રાજકોટ
News of Wednesday, 21st July 2021

રૂ. ૪૧ લાખનો ચેકરિટર્ન થતા ગોવર્ધન પાઈપના માલિક વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદઃ આરોપીને હાજર થવા ફરમાન

રાજકોટ, તા. ૨૧ :. રાજકોટ શહેરમાં સુખસાગર સોસાયટી, ગોવર્ધન ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને ગોવર્ધન પાઈપના નામે ફેબ્રીકેશન આઈટમોનો જથ્થાબંધ વેચવાનો ધંધો કરતા આરોપી શૈલેષભાઈ પોકીયાએ ફરીયાદી દિપકભાઈ વણપરીયા પાસેથી લીધેલ રકમ રૂ. ૪૧,૦૦,૦૦૦ પરત કરવા ફરીયાદી દિપક વણપરીયાની તરફેણમાં ચેક ઈસ્યુ કરી આપેલ, જે ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવતા આરોપી શૈલેષ પોકીયાને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસની હકીકત જોઈએ તો હરીઓમ ચોક, આલ્ફા સ્કૂલની બાજુમાં, કુવાડવા રાજકોટમાં રહેતા ફરીયાદી દિપકભાઈ જીવરાજભાઈ વણપરીયાએ રાજકોટ શહેરમાં સુખસાગર સોસાયટી, ગોવર્ધન ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતા અને ગોવર્ધન પાઈપના નામે ફેબ્રીકેશનમાં ઉપયોગી લોખંડ/ગેલ્વેનાઈઝના પાઈપ સહિતની ફેબ્રીકેશનમાં ઉપયોગી આઈટોમોનો જથ્થાબંધ વેચવાનો ધંધો કરતા આરોપી શૈલેષભાઈ પોકીયા વિરૂદ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, તહોમતદાર ફરીયાદીના બનેવીના બનેવી થતા હોય જેથી નજીકતાના સબંધો બંધાયેલ હોય અને તહોમતદારને કુદરતી સંજોગોવસાત ફેબ્રીકેશન મટીરીયલ ટ્રેડીંગના ધંધામાં ખોટ જતા ઈન્વેસ્ટ કરેલ સ્થાવર મિલકતમાં રકમ રોકાય જતા ધંધો સેટ કરવા તહોમતદારને નાણાની મોટી જરૂરીયાત ઉભી થતા તહોમતદારે ફરીયાદી પાસેથી રકમ રૂ. ૪૧,૦૦,૦૦૦ મેળવી તે રકમ ૩ (ત્રણ) માસમાં પરત કરવા બાહેંધરી આપી પબ્લીક નોટરી રૂબરૂ પ્રોમીસરી નોટ લખી આપી સ્વીકારેલ રકમ પરત કરવા આરોપીએ તેની બેંકનો રકમ રૂ. ૪૧,૦૦,૦૦૦નો ચેક ઈસ્યુ કરી આપેલ.

ચેક સુપ્રત કરતી વખતે તહોમતદારે ચેક રીટર્ન થશે નહિ અને ચેક માંહેનું ફરીયાદીનું લેણુ વસુલાય જશે તેવા વચન, વિશ્વાસ અને ખાતરી આપી તેના આધારે રજુ કરેલ ચેક રીટર્ન થતા અને તેની જાણ આરોપીને કરવા છતાં યોગ્ય પ્રતિભાવથી પ્રત્યુત્તર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદનું લેણુ કે નોટીસનો રીપ્લાય ન આપતા પ્રથમથી જ ફરીયાદનું લેણુ ડુબાડવાનો બદ આશય ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરૂદ્ધ ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે, આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધામાં ખોટ જતા અને ઈન્વેસ્ટ કરેલ સ્થાવર મિલકતમાં નાણા રોકાય જતા ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજૂઆતો ધ્યાને લઈ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોકત કામમાં ફરીયાદી દિપકભાઈ વણપરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા રોકાયેલ હતા.

(3:31 pm IST)