રાજકોટ
News of Friday, 22nd January 2021

ઇન્દ્રનીલ રાજ્યગુરૂનો જામીન પર છુટકારોઃ ખેડૂત અગ્રણી ડાયાભાઇ ગજેરા, વશરામ સાગઠીયા સહિત પાંચ જેલહવાલે

ખેડૂત સંમેલન માટે ૨૭મીની મંજૂરી આપોની માંગ સાથે : દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત આંદોલનના બે પ્રતિનિધીઓ રાજકોટમાં: બપોરે પત્રકાર પરીષદ

ઈન્દ્રનિલ રાજયગુરૂ, વશરામભાઈ સાગઠીયા, ડાભાઈ ગજેરા સહિતના આગેવાનોએ રાતે ધરણા કરતાં પોલીસે અટકાયતની કાર્યવાહી કરી હતી તેના દ્રશ્યો (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૨: ખેડૂત આંદોલન તા.૨૭મીએ યોજવા દેવાની માંગ સાથે ગઈકાલે પોલીસ કમિશનર કચેરી નજીક 'અકિલા સર્કલ' ખાતે ધરણા પર બેઠેલા કોંગ્રેસના ઇન્દ્રનિલ રાજયગુરૂ અને ખેડૂત અગ્રણી ડાયાભાઇ ગજેરા સહિતના આગેવાનોની અટકાયત બાદ છૂટકારો થયો હતો. પરંતુ પાછળથી ફરી રાતે પોણા અગિયારેક વાગ્યે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ૭ અગ્રણીઓએ ફરીથી અકિલા સર્કલ ખાતે ધરણા યોજતાં પોલીસે કર્ફયુ ભંગ, સોશિયલ ડિસ્ટન્સીંગ ભંગ અને માસ્કના નિયમનો ઉલાળીયો કરવા બદલ અલગથી ગુનો નોંધી ૭ની ધરપકડ કરી હતી. આ તમામની રાતે પોલીસ સ્ટેશનમાં પસાર થઇ હતી. દરમિયાન સવારે મહિલા આગેવાનને પોલીસ સ્ટેશનમાં જામીન અપાયા હતાં. જ્યારે બાકીના છને ઉઘડતી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આ વખતે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના જામીન હાજર રહ્યા હતાં જ્યારે બાકીના પાંચના જામીન હાજર નહિ રહેતાં તમામને જેલહવાલે કરાયા હતાં.

 દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલનના બે પ્રતિનિધીઓ રાજકોટ આવ્યા હોય બપોરે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી.  કોંગી ખેડૂત આગેવાનોની દિવસભર અટકાયત કર્યા બાદ રાત્રીના ૧૦:૨૦ કલાકે હેડકવાર્ટર ખાતેથી છોડવામાં આવતા ત્યાંથી તુરંત અકિલા સર્કલ ફરી ધરણા ઉપર બેસી ગયા હતા. આગેવાનો ગોદળા, ગાદલા લઈ ધરણાના સ્થળે પહોંચી ગયા હતા. બાદ ફરીથી આ તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આગેવાનોએ માંગ કરી છે કે ૨૭મીએ રાજકોટમાં ખેડૂત સંમેલન માટે મંજૂરી આપો અને સાથે એ પણ બાંહેધરી આપો કે આંદોલનમાં આવનાર ખેડૂતોને કોઈ કનગડત કરવામાં ન આવે. જયાં સુધી મંજૂરી આપવામાં નહી આવે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે.

રાતે ફરીથી તમામ ધરણા પર બેસી જતાં માસ્ક ન પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા સબબ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. તમામે રાત પોલીસ સ્ટેશનમાં વિતાવી હતી. આજે બપોરે કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરવામાં આવશે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતીના આગેવાનો ઇન્દ્રનીલભાઇ સંજયભાઇ રાજ્યગુરૂ (ઉ.વ.૫૪-રહે. નિલસિટી કલબ યુનિવર્સિટી રોડ રાજકોટ), વશરામભાઇ આલાભાઇ સાગઠીયા (ઉ.વ.૫૫-રહે. નવા થોરાળા-૧), ડાયાભાઇ નાનજીભાઇ ગજેરા (ઉ.વ.૬૪-રહે. જીરાયા પ્લોટ ઉપલેટા), ભાવેશભાઇ વશરામભાઇ લુણાગરીયા (ઉ.વ.૪૮-રહે. હાથીખાના-૭), ભુપતસિંહ રાહુભા ઝાલા (ઉ.વ.૭૨-રહે. શકિત કૃપા, કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ સામે), ચાંદનીબેન પિયુષભાઇ લીંબાસીયા (ઉ.વ.૨૬-રહે. નારાયણનગર-૧, પેડક રોડ) તથા હરિશ્ચંદ્રસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ.૩૩-રહે. ખેજડીયા તા. ધ્રોલ) સામે આઇપીસી ૧૮૮, ૨૬૯ મુજબ કોવિડ-૧૯ અંતર્ગત જાહેર થયેલા કર્ફયુના નિયમનો ભંગ પહેરી તેમજ મોઢા પર માસ્ક નહિ પહેરી સોશિયલ ડિસ્ટન્સ નહિ જાળવી ધરણા કરવા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પીએસઆઇ જે. એમ. ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પોલીસ સ્ટેશને ફરજ પર હતો ત્યારે પીસીઆર-૨ના ઇન્ચાર્જ કોન્સ. સાગરદાનભાઇ દાંતીએ ફોનથી જાણ કરી હતી કે રાતે ૧૦:૪૦ કલાકે કન્ટ્રોલ રૂમ પરથી મેસેજ મળ્યો છે કે જીલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા છે. આથી હું તથા હેડકોન્સ. ડી. જે. જાડેજા, કોન્સ. નરેશભાઇ ઝાલા સહિતના પહોંચ્યા હતાં. ત્યાં ૭ લોકો ધરણા પર બેઠેલા જોવા મળ્યા હોઇ પીઆઇ સી. જી. જોષીને ફોનથી જાણ કરી હતી.

આ લોકોએ કોરના મહામારી ચાલુ હોઇ તે અંતર્ગત કર્ફયુનો ભંગ કરી, જાહેરનામાનું પાલન ન કરી તેમજ માસ્ક ન પહેર્યા હોઇ અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હોઇ તમામા સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સવારે સાડા નવે વાગ્યે મહિલા આગેવાને પોલીસ મથકમાં જામીન લીધા હતાં. બાકીના છને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં. અહિ કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરૂના જામીન હાજર રહ્યા હોઇ તેમને જામીન મુકત કરાયા હતાં. જ્યારે બાકીના પાંચના  જામીન હાજર ન હોઇ તમામને જેલહવાલે કરવા આદેશ થયો હતો.

(3:50 pm IST)