રાજકોટ
News of Friday, 22nd January 2021

ધવલ કોઠારી તથા ઇશાની દવેનું નવું ગીત પ્રેમનો ચહેરો યુ ટયુબ ઉપર લોન્ચ

રાજકોટઃ ઇન્દોરમાં જન્મેલા અને મુંબઇથી સ્થાયી થયેલ ઉભરતો યુવા ગાયક અને ગીતકાર ધવલ કોઠારીએ તાજેતરમાં ગુજરાતની પ્રસિધ્ધ ગાયીકા ઇશાની દવે સાથે એક ભાવસભર ગુજરાતી ગીત 'પ્રેમનો ચહેરો' યુ-ટયુબ સહીતના બધા જ પ્લોટફોર્મ ઉપર આજે રર જાન્યુઆરીના રીલીઝ કરેલ છે.

ધવલ કોઠારીએ 'કોણ હલાવે લીમડી' , 'કહે જો પુનમનાં ચાંદને' , 'કેસરીયા મૈશઅપ' આ સહીત ઘણા બધા ગીતો આપ્યા છે. તેમણે ગૌતમ કાલે પાસેથી શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધેલ છે. મુંબઇના શ્રી અજય પહોનકર પાસેથી પણ સંગીતની તાલીમ લીધેલ છે.

નવલ ગુજરાતી ગીત 'પ્રેમનો ચહેરો' ૨૦૨૧ માટે શાનદાર શરૂઆત છે. આ ગીતનું શુટીંગ મહેશ્વર (મધ્યપ્રદેશ) મનમોહક નર્મદા નદીનાં કિનારે થયું છે. આ સ્થળે ઘણા બધા બોલીવુડ ફિલ્મોનું પણ શુટીંગ થયેલ છે. આ સંગીત વિડીયો પ્યાર અને રોમાન્સથી ઓતપ્રોત છે. સૌંદર્યની નદી નર્મદાને કાંઠે શાનદાર નજારો આ સંગીત વિડીયોમાં જોવા મળશે. ગીતની રચના વિશાલ ખત્રીએ કરેલ છે. આ ગીતમાં ગુજરાતનો યુવા કંઠ કે જે દેશ-વિદેશમાં ખ્યાતી મેળવેલ ગાયક પ્રફુલ્લ દવેની દીકરી ઇશાની દવેની ખાસ ભુમીકા છે. પ્રફુલ્લ દવે વર્ષોથી સંગીત સમાજના રાજા રહયા છે. આ પિતા-પુત્રીની જોડીએ 'બોલ વાલમનાં', 'ગુલાબી', 'કીટ્ટા-બુચ્ચા' અને 'ગરબડીયો' જેવા ઘણા ગીતો અને લોકપ્રિય ટ્રેક બનાવ્યા છે. તાજેતરમાં ઇશાનીએ સચીન-જીગર સાથે એક એક ગીત લોન્ચ કરેલ જેને લોકોમાં સારી એવી લોકચાહના મેળવી રહી છે. ત્યારે હવે ગુજરાતી ગીત 'પ્રેમનો ચહેરો' યુ-ટયુબ સહીતના બધા જ પ્લોટફોર્મમાં આજથી ઉમેરાયું છે.

(3:59 pm IST)