રાજકોટ
News of Thursday, 22nd April 2021

રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજન ખૂટવા લાગ્યો

હોપ કોવિડ અને બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ અને રંગાણીએ કલેકટરને પત્ર પાઠવી તાત્કાલીક ઓકિસજન પુરો પાડવા માંગ ઉઠાવી

રાજકોટ,તા. ૨૨: શહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર પડતી હોય આજની સ્થિતીએ હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઓકિસજનની ખૂટવા લાગતા ભારે ચિંતા પ્રસરી. બે મોટી હોસ્પિટલોએ કલેકટરને પત્ર પાઠવી અને તાત્કાલિક ધોરણે આ હોસ્પિટલોને ઓકિસજન પુરો નહીં પાડવામાં આવે તો દર્દીઓ ઉપર જીવનું જોખમ વધી જશે. તેવું સ્પષ્ટ જણાવી દીધુ છે.

આ અંગે હોપ કોવીડ હોસ્પિટલે સરકારશ્રીના નિર્દેશ અનુસાર અમોએ અમારી હોસ્પિટલમાં કોવિડના તેમજ ન્યુમોનિયાના પેશન્ટોની સારવાર કરીને છીએ. અત્યારે અમારી હોસ્પિટલમાં કુલ ૨૫ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અને તેમના ઘણા બધાને ઓકિસજનની જરૂર છે. વર્તમાન પરિસ્થિતીમાં અમોને ઓકિસજન મેળવવામાં ખૂબ જ તકલીફ થાય છે. જરૂરી પુરવઠો મેળવી શકતો નથી જેથી દર્દીઓના જીવનું જોખમ ઉભુ થયું છે. ત્યારે નમ્ર અરજ કે આપ જરૂરી પુરવઠો અમોને અગ્રતાના ધોરણે તાત્કાલીક ઉપલબ્ધ કરાવી આપો અને તેના ઉપયો સુચવવા વિનંતી છે.

જ્યારે ટ્રસ્ટ સંચાલિત બી.ટી.સવાણી કિડની હોસ્પિટલો પણ કલેકટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે, સરકારશ્રીના નિર્દેશ અનુસાર અમોએ અમારી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરેલ છે. જેમાં અત્યારે ૫૦ જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. અને એમાંથી મોટા ભાગના દર્દીઓને ઓકિસજનની જરૂર છે અને ૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે.

વર્તમાન પરિસ્થિતીમાં અમોને ઓકિસજન મેળવવામાં ખૂબ તકલીફ થાય છે. જરૂરી પુરવઠો મેળવી શકાતો નથી. જેથી દર્દીઓના જીવનનું જોખમ ઉભુ થયુ છે.ત્યારે  નમ્ર વિનંતી છે કે જરૂરી ઓકિસજન પુરવઠો અગ્રતાના ધોરણે તાત્કાલિક ઉપલબ્ધ કરાવી આપો અને તેના ઉપાયો સુચવવા વિનંતી છે.

આજ પ્રકારે રંગાણી કોવિડ હોસ્પિટલે પણ કલેકટરને પત્ર પાઠવી તાત્કાલીક ધોરણે ઓકિસજન જથ્થો અપાવવા માંગ ઉઠાવી છે.

આજ પ્રકારે બીજી અનેક નાની મોટી કોવિડ હોસ્પિટલોમાં ઓકિસજનની ભારે અછત સર્જાતી હોય ભારે ચિંતા પ્રસરી છે.

(3:17 pm IST)