રાજકોટ
News of Friday, 22nd January 2021

લોકડાઉન પછી ધંધામાં જામતું ન હોઇ કંટાળીને બજરંગવાડીના હરેશભાઇ સોલંકીનો આપઘાત

ઝેરી દવા પી જિંદગી ટુંકાવીઃ ધોબી કામ કરી ગુજરાન ચલાવતા હતાં: પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૨: કોરોનાને કારણે આવેલા લોકડાઉન પછી અનેકના ધંધા રોજગારની માઠી દશા થઇ હતી. હજુ પણ ઘણાની ગાડી પાટે ચડી શકી નથી. આ કારણે કંટાળીને ઘણીવાર કેટલાક લોકો ન ભરવાનું પગલુ ભરી બેસે છે. બજરંગવાડી-૧૪માં રહેતાં ધોબી આધેડ હરેશભાઇ મગનભાઇ સોલંકી (ઉ.વ.૪૫)એ લોકડાઉન પછી ધોબી કામનો ધંધો બરાબર જામતો ન હોઇ મુંજવણને કારણે ઝેર પી જિંદગી ટુંકાવી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

હરેશભાઇએ સાંજે આઠેક વાગ્યે ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ટૂંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વી. એસ. નિનામાએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એ. વી. પીપરોતરે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર હરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે છુટક ધોબીકામ કરતાં હતાં. લોકડાઉન પછી કામમાં બરાબર જમાવટ ન થતી હોઇ આ કારણે ટેન્શનમાં રહેતાં હોવાથી આવુ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:57 pm IST)