રાજકોટ
News of Saturday, 21st May 2022

દેવજીભાઇનું મૃત્‍યુ હાર્ટએટેકથી થયાનો પ્રાથમિક પોસ્‍ટમોર્ટમનો રિપોર્ટ હતોઃ સ્‍વજનોની માંગણી મુજબ ફોરેન્‍સિક પીએમ કરાવ્‍યું છેઃ ડીવાયએસપી દોશી

કોઇની જવાબદારી ખુલશે તો ચોક્કસ પગલા લેવાશે

રાજકોટ તા. ૨૧: સુરેન્‍દ્રનગર ડીવાયએસપી હિમાંશુ દોશી પણ ઘટનાને પગલે રાજકોટ દોડી આવ્‍યા હતાં અને તેમણે સિવિલ હોસ્‍પિટલ ખાતે ઉપસ્‍થિત ઇલેક્‍ટ્રીક તથા પ્રિન્‍ટ મિડીયાને જણાવ્‍યું હતું કે આ ઘટનામાં કોઇ બળજબરી કરવામાં આવી નથી. બે પોલીસમેન સડલા ગામે તપાસ કરવા ગયા ત્‍યારે અનેક લોકોની હાજરીમાં એક સિમેન્‍ટ ફેક્‍ટરીમાં પોલીસ કાગળો કરી રહી હતી ત્‍યારે બહારથી કોઇએ રાડ પાડી હતી કે-દેવજીભાઇ પડી ગયા છે. જેથી અંદર બેઠેલા પોલીસમેન બહાર દોડી આવ્‍યા હતાં. ત્‍યારે દેવજીભાઇ બેભાન મળ્‍યા હતાં.આ સ્‍થળે બે પોલીસમેન ઉપરાંત અનેક લોકોની ઉપસ્‍થિતિ હતી. પોલીસે જ ૧૦૮ની રાહ જોયા વગર ખાનગી વાહન મારફત દેવજીભાઇએ મુળી હોસ્‍પિટલે ખસેડયા હતાં. બે પોલીસમેન પણ એ વખતે સડલા ખાતે હતાં. જો કે દેવજીભાઇને તબિબે મૃત જાહેર કર્યા હતાં. મુળી હોસ્‍પિટલમાં પોસ્‍ટ મોર્ટમ થતાં હાર્ટએટેકથી મૃત્‍યુનો પ્રાથમિક રિપોર્ટ આવ્‍યો હતો. આમ છતાં દેવજીભાઇના સ્‍વજનોને શંકા હોઇ ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમની માંગણી થતાં અમે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજમાં મોકલ્‍યો હતો.

વધુમાં શ્રી દોશીએ જણાવ્‍યું હતું કે આ ઘટનામાં પોલીસે કોઇ બળજબરી આચરી નથી કે કોઇ મારકુટ કરી જ નથી. લોકો પણ એના સાક્ષી છે, છતાં પણ આવતા દિવસોમાં કોઇએ પણ કાયદો હાથમાં લીધાની હકિકત જો સપાટી પર આવશે તો જવાબદાર સામે ચોક્કસપણે પગલા લેવામાં આવશે.

 

(3:25 pm IST)