રાજકોટ
News of Saturday, 21st May 2022

પુત્ર પારકી પરણેતરને ભગાડી લાવતાં મુળીના સરલાના કોળી પ્રોૈઢને ઉઠાવી જવાયા બાદ મોતઃ હત્‍યાનો આક્ષેપઃ લાશ સ્‍વીકારવાનો ઇન્‍કાર

કોળી યુવાન અમિતે પુર્વ પ્રેમિકા એવી કલ્‍યાણપુરની પરિણીતાને ભગાડી મૈત્રી કરાર કરી લેતાં યુવતિના સગા અમિતના પિતા અને મિત્રને પરમ દિવસે ઉઠાવી ગયા'તાઃ ગામ નજીક ડેલામાં લઇ જઇ પતાવી દેવાયાનો આક્ષેપઃ મૃતદેહને રાજકોટ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડાયો : પરિવારજનો કહે છે-યુવતિના સગાની સાથે ખંભળીયાના બે પોલીસ કર્મી પણ હતાં: દેવજીભાઇનું મોત મારકુટથી થયું કે હાર્ટએટેકથી તેની તપાસઃ સ્‍વજનો, આગેવાનો કહે છે-મોત માટે જવાબદારો સામે ગુનો નોંધાશે પછી જ લાશ સંભાળીશું: રાજકોટ સિવિલ હોસ્‍પિટલે કોળી સમાજના લોકો ઉમટી પડયા

જેમનું મોત નિપજ્‍યું તે દેવજીભાઇ બાવળીયાનો ફાઇલ ફોટો, વિગતો જણાવી રહેલો તેમનો પુત્ર અમિત તથા અમિતનો મિત્ર દિપક ઉર્ફ કૂકો અને સિવિલ હોસ્‍પિટલ પોસ્‍ટ મોર્ટમ રૂમે મૃતકના સગા તથા કોળી સમાજના આગેવાનો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)
રાજકોટ તા. ૨૧: મુળીના સરલા ગામે રહેતો અને છુટક મજૂરી કરતો અમિત દેવજીભાઇ બાવળીયા (કોળી) (ઉ.૨૮) નામના કોળી યુવાને પોતાની આઠેક વર્ષ પહેલાની પ્રેમીકા અને હાલમાં અન્‍ય યુવાન સાથે પરણીને એક સંતાનની મા બની ચુકેલી કલ્‍યાણપુરની યુવતિને ભગાડી લાવતાં અને ગત ૨૫/૪ના રોજ મૈત્રી કરાર કરી લેતાં પરમ દિવસે આ યુવતિના સગા સ્‍વજનો સરલા ગામે અમિતને શોધવા આવતાં તે ન મળતાં તેના પિતા દેવજીભાઇ જેસીંગભાઇ બાવળીયા (ઉ.૫૦) અને અમિતના મિત્ર દિપક ઉર્ફ કકૂકો મનાભાઇ મગવાણીયાને ઉઠાવી ગયા હતાં. એ પછી સાંજે દેવજીભાઇને બેભાન હાલતમાં મુળી હોસ્‍પિટલમાં મુકીને બધા ભાગી ગયા હતાં અને દેવજીભાઇનું મોત નિપજ્‍યું હતું. તેમની હત્‍યા કરી નાખવામાં આવ્‍યાનો આક્ષેપ પરિવારજનોએ કરતાં પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે. સમાજના આગેવાનો અને મૃતકના સગાએ એવી માંગણી કરી છે કે જ્‍યાં સુધી જવાબદારો સામે કાર્યવાહી નહિ થાય અને ગુનો નહિ નોંધાય ત્‍યાં સુધી અમે મૃતદેહ સંભાળીશું નહિ.
આ ઘટના બારામાં મૃતક દેવજીભાઇ બાવળીયાના પુત્ર અમિત બાવળીયાએ કહ્યું હતું કે-મારા પિતા દેવજીભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને ખેત મજુરી કરતાં હતાં. અમે બે ભાઇઓ છીએ. મારાથી નાના ભાઇનું નામ સંજય છે. આઠેક વર્ષ પહેલા હું જામનગર રહી ભણતો હતો ત્‍યારે ત્‍યાં આવ જા કરતી કલ્‍યાણપુરની યુવતિ હિરલ સાથે મારે પ્રેમ થઇ ગયો હતો. અમારે લગ્ન કરવા હતાં પરંતુ હિરલને તેના પરિવારજનોએ સાતેક વર્ષ પહેલા બીજા યુવાન સાથે પરણાવી દીધી હતી. હાલમાં તેણી એક પુત્રીની માતા છે. તેણીના લગ્ન થઇ ગયા પછી પણ અમારી વચ્‍ચે પ્રેમ ચાલુ રહ્યો હતો.
દરમિયાન ગત તા. ૨૨/૪ના રોજ હિરલને હું તેના સાસરીેથી ભગાડી લાવ્‍યો હતો અને અમે ૨૫/૪ના રોજ મૈત્રી કરાર કરી લીધા હતાં. આ કારણે પરમ દિવસે હિરલને અને મને શોધવા માટે ખંભાળીયાથી બે પોલીસવાળા અને યુવતિના બે સગા સ્‍વીફટ કાર લઇને અમારા ગામ સરલા ખાતે આવ્‍યા હતાં. હું અને હિરલ એ લોકોને ન મળતાં તેઓ મારા પિતા દેવજીભાઇ અને મારા મિત્ર દિપક ઉર્ફ કૂકાને ઉઠાવી ગયા હતાં. સવારથી આ બંનેને ઉઠાવી જવાયા બાદ સાંજે મારા પિતા દેવજીભાઇને મુળી હોસ્‍પિટલમાં બેભાન છોડી દેવાયા હતાં અને તેને લઇ જનારા ભાગી ગયા હતાં. મારા પિતાને ડોક્‍ટરે મૃત જાહેર કર્યા હતાં.
મારા મિત્ર દિપક ઉર્ફ કૂકાને મેં શું બન્‍યું? તેમ પુછતાં દિપકે કહેલું કે અમને કારમાં ઉઠાવી જવાયા બાદ ગામથી બે કિ.મી. દૂર ચેતનભાઇ મહેતાના ડેલે લઇ જવાયા હતાં. ત્‍યાંથી મને બીજે દુધઇ મંદિર તરફ લઇ જઇ અમિત અને હિરલ ક્‍યાં છે? તેમ પુછી ધમકાવાયો હતો. એ પછી સાંજે ફરીથી મને ચેતનભાઇના ડેલે લઇ જવાયો હતો. જ્‍યાં દેવજીભાઇ બેભાન મળ્‍યા હતાં. એ પછી અમને ઉઠાવી જનારાઓએ જ મને અને દેવજીભાઇએ મુળી હોસ્‍પિટલે છોડી દીધા હતાં. દેવજીભાઇને હાર્ટએટેક આવી ગયાનું એ લોકો કહીને ત્‍યાંથી નીકળી ગયા હતાં. ત્‍યારબાદ મુળી પોલીસ આવી હતી. તેમ દિપક ઉર્ફ કુકાએ મને (અમિતને) જણાવ્‍યું હતું.
દેવજીભાઇનું મોત હાર્ટએટેકથી નહિ પણ તેમની હત્‍યા થયાનો આક્ષપે પરિવારજનોએ કરતાં મુળી પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ ખસેડયો છે. બનાવની જાણ થતાં ગુજરાત માંધાતા ગ્રુપના સ્‍થાપક કોળી સમાજના આગેવાન ભુપતભાઇ ડાભી અને ચોટીલાના સુરેશભાઇ ધરજીયા સહિતના તથા કોળી સમાજના લોકો રાજકોટ સિવિલ હોસ્‍પિટલે ઉમટી પડયા હતાં. મૃતકના સગા, સ્‍વજનો અને આગેવાનોએ માંગણી કરી છે કે દેવજીભાઇના મોત માટે નિમીત તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્‍યાં સુધી અમે મૃતદેહ સંભાળીશું નહિ. મુળી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પ્ર.નગર પોલીસે હોસ્‍પિટલ ખાતે બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. આ બનાવે સરલા ગામમાં અને કોળી સમાજમાં ચકચાર જગાવી છે. દેવજીભાઇને ઉઠાવી જનારા ચાર જણામાં બે વ્‍યક્‍તિ પોલીસ કર્મચારી હોવાનો આક્ષેપ પણ થયો હોઇ તે અંગે તપાસ થઇ રહી છે.

 

(11:57 am IST)