રાજકોટ
News of Friday, 22nd January 2021

રૈયા રોડ અન્ડર બ્રિજ ખુલતાની સાથે અણધડ વ્યવસ્થાને કારણે હાલાકી વધીઃ રૈયા તરફથી આવતો રસ્તો કિસાનપરા ચોકમાં બંધ

રૈયા રોડથી ડિવાઇડર ન બને ત્યાં સુધી ટેમ્પરરી બેરીકેડ મુકવામાં આવીઃ કોર્પોરેશનના ટેકનીકલ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા બાદ એકાદ દિવસમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવાઇઃ એસીપી બી. એ. ચાવડાનો ખુલાસો

રાજકોટઃ રૈયા રોડ અન્ડર બ્રિજના લોકાર્પણ સાથે જ કિસાનપરા ચોકમાં ડિવાઇડરની અણધડ વ્યવસ્થા ગોઠવાતા રૈયા રોડ તરફથી જીલ્લા પંચાયત 'અકિલા ચોક' તરફ આવતાં વાહન ચાલકોને આજે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ બાબતે ફરિયાદોનો ધોધ વરસ્યો છે. છેલ્લા લાંબા સમયથી રૈયા રોડ રેલ્વે ક્રોસીંગ નીચે અન્ડર બ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું તેને લઇને રૈયા રોડ તરફથી આવતાં અને જતાં હજારો વાહન ચાલકોને મહિલા કોલેજ અન્ડર બ્રિજ તરફથી અથવા તો એરપોર્ટ રોડ ફાટકવાળા રસ્તેથી આવવુ જવું પડતું હતું. ગઇકાલે બ્રિજના લોકાર્પણ સાથે તેમની હાલાકીનો અંત આવ્યો હતો. પરંતુ આજે બપોરથી ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ તંત્ર દ્વારા કિસાનપરા ચોકમાં બાલભવન તરફ જતાં ડિવાઇડર બંધ કરવાની કામગીરી પુર્વે હંગામી ધોરણે ટ્રાફિકની બેરીકેડ ગોઠવી દઇ મુખ્ય રસ્તો જ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ કારણે રૈયા રોડ તરફથી આવતા વાહન ચાલકોને જમણી બાજુ ટર્ન લઇ મેયર બંગલા સામેના રસ્તે યુ-ટર્ન લઇ જીલ્લા પંચાયત ચોક તરફ જવાની ફરજ પડતી હોવાથી અકારણનો ધરમધક્કો થતો હોવાની અખબારો પર ફરિયાદોનો ધોધ થયો હતો. આ બારામાં એસીપી ટ્રાફિક શ્રી બી. એ. ચાવડાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે આ વ્યવસ્થા કિસાનપરા ચોકમાં હંગામી રીતે સર્જાયેલા ટ્રાફિક જામને નીવારવા ગોઠવ્યાનો અને આવતા દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકનીકલ સ્ટાફ સાથે સ્થળ વિઝીટ બાદ બાલભવન તરફ જતાં ડિવાઇડર બંધ થયા બાદ મુખ્ય રસ્તો પુનઃ ખુલ્લો મુકી દેવામાં આવશે. તેવો ખુલાસો કર્યો હતો. તસ્વીરમાં રૈયા રોડ તરફથી આવતાં વાહન ચાલકો માટે જીલ્લા પંચાયત તરફ જવાનો રસ્તો બંધ કરવા ગોઠવાયેલી બેરીકેટ નજરે પડે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)