રાજકોટ
News of Thursday, 21st October 2021

૩૧મી ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લખપતથી કેવડીયા સુધી જનાર મોટરસાઇકલ રેલીનું રાજકોટ ખાતે શાનદાર સ્વાગત કરાયું

એન.સી.સી. કેડેટો અને પોલીસ જવાનોનું નગરજનો દ્વારા રંગબેરંગી ફુગ્ગાઓ દ્વારા આવકાર : રેલીના કમાન્ડર ડી.વાય.એસ.પી. બી.કે. દેસાઇ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પહાર વડે શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

રાજકોટ:તા. ૩૧મી ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તા. ૧૯મી ઓકટોબરના રોજ કચ્છના લખપત થી  કેવડીયા સુધી જનાર ગુજરાત પોલીસ જવાનોની મોટરસાઇકલ રેલીનું રાજકોટ ખાતે આગમન થતાં રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ચોક ખાતે શાનદાર સ્વાગત કરાયું હતું.
લખપતથી તા. ૧૯મી ઓકટોબરે રવાના થયેલ ૨૫ જવાનો સાથેની મોટરસાઇકલ રેલીનું રાજકોટમાં આગમન થતાં રાજકોટના જાહેર માર્ગો પર નગરજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. રાજકોટના રેસકોર્સ સ્થિત બહુમાળી ભવન ખાતે રેલીનું આગમન થતાં જ પુષ્પવર્ષા દ્વારા એન.સી.સી.ના કેડેટો, પોલીસ જવાનો અને નગરજનો દ્વારા સ્વાગત કરાયું હતું. આ તકે મોટર સાઇકલ એકતા રેલીના કમાન્ડર ડી.વાય.એસ.પી. બી.કે. દેસાઇ દ્વારા રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની પ્રતિમાને પૂષ્પહાર પહેરાવી શ્રધ્ધા સુમન અપર્ણ કરાયા હતા. આ તકે દેશભક્તીના સૂત્રો અને નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો.
આ પ્રસંગે પી.આઇ.એલ.એલ.ચાવડા તથા પોલીસ જવાનો અને એન.સી.સી.ના કેડેટો સાથે નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.  આ રેલી આગામી તા. ૩૧ ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેવડીયા ખાતે પહોંચશે.

(8:31 pm IST)