રાજકોટ
News of Wednesday, 21st July 2021

સીએનસી મશીન લીધું, પણ લોકડાઉનમાં ધંધો ભાંગી પડ્યો, લોન ચડી ગઇઃ કંટાળીને રાજેશભાઇ વઘાસીયાએ જીવ દીધો

ઘરનું કારખાનું બંધ કરી નોકરીએ જવાનું ચાલુ કર્યુ હતું: ચિઠ્ઠીમાં આર્થિક ભીંસથી કંટાળી ગયાનો ઉલ્લેખઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવીઃ ગણેશનગરના પટેલ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૧: કોરોનાને કારણે આવેલા લોકડાઉનમાં અનેકને ધંધા રોજગાર વગરનું થઇ જવું પડ્યું હતું. આ કારણે ઘણાએ જિંદગી ટુંકાવી લીધી હતી. આવી વધુ એક ઘટનામાં કોઠારીયા ચોકડી નજીક ગણેશ સોસાયટી-૮માં રહેતાં રાજુભાઇ છગનભાઇ વઘાસીયા (ઉ.વ.૪૦) નામના પટેલ યુવાને માલધારી ફાટક પાછળ વરૂણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસની ટીમે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજેશભાઇ (રાજુભાઇ) ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. અગાઉ તેમણે ઘરનો ધંધો કરવા સીએનસી મશીન લઇ નાનુ કારખાનુ ચાલુ કર્યુ હતું. આ માટે પર્સનલ લોન લીધી હતી. પરંતુ કોરોના-લોકડાઉનમાં ધંધો ન જામતાં આર્થિક ભીંસ ઉભી થઇ હતી અને લોન પણ ચડી ગઇ હતી. આ કારણે મુશિબતમાં મુકાઇ ગયા હતાં. અગાઉ પણ તેઓ ઘરે જાણ કર્યા વગર નીકળી ગયા હતાં. ત્યારે પોલીસને જાણ કરવામાં આવતાં સુરતથી મળી આવ્યા હતાં.

પોતાનું કારખાનુ બંધ થતાં હાલમાં તે વરૂણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરીએ જતાં હતાં. કામના સ્થળ નજીક જ તેણે ઝેરી દવા પી લીધી હતી. સ્યુસાઇડ નોટમાં આર્થિક ભીંસથી કંટાળીને પગલુ ભર્યાનું તેણે લખ્યું છે. એએસઆઇ કે. વી. ગામેતીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:41 pm IST)