ઝુલેલાલ મંદિર પાસે વોકીંગમાં નીકળેલા કિશનને અજાણ્યાએ જે હોય તે આપી દેવા કહી છરી ઝીંકી
કિટીપરામાં કોથળી લેવા ગયેલા ભોમેશ્વરના રાજૂને અજાણ્યાએ છરીનો છરકો કર્યો
રાજકોટ તા. ૨૧: જંકશન પ્લોટ રેફયુજી કોલોનીમાં રહેતાં કિશન નરેશભાઇ રૂપચંદાણી (ઉ.વ.૧૯) નામનો યુવાન રાતે દસેક વાગ્યે જમીને વોકીંગ કરવા નીકળ્યો ત્યારે ઝુલેલાલ મંદિર પાસે અજાણ્યા શખ્સોએ અટકાવી ઝઘડો કરી છરીથી હુમલો કરી પેટ પાસે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમિન પટેલે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. કિશનના સગાના કહેવા મુજબ કિશન કોલેજમાં અભ્યાસ કરવા ઉપરાંત અડધો દિવસ રૈયાનાકા ટાવર પાસે કાપડની દૂકાનમાં પણ બેસે છે. રાતે તે જમીને વોકીંગમાં નીકળ્યો ત્યારે અજાણ્યા શખ્સોએ અટકાવી ઝઘડો કર્યો હતો. એ પછી એક શખ્સે 'આ એ નથી' કહ્યા બાદ જે હોય તે આપી દેવાનું કહ્યું હતું. પણ કિશન પાસે મોબાઇલ ફોન સિવાય કંઇ ન હોય તે ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢવા જતો હતો ત્યાં પાછળથી એક શખ્સે છરી જેવા હથીયારથી ઇજા પહોંચાડી હતી. દેકારો થતાં બંને અજાણ્યા ભાગી ગયા હતાં.
બીજા બનાવમાં ભોમેશ્વર પાસે રહેતો અને હાલ બેકાર રાજુ શીવાભાઇ બેલમ (રાવળદેવ) (ઉ.૪૫) રાતે સાડા બારેક વાગ્યે કિટીપરામાં કોથળી લેવા જતાં અજાણ્યા પૈસા પડાવવાના ઇરાદે ઝઘડો કરી પેટમાં છરીથી છરકો કરી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે સારવાર બાદ રાતે જ રજા લઇ લીધી હતી.