રાજકોટ
News of Wednesday, 21st July 2021

રેલનગરમાં દર્શિલ ટાઉનશીપ નજીક ફ્રુટના ધંધાર્થી જયેશને રાતે છરી બતાવી લૂંટી લેવાયો

ફ્રુટ વેંચી લારી લઇ પેટ્રોલ પંપથી ઘર તરફ દયાનંદ સરસ્વતિ ટાઉનશીપ તરફ જતો હતો ત્યારે એક બાઇકસ્વાર આવ્યો છરી બતાવી બાઇકમાં બેસાડી થોડે દૂર લઇ ગયો ને આશરે ૩૦ થી ૩૨ હજારની રોકડ લઇ ભાગી ગયોઃ અગાઉ પણ આવી ઘટનાઓ બની હતીઃ પોલીસની ખાનગી રાહે તપાસ

રાજકોટ તા. ૨૧: રેલનગરમાં ફાયર બ્રિગેડ નજીક દર્શિલ ટાઉનશીપ પાસે મંગળવારની રાતે ફ્રુટની લારી હંકારી ઘર તરફ જઇ રહેલા યુવાનને બાઇક પર આવેલા એક શખ્સે છરી બતાવી બાઇકમાં બેસાડી થોડે આગળ અંધારા તરફ લઇ જઇ ડરાવી ધમકાવી તેના ખિસ્સામાંથી ૩૦ થી ૩૨ હજારની રોકડ લૂંટી લેતાં ચકચાર મચી ગઇ છે. બનાવની પોલીસને જાણ થતાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ રેલનગર દયાનંદ સરસ્વતિ ટાઉનશીપ મુખ્યમત્રી આવાસ યોજના કવાર્ટરમાં રહેતો અને ફ્રુટની લારી કાઢી ગુજરાન ચલાવતો જયેશ પરષોત્તમભાઇ ઉદેશી (ઉ.વ.૩૪) નામનો યુવાન મંગળવારે રાતે સવા દસેક વાગ્યે ફ્રુટ વેંચીને પોતાની લારી હંકારી રેલનગર ફાયર બ્રિગેડ તરફથી પોતાના ઘર તરફ જતો હતો ત્યારે દર્શિલ ટાઉનશીપ નજીક બાઇક પર એક શખ્સ આવ્યો હતો અને તેને છરી બતાવી ડરાવી ધમકાવી બાઇકમાં બેસાડી થોડે આગળ વધુ અંધારૂ હતું ત્યાં લઇ ગયો હતો અને તેના પેન્ટના પાછળના ખિસ્સામાંથી તથા આગળના ખિસ્સાઓમાંથી રોકડ લૂંટી ભાગી ગયો હતો.

જયેશના કહેવા મુજબ લૂંટારૂ એકલો જ હતો અને થોડે દૂર કોઇ બીજો એક શખ્સ ઉભો હતો. પોતે બૂમ પાડતાં લૂંટારૂએ મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવથી પોતે હેબતાઇ ગયો હતો અને ઘરે ગયા બાદ પરિવારજનોને અને પડોશીઓને વાત કરી હતી. પોલીસને પણ જાણ કરતાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

જયેશ અને બીજા રહેવાસીઓના કહેવા મુજબ જ્યાં આ ઘટના બની ત્યાં અગાઉ પણ આવા બનાવ બની ગયા છે. પાંચ વર્ષથી ટાઉનશીપ બની ગઇ છે છતાં આ સ્ટ્રીટ લાઇટો હજુ ફીટ કરવામાં આવી નથી. આ કારણે લૂંટારાઓ અંધારાનો લાભ લઇ ગુના આચરી ભાગી જાય છે. નાની રકમોમાં તો લોકો ફરિયાદ કરવાનું પણ ટાળી દેતાં હોય છે. પોલીસ આ વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલીંગ છે તેના કરતાં વધારે એવી માંગણી રહેવાસીઓએ કરી છે. લૂંટાયેલા યુવાનના કહેવા મુજબ જે રકમ હતી તેમાંથી અમુક પોતાના હતાં અને અમુક વેપારીને ચુકવવાના હતાં. પોલીસે જયેશ પાસેથી માહિતી મેળવી ખાનગી રીતે તપાસ શરૂ કરી છે.

(3:22 pm IST)