનાવીને શરૂઆત કરી હતી. તેના પછીના વર્ષે તેમના બે ચલચિત્રો 'કૃષ્ણ ભકત બોદાણા'અને 'લહેરી બદમાશ'નિષ્ફળ રહ્યા. તેમનું પ્રથમ મોટું સફળ ગુજરાતી ફિલ્મ ઇ.સ. ૧૯૪૮ માં 'ગુણસુંદરી'હતું જે ગુજરાતી અને હિંદી બંને ભાષામાં દ્વિભાષી ફિલ્મ હતું. ચિત્રનિર્માણ સંસ્થાના સંચાલક તરફથી પ્રથમ ગુજરાતી ચિત્ર 'ગુણસુંદરી'નું સંગીત સંચાલન તેમને સોંપવામાં આવ્યું હતું. તેમાં તેમણે પોતાની બનાવેલી ગીતરચના 'ભાભી તમે થોડાં થોડાં થાવ વરણાગી' થી સમગ્ર વાતાવરણને વરણાગી બનાવી દીધું. પછી તો તેમણે એક પછી એક ચઢિયાતી કૃતિઓ રજૂ કરી હતી. ત્યાર પછી 'મંગળફેરા'ફિલ્મમાં તેમણે તેમનું રજૂ કરેલું ગીત 'રાખના રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે' તેનું વિક્રમી વેચાણ થયું. આને માટે તો એચ.એમ.વી કંપનીએ તેમને દશ તોલાનો સુવર્ણચંદ્રક અને સાડા ત્રણ હજાર રૂપિયા રોકડા એ જમાનામાં આપ્યા હતા.!

જાણીતા લેખક શ્રી હરિશ રઘુવંશીએ તેમની ગુજરાતી વિશ્વકોશ વેબસાઇટ પર અવિનાશભાઇ વિશે શ્રી પ્રબોધ જોશીએ લખેલ વર્ણન મૂકયુ છે. જેમાં નોંધાયું છે કે, કાંકરિયા ઉપર ક્રિકેટ રમતાં લાલ બોલ ઊછળ્યો અને સંધ્યાના આથમતા સૂર્યની લાલીમાં ભળી જતો દેખાયો અને પ્રથમ રચના અવિનાશભાઇને સ્ફુરી  'મા, તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો'. પિતાજીના અવસાન સમયે ગીત લખેલું : 'ખોવાયા ને ખોળવા, દ્યો નયન અમને' દરબારી કાનડામાં બંદિશ કરી. ચિત્રપટ 'ગુણસુંદરી'માં આ ગીત મૂકેલું. ત્રીસીના દસકામાં અનેક રેકોર્ડો દ્વારા ગુજરાતને રાસ-ગરબા લખી સ્વરબદ્ઘ કરી આપ્યા અને તેને ગુંજતું કરવામાં પાયાના પથ્થરની ભૂમિકા ભજવી. અમદાવાદમાં એમેચ્યોર કલબનાં નાટકોમાં પણ પછી નાટ્યકાર થયેલા પ્રફુલ્લ દેસાઈ તથા અભિનયકારો પ્રદ્યુમ્ન મહેતા, બિપિન મહેતા અને પ્રદ્યુમ્ન ભટ્ટ સાથે ભૂમિકા પણ ભજવતા. અવિનાશ વ્યાસે ૧૯૪૩ ના અરસામાં દેશદાઝનાં ગીતો પણ લખી સ્વરબદ્ઘ કરી ગવડાવ્યાં. 'જોજે જવાન રંગ જાયે ના'અને 'ધરતી કયાં સુધી ધીર ધરતી'જેવાં ગીતો તો લોકગીત જેવો પ્રચાર પામ્યાં. મુંબઈમાં સ્થાયી થયા બાદ તેઓએ એ.આઇ.સી.સી. વખતે થોડા જ દિવસોમાં 'ભૂખ'અને 'કાળ ભૈરવ'ગીત નાટિકાઓ રજૂ કરી. પછી તો આઇ.એન.ટી. સાથે રહી 'નરસૈંયો', 'મીરાં', 'આમ્રપાલી'રજૂ કર્યાં. ભારતીય વિદ્યાભવનના કલાકેન્દ્રના સક્રિય સભ્ય તરીકે 'જય સોમનાથ', 'રાસદુલારી', 'રામશબરી', 'ગીતગોવિંદ'જેવી ઉત્ત્।મ ગીતનાટિકાઓ આપી. યોગેન્દ્ર દેસાઈના સથવારે પછી તો 'રૂપકોષા', 'ચિત્રલેખા', 'પરિવર્તન', 'પિંજરનું પંખી', 'વરદાન', 'અનારકલી'અને 'ચૌલાદેવી'જેવી કૃતિઓ આપી. મોસ્કોના '૫૭ના ઉત્સવમાં એમના ગરબાને ઇનામ મળ્યું કે 'બાંકી રે પાઘલડીના ફૂમતા સાથે વિદેશીઓને નાચતા જોઈ' ગાયિકા સુશ્રી આશાજી એ એમને લંડનમાં બોલાવ્યા. વિદેશના પ્રવાસ ૧૯૫૨, ૧૯૫૫ પછી ૧૯૬૩, ૧૯૬૬માં કરી ૧૯૬૯માં ભારત સરકાર તરફથી જર્મનીના પ્રવાસે શંભુ મિત્રા અને પુ. લ. દેશપાંડે સાથે ગયા. ૧૯૫૧માં આકાશવાણી ઉપરથી ગીત-સંગીત-રૂપકો સાથે 'આ માસના ગીત' ની શ્રેણી આપી અને ભારતીય વિદ્યાભવન તરફથી આ માસનાં ગીતોમાં નવાં નવ-દસ ગીતો રજૂ કરી ગુજરાતના સુગમ સંગીત માટેની એક મજબૂત ભૂમિકા તૈયાર કરી. ગુજરાતી ગીત-સંગીતના પર્યાય બની ગયેલા અવિનાશ વ્યાસે જે લખ્યું તે મૌલિક લખ્યું. સંગીતમાં પણ આગવી શૈલી દાખવી. એમનાં કેટલાંક ભજન પ્રાચીન ભજનોની શકિત દાખવે છે. સરળતાથી વહેતા ઝરણાની જેમ એમને ગીત સ્ફૂરતાં અને સાથે જ લયકારી પણ સધાતી. વિના કષ્ટ, સહજ સ્વરબાંધણી સાથે જ આવેલી આ ગીતરચનાઓથી અવિનાશ વ્યાસે ગુજરાતને ગુંજતું કરી, ગુજરાતનાં ગીતો અને સ્વરોને ભારતમાં જ નહિ, વિદેશમાં પણ એક મોભો આપ્યો છે.

ધીમે ધીમે સંગીતના જુદા જુદા ક્ષેત્રોમાં તેમણે ઝંપલાવવા માંડ્યું. તદુપરાંત, સિનેમાના ગીતો સાથે તેમણે સુગમ સંગીત પણ હાથ ધર્યું. તેમણે ૧૯૦ હિંદી અને ગુજરાતી ફિલ્મો માટે ૧૨૦૦ થી વધુ ગીતોને સંગીતબદ્ઘ કર્યા હતા. તેઓએ સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા અંદાજે ૧૦ થી ૧૨ હજાર જેટલી છે.! તેમણે તેમના સમયના મોટાભાગના ધુરંધર ગાયકો જેવા કે લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મોહમ્મદ રફી, મન્ના ડે, ઉષા મંગેશકર, ગીતા દત્ત્।, સુમન કલ્યાણપુર, હેમંત કુમાર, તલત મહેમૂદ, કિશોર કુમાર, મહેન્દ્ર કપૂર વગેરે સાથે કામ કર્યું હતું. અવિનાશભાઇએ એ વખતે કમાર જલાલાબાદી, ઇન્દિવર, ભરત વ્યાસ અને રાજા મહેંદી અલી ખાન જેવા ગીતકારો સાથે બેલડી બનાવીને ગીતો લખ્યા હતા. ગીતા દત્ત્। તેમના માનીતા ગાયિકા હતા અને તેણીએ બંગાળી હોવા છતાં ગુજરાતી ફિલ્મોમાં વધુ ગીતો ગાયા હતા.!

અવિનાશ વ્યાસે ગીત, ગઝલ અને ગરબા જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં અનેક કૃતિઓ રચી છે, પણ તેઓ તેમણે લખેલ ગરબા માટે સૌથી વધુ પ્રસિદ્ઘ છે. તેમના ગરબાઓમાં છલકતો અંબાજી માટેનો ભકિતભાવ તેની અભિવ્યકિત માટે અજોડ ગણાય છે. પોતે પુરુષ હોવા છતાં  સ્ત્રી હૃદયથી ગરબા લખવા એ તેમની ખાસીયત હતી, જે તેમના મોટાભાગના ગરબાઓમાં દેખાય છે. આ અંગે સુગમ સંગીતના પ્રખ્યાત ગાયક શ્રી રાસબિહારી દેસાઇએ તેમના લેખમાં અવિનાશ વ્યાસ વિશે ખુબ સુંદર લખ્યું છે. તેઓ લખે છે, અવિનાશ વ્યાસને તેઓ ઙ્કભાઇે કહેતા. અવિનાશભાઇ ને જગદંબા માં અપાર શ્રધ્ધા હતી. તેમના જુના મિત્ર અંબાલાલ ૫૦ ના અસરામાં કે તે પહેલાં અવિનાશભાઇને અંબાજી લઇ ગયેલા. અવિનાશ વ્યાસ અંબાલાલ ની માતાજી પ્રત્યેની ઘેલછાથી અભિભૂત થયેલા. એ દિવસ થી દર ભાઇબીજે અંબાજી 'મા' પાસે આવવાનો સંકલ્પ તેઓએ જીવનભર પાળ્યો હતો. અવિનશ વ્યાસના આ સંકલ્પનું પાલન પુત્ર ગૌરાંગ વ્યાસ અને તેમના ધર્મપત્નિ નયનાબેન વ્યાસે આજે પણ જાળવી રાખ્યું છે. શ્રી રાસબિહારી દેસાઇ વધુમાં ટાંકે છે કે, અવિનાશભાઇની મા'' અંબાજી પ્રત્યેની ભકિત-શ્રધ્ધા માંથી આપણને કેટલીક અમર રચનાઓ પણ મળી.. જેમકે, 'માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યોે,' 'હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત!,' 'હું પ્રગટું છું પણ દિપ નથી, હું ઝબકું છું પણ જયોત નથી; હું એવું અલૌકિક કાંક છું, માતા જગદંબાની આંખ છું.' 'એક હરતું ને ફરતું મંદિર મારો ગરબો, જાણે દેવતાઇ સૂરની શીબીર મારો ગરબો!,' 'સારું આકાશ એક હિંડોળો ને ખાટ, એમાં ઝુલે મારી જગદંબા માત'..... આ અને આવા અનેક એમની અંતરની અનુભૂતિની પ્રતિતિ કરાવતા ગરબા-કાવ્યો તેમની સ્વરાવલિઓથી સજાઇને, મંજાઇને આવતા.

અવિનાશભાઇની 'રામશબરી અને મીરાબાઈ'જેવી ભકિતરચના વાળી નૃત્યનાટિકા તો મેદાન મારી ગઈ. 'જેસલ તોરલ'નાટક અને તેના ગીતો જેવા કે 'ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની' ખૂબ જ લોકપ્રિય થઈ ગયા. ભાવનગર નરેશે તો પોતાના મહેલમાં તેમની બેઠક રાખી અને રેકોર્ડ કર્યું હતું! 'તેં પથ્થર કેમ પસંદ કર્યો'અને બીજુ 'મારા રામ તમે સીતાજીની તોલે ન આવો.' આવા ગીતની રજુઆત સાંભળતા જ થાય કે અવિનાશભાઈની તોલે કોઈ ન આવે. આટલી વિવિધતા ઓછી હોય તેમ તેમના વૃંદગીતોમાં 'હુતુતુતુ જામી રમતની ઋતુ' અને 'ચરર ચરર મારૃં ચગડોળ ચાલે' આવા તો કેટલાયે ઉત્સવગીતો છે.

અવિનાશ વ્યાસ પોતાની કૃતિઓ જાતે જ સ્વરબદ્ઘ કરતા હતા. તેમની રચનાઓ જેટલી કાવ્યમય હતી તેટલી જ સુરીલી પણ હતી. સુગમ સંગીત ઉપરાંત તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. કવિ પ્રદીપજીના ખૂબ પ્રખ્યાત ગીત 'પીંજરે કે પંછી રે, તેરા દર્દ ના જાને કોઇ' ને તેમણે સ્વરબ્દ્ઘ કરેલું. તેમને કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યા ભવનના સંગીત વિભાગના અધ્યક્ષ તરીકે પણ નિયુકત કર્યા હતા. તેઓને વાર્ષિક ગુજરાત રાજય ફિલ્મ પુરસ્કાર ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે મળ્યા હતા, જે એક કિર્તીમાન છે. ગુજરાત રાજય સંગીત નૃત્ય અકાદમીએ તેમને 'ગૌરવ પુરસ્કાર' એનાયત કર્યો હતો અને ઇ.સ. ૧૯૭૦ માં ભારત સરકારે તેમને પદ્મશ્રી પુરસ્કાર થી નવાજયા હતા. તેઓની કેટલીક યાદગાર રચનાઓ ૨૯ માર્ચ ૨૦૧૨ ના રોજ સંગ્રહ 'અવિનાશ વ્યાસ - અ મ્યુઝિકલ જર્ની'તરીકે બહાર પડ્યો હતો.

ખુબજ જાણીતા કટાર લેખક અને સાહિત્ય સર્જક એવા શ્રી અજિત પોપટે તેમના એક લેખમાં અવિનાશ વ્યાસ વિશે લખેલું કે, અગાઉ પાંચ પાંચ વર્ષના એકધારા પુરુષાર્થ પછી પ્લેબેક સિંગર મુહમ્મદ રફીની અદ્ભૂત દસ્તાવેજી ફિલ્મ દાસ્તાન-એ-રફી બનાવનારા રજની આચાર્ય અને વિનય પટેલે અવિનાશ વ્યાસની લાઇફોગ્રાફી ફિલ્મ રજૂ કરી છે- 'શબ્દ સૂરનું સરનામું.' આ અનોખા ગીતકાર સંગીતકારની વિશ્વસનીય માહિતી મેળવવા માટે આ સર્જકોએ અગાઉની જેમ જ પગે પરસેવો ઊતાર્યો છે. રંગભૂમિ, નૃત્ય નાટિકા, ફિલ્મો, ગાયન-વાદન, સમીક્ષા અને આસ્વાદક તરીકે સંખ્યાબંધ લોકોની મુલાકાતો લેવી પડી છે. અનેક ને આ પ્રોજેકટમાં સમાવી લેવાયા છે. શ્રી અજિતભાઇ આગળ લખે છે કે, અવિનાશભાઇ એક માત્ર એવા ગીતકાર સંગીતકાર હતા જેમણે મુંબઇ સહિત ગુજરાતનાં મોટા ભાગનાં શહેરો વિશે ગીતો રચ્યાં અને એ બધાં ગીતો હિટ નીવડયાં. આ મુંબઇ છે, અમે અમદાવાદી કે રાજકોટ રંગીલું શહેર છે... સાવ સરળ અને લોકભોગ્ય બોલીમાં આ ગીતોએ લોકહૃદયમાં અનેરું સ્થાન મેળવ્યું. સૌથી રસપ્રદ વાત તો એ છે કે અવિનાશભાઇએ માનવ જીવન સાથે સંકળાયેલા તમામ સારા-નરસા પ્રસંગો વિશે ગીતો રચ્યાં. એમાં ભજનો, લગ્નગીતો, રાસ-ગરબા, મૈત્રી, ફિલસૂફી અને અધ્યાત્મ, પ્રકૃતિ વર્ણન, કૌટુંબિક સંબંધો, રોમાન્ટિક ગીતો, પ્રાસંગિક રચનાઓ વગેરે વિષયોને આવરી લેતાં ગીતો રચ્યાં. એમનાં કેટલાંય ગીતો પરથી હિન્દી ફિલ્મોમાં બેઠ્ઠી ઊઠાંતરી થઇ. પરંતુ અવિનાશભાઇએ ઉદારતા દાખવીને એમ થવા દીધું. અવિનાશભાઇ વિશે જાણીતા લેખક શ્રી બિરેન કોઠારીએ પણ ખુબ સુંદર માહિતી તેમના લેખ આપી છે જેનો સંદર્ભ પણ અહિં લેવાયો છે જે નોંધવું રહ્યું.

ગીત - સંગીતની આ કલા અવિનાશભાઇમાં જન્મજાત હશે તેવું તો માનવું જ રહ્યું. એક પ્રસંગ તમને વાંચવો ગમશે. અવિનાશભાઇ જયારે હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે  અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી 'પ્રોપ્રાયટરી'હાઈસ્કૂલમાં ભણતાં હતાં જે અત્યારે 'દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ'તરીકે ઓળખાય છે.

તેઓ ભણતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધાં વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધાં વિદ્યાર્થીઓની નોટબુક એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સુંદર હતું. વર્ગ શિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ એટલા બધા ખુશ થઈ ગયા કે તેમણે અવિનાશ વ્યાસની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ અચાનક જ બોલી ઊઠ્યા : 'અલ્યા છોકરા ! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું ?' પરંતુ આ નાનકડા નાગર યુવકે જવાબ આપ્યો : 'ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું !' – આવો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન હતું. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.

ગુજરાતી સુગમ સંગીત પર તેમના આશરે ૧૨૦૦૦ જેટલા ગીતોથી, અવિનાશ વ્યાસ (૧૯૧૨ – ૧૯૮૪) તેમની અવિનાશી છાપ મુકતા ગયા છે. ૧૯૦ જેટલી ગુજરાતી ફિલ્મોના ૧૨૦૦ જેટલા ગીતોના પ્રમાણમાં ૬૨ હિન્દી ફિલ્મોના ૫૦૦ થી પણ વધુ ગીતોનું પ્રદાન પણ નોંધપાત્ર ગણાય. હિન્દી ફિલ્મ જગતના ખાસ્સા સફળ સંગીતકારો ખય્યામ (આશરે ૪૨ ફિલ્મ), મદન મોહન (આશરે ૯૫ ફિલ્મ), રોશન (૫૭ ફિલ્મ), સલીલ ચૌધરી (૭૦ ફિલ્મ) ના પ્રમાણમાં અવિનાશ વ્યાસનું હિન્દી ફિલ્મોને ક્ષેત્રે યોગદાન સંખ્યામાં કે કાર્યકાળ (૧૯૪૩ થી ૧૯૮૪ – ૮૫) ની દ્રષ્ટીએ નગણ્ય ગણાય એટલું નથી. તેમ છતાં, માત્ર તેમના પૌરાણિક ગીતોને પ્રમાણમાં મળેલી વધારે વ્યાવસાયિક સફળતાને કારણે તેમનું નામ ગુજરાતી ફિલ્મ સંગીત સાથે વધારે એકરૂપ થયેલું જણાયું છે. અવિનાશ વ્યાસને તેમની ફિલ્મો માટે બજેટ તો હંમેશ મર્યાદિત જ મળતું. કદાચ તેથી તેમણે તે સમયની પ્રથમ હરોળની ન કહી શકાય એવી પાર્શ્વગાયિકાઓ સાથે પણ કામ કર્યું. 'અધિકાર'(૧૯૫૪) માં મીના કપૂરના કંઠમાં ગવાયેલું 'એક શરતી હૈ એક ગગન', સુધા મલ્હોત્રાનું 'અંધેરી નગરી ચૌપટ રાજા'(૧૯૫૫) નું 'કોઈ દુખિયારી આઈ તેરે દ્વાર', ગોહરબાઈ અંબાલાવાલીના સ્વરમાં 'હર હર મહાદેવ'(૧૯૫૦) નું 'રિતુ અનોખી પ્યાર અનોખા', મધુબાલા ઝવેરીના સ્વરમાં 'રાજરાણી દમયંતી'(૧૯૫૨) નું 'ચમક રહે તારે'જેવા વૈવિધ્યપૂર્ણ ગીતો તેમની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતાની ગવાહી આપે છે.

જો કે, હિંદી ફિલ્મોમાં અવિનાશભાઈનાં અમુક જ ગીતો જાણીતા બન્યા પણ તેમને ખરેખરી કામયાબી મળી ગુજરાતી ફિલ્મોમાં. એમાંય સીત્ત્।ેરના દાયકામાં તો ગુજરાતી ફિલ્મોમાં તેમણે લગભગ એકચક્રી રાજ કર્યું એમ કહી શકાય. ગુજરાતી ફિલ્મના 'નંબરીયા'(ટાઈટલ્સ) શરૂ થાય એટલે દિગ્દર્શકના નામની પહેલાં પડદા પર લખાયેલું આવેઃ 'ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ', અને તાળીઓ પડે. પણ સમયગાળાની રીતે જોઈએ તો સીત્તેરનો દાયકો અવિનાશભાઈના જીવનનો પાછલો ગાળો કહેવાય, કેમ કે ફિલ્મોમાં તો એ છેક ચાલીસના દાયકાના આરંભથી સંકળાયેલા હતા. તેમણે ઢગલાબંધ ફિલ્મોમાં સંગીત આપ્યું અને બધું મળીને કુલ ૧૯૦ ગુજરાતી ફિલ્મોમાં તેમનું સંગીત ગૂંજયું. પણ એ હકીકત ઓછી જાણીતી છે કે તેમણે સંગીતબદ્ઘ કરેલી હિંદી ફિલ્મોની સંખ્યા બે-પાંચ કે દસ વીસ નહીં, પૂરી ૬૨ છે અને તેમણે સંગીતબદ્ઘ કરેલાં હિંદી ગીતોની સંખ્યા છે ૪૩૬. છેક ઇ.સ. ૧૯૨૫ ના મૂંગી ફિલ્મોના ગાળાથી ફિલ્મનિર્માણ સાથે સંકળાયેલા અને ઈન્દુલાલ યાજ્ઞિક સાથે મળીને ફિલ્મ કંપની શરૂ કરનાર હીરાલાલને અવિનાશભાઈ 'મામા'કહેતા. હીરાલાલ ત્યારે ગુજરાતી ફિલ્મ 'જીવનપલટો'બનાવી રહ્યા હતા. આ ફિલ્મનાં હીરોઈન હતાં નિરૂપા રોય. અવિનાશભાઈએ વિનંતી કરી કે તેમને પોતાને ફિલ્મના કથાનક મુજબ ગીતો લખવાની છૂટ આપવામાં આવે તો પોતે તેની તરજ સારી રીતે બાંધી શકશે. આ એક જોખમ જ હતું. કેમ કે ફિલ્મમાં ગીતકાર તરીકે રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પણ હતા. એમના જેવા સિદ્ઘહસ્ત કવિની સામે આ નવાસવા સંગીતકાર- ગીતકાર પાસે ગીતો લખાવવામાં જોખમ પૂરેપૂરું હતું પણ હીરાલાલે અવિનાશ વ્યાસની આવડતમાં વિશ્વાસ મૂકીને તેમને ગીતો લખવા કહ્યું. અવિનાશભાઈએ ત્રણ ગીતો લખ્યાં, જેમાંથી એક ગીત પસંદ કરવામાં આવ્યું. બાકીનાં બે ગીતો રસકવિનાં અને એક ગીત કવિ વાલમનું. જો કે, આ ફિલ્મને પણ ગ્રહણ નડ્યું. ધંધાકીય આંટીઘૂટી એવી નડી કે મુંબઈમાં એ ફિલ્મ રજૂ જ ન થઈ શકી. અમદાવાદમાં રજૂ થઈ અને સાતેક અઠવાડિયાં ચાલી. પણ એનાથી હીરાલાલ ડોકટરના જીવનનું સુકાન જ ફરી ગયું અને ફિલ્મલાઈનને તેમણે કાયમ માટે અલવિદા કરવી પડી હતી. ૧૯૪૭માં 'એન.એમ.ત્રિપાઠીની કંપની'દ્વારા પ્રકાશિત અને અવિનાશભાઈ લિખીત પુસ્તક 'મેંદીના પાન'માં કુલ નવ 'સંગીતકમ'(ગીત, સંગીત અને નૃત્યનો ત્રિવેણી સંગમ ધરાવતી રંગભૂમિ પર ભજવાતી આ કૃતિઓની આ નામે ઓળખ તેમણે જ આપી છે) છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં અવિનાશભાઈના કલાકારજીવનો પરિચય સુપેરે થાય છે. અવિનાશભાઈની કલમમાંથી સર્જાયેલાં ગીતોની સંખ્યા પાંચ આંકડે પહોંચે છે. આટલી બહુલતાને લઈને તેમનાં સંગીતમાં પાછળથી એકવિધતા પણ પ્રવેશી હોય એમ જણાય. તો તેમનાં પોતાનાં જ ગીતો પાછલા વરસોમાં થોડા ફેરફાર સાથે ફરી આવતાંય જોવા મળે. ગુજરાતી ગીતની એકવિધતાની છાપ સીત્તેરના દાયકામાં વધુ ઘેરી બની એ પણ આ કારણે.અવિનાશભાઇની રચનામાં ભરપુર વૈવિઘ્ય હતું. ગીત, ગઝલ, ગરબો કે ભજન એમણે કોઈ પ્રકાર બાકી નથી રાખ્યો. ગુજરાત સિવાય અન્ય રાજયોમાં તેમના ગીતો આજે પણ ગવાય છે. 'તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે..(ગીતારોય, ફિલ્મઃ મંગલફેરા)', 'નૈન ચકચૂર છે'(મહંમદ રફી- લતા, ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો), 'પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે (મુકેશ, બિનફિલ્મી)', 'પિંજરું તે પિંજરું'(મન્નાડે, બિનફિલ્મી), 'માડી તારું કંકુ ખર્યું'(આશા ભોંસલે, બિનફિલ્મી), 'આવને ઓ મનમાની'(હેમંતકુમાર, ફિલ્મઃ હીરો સલાટ), 'હું અમદાવાદનો રીક્ષાવાળો'(કિશોરકુમાર, ફિલ્મઃ માબાપ), 'એ કે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ', 'મહેંદી રંગ લાગ્યો!' આ ફિલ્મનું ગીત 'મહેંદી તે વાવી માળવે ને તેનો રંગ ગયો ગુજરાત રે', અવિનાશભાઈએ પોતે ગાયેલું અને સ્વરબદ્ઘ કરેલું ફિલ્મ 'કૃષ્ણ સુદામા'(૧૯૪૭)નું એક દુર્લભ ગીત'તારો મને સાંભરશે સથવારો'...... આ અને આવા તો એટલા ગીતો છે જે કામ સાગર માંથી પાણી ઉલેચવા બરાબર છે. તેમાંય તેમનું પ્રખ્યાત ગીત 'રાખનાં રમકડાં મારા રામે રમતા રાખ્યા રે..' (ફિલ્મ : મંગલફેરા- ૧૯૪૯),  ગીત તો એટલું લોકપ્રિય થયેલું કે તેમને એ ગીતની રોયલ્ટી પેટે વીસેક હજાર રૂપિયા જેવી માતબર રકમ એ જમાનામાં મળેલી.! શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી એ અવિનાશ વ્યાસ માટે કહ્યું છે, 'અવિનાશભાઈની વ્યાવસાયિક સૂઝ જબરદસ્ત એટલે બરાબર જાણે કે નિર્માતાને નુકસાન ન જવું જોઈએ. કોઈ ફિલ્મમાં સંગીત એ આપે એટલે બે-ત્રણ લોકગીતો એમાં લે, એના શબ્દોમાં ફિલ્મની જરૂર મુજબ ફેરફાર કરે અને બાકીનાં બે-ત્રણ ગીતોમાં પોતાને ગમતા પ્રયોગો કરે. એટલે માનો કે, પ્રયોગવાળાં ગીતો ન ચાલે તો પણ લોકગીતોને કારણે ફિલ્મનું સંગીત ચાલે જ અને નિર્માતાને નુકસાન ન જાય.

અવિનાશભાઇ ગીતકાર કરતા સંગીતકાર તરીકે વધુ દમદાર હતા, છતાં એમના લખેલા ગીતો આજ સુધી ઘેરઘેર ગવાતા હોય તો કારણ એ ખરૂ કે, મૂળ એ અમદાવાદના ખાડીયાના હતા-ગોટીની શેરી... પોળોમાં ઉછરેલા સાહિત્યકારોમાં સામાન્ય જનસમુદાય સુધી પહોંચવાની સાહજીકતા હતી. એમના લખેલા અનેક ગીતોને તો 'લોકગીત' માની લઈને રસિકજનો સાંભળે છે... કોઈ ગીતનું 'લોકગીત' બની જવું એ નાનીસૂની સિધ્ધિ નથી. એમના પ્રતિભાસંપન્ન પુત્ર ગૌરાંગ વ્યાસ પણ સંગીતમાં પિતાના નામને વધુ ગૌરવ બક્ષે એવું કામ આજ સુધી કરતા આવ્યા છે.મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શ્વર અને શબ્દનો નોખો કિનારો બાંધવો એટલો સહેલો નથી. પ્રસિદ્ઘિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અવિનાશભાઇ એ મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શકયા એ એમની સિદ્ઘિ. અનેક ગીતોને અસંખ્ય ચાહકોના હોઠે રમતાં મૂકીને ૨૦મી ઓગસ્ટ, ૧૯૮૪ના રોજ તેમણે કાયમ માટે આંખ મીંચી સદા અમર અવિનાશી બન્યા.

અને લતાજી એ ગાવાની 'હા'પાડી...

યુવા કવિ શ્રી અંકિત ત્રિવેદી એ અવિનાશભાઇ વિશે એક સરસ કિસ્સો નોંધ્યો છે. એમના જ શબ્દો લખું તો, ગુજરાતી ફિલ્મનું ગીત 'દીકરી તો પારકી થાપણ કહેવાયે સંગીતની મહેફિલોની આગવી ઓળખ બની ચૂકયું છે. આ ગીત ફિલ્મ 'પારકી થાપણ'-માટે અવિનાશ વ્યાસે લખેલું. જેના સંગીતકાર ગૌરાંગ વ્યાસ છે. અરુણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ તથા અવિનાશ વ્યાસની ત્રિપુટીએ ગુજરાતી ફિલ્મોમાં ઇતિહાસ સજર્યો છે. ફિલ્મ પારકી થાપણનું આ ગીત જયારે થિયેટરમાં સ્ક્રીન ઉપર આવતું ત્યારે લોકો સિક્કાઓને વરસાદ વરસાવતા. સાતત્ય એ ગૌરાંગ વ્યાસનું આગવું અને આત્મીય વલણ છે. કન્યાવિદાયના આ ગીતના ભાવવિશ્વમાં દરેક માણસને હ્રદયમાં ડૂમો બાઝયા વિના રહેતો જ નથી.

આ ગીત બનતી વખતે રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. 'પારકી થાપણ'ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. 'પારકી થાપણ'- આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને ઙ્કદીકરી તો પારકી થાપણ કહેવાયે એવી પંકિતઓ લખી. 'કહેવાય'-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

આ ગીત પહેલાં નક્કી થયા મુજબ અલકા યાજ્ઞિકે ગાવાનું હતું. પણ અરુણ ભટ્ટે કહ્યું : 'આ ગીત તો લતાજીના કંઠે જ શોભે એવું બન્યું છે.' ત્રણ દીવસ પછીનો સ્ટુડિયો બુક હતો! અને લતાજી ત્રણ દિવસ પછીનો તરતનો સમય આપે એવું અસંભવ હતું! ગૌરાંગભાઈ સાંજે લતાજીના ઘરે એમને મળવા જાય છે. કન્યાવિદાયના ગીતની અને ફિલ્મની સિચ્યુએશનની વાત કરે છે. લતાજીને વિનંતી કરે છે કે ત્રણ દિવસ પછીનો સ્ટુડિયો બુક થયો છે. ટૂંક સમયની નોટિસમાં આ ગીત ગાવું પડે એમ છે. લતાજીએ ગીત ગાવાની મંજૂરી આપી અને પોતે ત્રીજા દિવસે સ્ટુડિયોમાં હાજર રહેશે એમ કહ્યું. વળી સાંજનો સમય લતાજીએ આપ્યો. લતાજીએ 'હા'પાડી એ વાત મજાની હતી. સ્ટુડિયોના રેકોર્ડિંગ આર્ટિસ્ટે ગૌરાંગ વ્યાસને કહ્યું કે જુઓ લતાજી કયારેય સાંજે ગીત ગાતાં જ નથી! વાત સાચી પણ હતી કે લતાજીએ કયારેય સાંજે ગીત ગાયું નથી!ગૌરાંગ વ્યાસ રોકોર્ડિંગના દિવસે સવારે લતાજીના ઘરે પહોંચી ગયા! લતાજી મરાઠી પત્રકારને મુલાકાત આપતાં હતાં. મુલાકાતમાં એમણે પત્રકારને કહ્યું કે આજે તેઓ ખૈયામ સાહેબના ગીતનું રેકોર્ડિંગ કરવા જવાના હતાં પણ તેમનું ગળું ખરાબ છે તો ગુજરાતી ગીત પણ નહીં ગાય! જે ખૈયામ સાહેબનું રેકોર્ડિંગ બંધ કરવી શકે એ ગૌરાંગ વ્યાસનું ગીત ગાવા થોડા આવે? પત્રકાર મુલાકાત લઈને નીકળે છે પછી લતાજી ગૌરાંગ વ્યાસને પૂછે છે કે 'સાંજે કેટલા વાગ્યાનું રેકોર્ડિંગ છે?' ગૌરાંગભાઈ લતાજીને કહે છે કે 'તમે તો પેલા પત્રકારને કહ્યું કે ગળું ખરાબ છે અને રેકોર્ડિંગમાં નથી જવાની.' લતાજીએ કહ્યું કે 'ગૌરાંગ, વાત સાચી છે. જો હું ખૈયામ સાહેબના રેકોર્ડિંગમાં જાઉં તો પછી મારાથી તારું ગીત આજે ના ગાઈ શકાત, અને મારે ગુજરાતી ગીત ગાવું છે માટે મેં ગળું ખરાબ છે એમ કહ્યું.' બન્યું એવું કે સાંજે લતાજી આવ્યાં અને ફિલ્મ પારકી થાપણનું ગીત પણ ગાયું... સાંજે ગીત નથી ગાતાં-એ વાત પણ ખોટી પડી અને ગીત પોતે જાજરમાન ઇતિહાસ સાચવીને ફિલ્મસંગીતનું ગૌરવ પણ વધારે છે. (કવિ શ્રી અંકિત ત્રિવેદીની કલમમાંથી સાભાર)

'કોફીનો ઓર્ડર આપો અને કાગળ ને પેન મંગાવો..'

અવિનાશ વ્યાસ હસમુખા સ્વભાવના હતા અને મુંબઈ સ્થિત હતા. તેઓ શીઘ્ર કવિ પણ હતા. ૧૯૭૮ના ગાળામાં જીવરામ જોશીના પાત્રો પર આધારિત ગુજરાતી ફિલ્મ 'મિયાં ફુસકી ૦૦૭' બની રહી હતી. એ ફિલ્મ માટેના ગીતો લખવાની જવાબદારી અવિનાશ વ્યાસે સ્વીકારી હતી. એ ફિલ્મના નિર્માતા જમનાશંકર પંડયા હતા. જમનાશંકર પંડયા એક જમાનામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. એક દિવસ કોંગ્રેસને રામરામ કરીને તેઓ કાયમ માટે અમદાવાદ છોડીને મુંબઈ રહેવા ચાલ્યા ગયા હતા. જાણીતા ફિલ્મ નિર્માતા એ.કે. નડિયાદવાલા તેમના ખાસ મિત્ર હતા. આ કારણે તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેમણે એક જ ફિલ્મ બનાવી અને તે હતી 'મિયાં ફુસકી ૦૦૭.' આ ફિલ્મના ટાઇટલ સોંગનું રેકોર્ડિંગ નક્કી થઈ ગયું હતું. પરંતુ છેલ્લી ઘડી સુધી ગીત લખાયું નહોતું. ફિલ્મ નિર્માતા જમનાશંકર પંડયા, દિગ્દર્શક મનહર રસકપુર તથા સંગીતકાર ગૌરાંગ વ્યાસે અવિનાશભાઈને કહ્યું : 'ગીત કયારે આપશો?' અવિનાશ વ્યાસે કહ્યું : 'ચાલો, રેસ્ટોરન્ટમાં કોફી પીવા જઈએ.' બધાં મુંબઈની એક રેસ્ટોરાંમાં ગયા, અવિનાશભાઈએ કહ્યું: 'કોફીનો ઓર્ડર આપો અને કાગળ ને પેન મંગાવો.' કોફીનો ઓર્ડર અપાયો. કાગળને પેન મંગાવ્યાં. કોફી આવે તે પહેલાં અવિનાશભાઈએ કોફી ટેબલ પર જ ફિલ્મનું ટાઇટલ સોંગ લખીને આપી દીધું. આવા શીઘ્ર કવિ હતા અવિનાશ વ્યાસ. એ ફિલ્મના ગીતોને સંગીત આપનાર ગુજરાતના સુપ્રસિદ્ઘ સંગીતકાર ગૌરાંગ વ્યાસ તેમના પુત્ર છે.

અવિનાશભાઇ એ

કરેલી ફિલ્મો...

મહાસતી અનસૂયા (૧૯૪૩)

કૃષ્ણ ભકત બોદાણા (૧૯૪૪)

લહેરી બદમાશ (૧૯૪૪)

ગુણસંદરી (૧૯૪૮)

મંગળ ફેરા (૧૯૪૯)

હર હર મહાદેવ (૧૯૫૦)

વીર ભીમસેન (૧૯૫૦)

દશાવતાર (૧૯૫૧)

જય મહાલક્ષ્મી (૧૯૫૧)

રામ જન્મ (૧૯૫૧)

શ્રી વિષ્ણુ ભગવાન (૧૯૫૧)

રાજરાણી દયમંતી (૧૯૫૨)

શિવ શકિત (૧૯૫૨)

વાસના (૧૯૫૨)

ભાગ્યવાન (૧૯૫૩)

તીન બત્ત્।ી ચાર રાસ્તા (૧૯૫૩)

ચક્રધારી (૧૯૫૪)

મહા પૂજા (૧૯૫૪)

મલ્લિકા-એ-આલમ નૂરજહાં (૧૯૫૪)

અધિકાર (૧૯૫૪)

અંધેર નગરી ચોપટ રાજા (૧૯૫૫)

વામન અવતાર (૧૯૫૫)

એકાદશી (૧૯૫૫)

જગદગુરૂ શંકરાચાર્ય (૧૯૫૫)

રિયાસત (૧૯૫૫)

દ્વારકાધીશ (૧૯૫૬)

સુદર્શન ચક્ર (૧૯૫૬)

લક્ષ્મી (૧૯૫૭)

નાગ મણિ (૧૯૫૭)

રામ લક્ષ્મણ (૧૯૫૭)

સંત રઘુ (૧૯૫૭)

આધી રોટી (૧૯૫૭)

ગોપીચંદ (૧૯૫૮)

ગ્રેટ શો ઓફ ઇન્ડિયા (૧૯૫૮)

જંગ બહાદુર (૧૯૫૮)

પતિ પરમેશ્વર (૧૯૫૮)

રામ ભકિત (૧૯૫૮)

ચરણોં કી દાસી (૧૯૫૯)

ગૃહલક્ષ્મી (૧૯૫૯)

મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

ભકત રાજ (૧૯૬૦)

હેરોન મલ્લાત (૧૯૬૧)

હવા મહલ (૧૯૬૨)

કૈલાશપતિ (૧૯૬૨)

બાપુ ને કહા થા (૧૯૬૨)

રોયલ મેલ (૧૯૬૩)

ભકત ધ્રુવ કુમાર (૧૯૬૪)

કલાપી (૧૯૬૭)

બદમાશ (૧૯૬૯)

બેટી તુમ્હારે જૈસી (૧૯૬૯)

સૂર્ય દેવતા (૧૯૬૯)

તાકત ઔર તલવાર (૧૯૭૦)

જેસલ તોરલ (૧૯૭૧)

મહા સતી સાવિત્રી (૧૯૭૩)

ડાકુ ઔર ભગવાન (૧૯૭૫)

સોન બૈની ચુન દાદી (૧૯૭૬)

મા બાપ (૧૯૭૯)

ભકત ગોરા કુંભાર (૧૯૮૧)

- પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(12:05 pm IST)