રાજકોટ
News of Tuesday, 22nd June 2021

જનસંઘ- ભાજપના સ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીનો કાલે બલિદાન દિવસ

ડો.મુખર્જીની દેશસેવા, રાષ્ટ્રપ્રેમ, એકતા અખંડિતા માટે કરેલ સમર્પણ અને બલિદાન અદ્વિતિયઃ રાજુભાઈ ધ્રુવ

દેશની એકતા- અખંડતા માટે કલમ-૩૭૦ હટાવવા આંદોલન ચાલાવ્યું હતું: મોદી સરકારે આ કલમ હટાવી તેઓના બલિદાનને ખરા અર્થમાં અંજલી આપી

રાજકોટઃ દેશની એકતા-અખંડિતતાના શિલ્પી, જનસંઘ-ભાજપના સ્થાપક, કલમ ૩૭૦ના પ્રખર વિરોધી અને ભારત માતાના વીર સપૂત ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે ભાજપ અગ્રણી  રાજુભાઈ ધ્રુવે તેમને શબ્દાંજલી આપતા જણાવ્યું હતું કે, શ્યામાપ્રસાદ મુખર્જી ૬ જુલાઈ ૧૯૦૧માં જનમ્યા હતા અને કાશ્મીર બચાવો આંદોલન દરમિયાન ૨૩ જૂન ૧૯૫૩ માં શહીદી પામ્યા હતા. તેઓ એક પ્રખર દેશભકત અને સંસદીય પ્રણાલિકાના વિદ્વાન એવા રાષ્ટ્રવાદી મહાપુરૂષ હતા. તેમણે ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ અભિજાત દેશભકતના બલિદાન દિવસે તેમને કોટી કોટી વંદન.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આઝાદી બાદ જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૩૭૦માં કેટલીક જોગવાઈ કરવામાં આવી હતી. જે જોગવાઈને લઈ જનસંધના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી વિરૂદ્ધમાં હતા. તેમણે આ એક દેશમાં બે વિધાન, એક દેશમાં બે નિશાન, એક દેશમાં બે પ્રધાન નહીં ચાલે નહીં ચાલે જેવા નારા આપ્યા હતા. દેશની એકતા અને અખંડતાને લઈને કલમ ૩૭૦ હટાવવા માટે આંદોલન ચલાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા ધારા ૩૭૦નો વિરોધ શરૂ કરવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં પ્રવેશ કરવા શ્યામા-સાદ મુખર્જીને ૧૧ મે ૧૯૫૩ને હિરાસતમાં લઈ લીધા હતા અને ત્યારબાદ ૨૩ જૂન ૧૯૫૩ ના રોજ જેલમાં તેમનું રહસ્યમય રીતે મોત થઈ ગયું હતું. તેમના બલીદાનને કારણે જ આજે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી શ્યામાપ્રસાદ મુખર્જીને ખરા અર્થમાં અંજલી આપી છે.

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એક ખૂબ જ સારા રાજનીતિજ્ઞ, વિચારક, શિક્ષણશાસ્ત્રી, પ્રશાસક, વકીલ, પાર્લામેન્ટેરિયન અને દેશભકત હતા જેમણે પોતાનું જીવન રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા માટે સમર્પિત કરી દીધું. ડો. શ્યામા પ્રસાદ મુખર્જી એટલે પોતાનું બલિદાન આપીને કાશ્મીરને બચાવનાર મહામાનવ,મહાન દેશભકત. તેઓ માત્ર ત્રેપ્પન વર્ષના આયુષ્યમાં જ ત્યાગ, બલિદાન, સમર્પણની અમિટ છાપ આપણી સમક્ષ છોડી ગયા. ભારતીય જનસંઘના આ સ્થાપક અધ્યક્ષે દેશ અને સમાજ હિતને જ કેન્દ્રમાં રાખતી એક નવી જ વિશુદ્ઘ રાજકીય સંસ્કૃતિ શરૂઆત કરી હતી.દેશ ની એકતા અને અખંડિતતા ના રક્ષણ માટે કેન્દ્રીય મંત્રી પદ ને ત્યાગ કરવા માં એક પળ નો પણ તેમણે વિચાર ન કર્યો. તેમણે કોઈ મુદ્દે કયારેય પણ રાજકીય સમાધાનો નહોતા કર્યા. સત્તાનો મોહ એમને કયારેય ડગાવી શકયો નહોતો. તેમણે વ્યકિતગત હિતો કે સંસ્થાગત સ્વાર્થ માટે સત્યનો કદી ભોગ નહોતો ચડાવ્યો.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના શાસન દરમિયાન રાજકીય સ્વાર્થ સાધવા  મુસ્લિમ તુષ્ટિકરણ માટે  હિન્દૂ અને  હિન્દુત્વ વિરોધી માનસિકતા ઊભી કરવાના અત્યંત હીન ષડયંત્રો તમામ ક્ષેત્રે કરવામાં આવ્યા હતા. આવા સમયે જનસંઘ(ભાજપ)નાં સૂર્યોદયથી દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રવાદ ,હિન્દુ હિત-ગૌરવ અને દેશ ની મહાન લોકશાહીને નવી શકિત સાથે નવજીવન મળી શક્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક આદરણીય શ્રી ગુરૂજીના સાથ અને આશીર્વાદથી મહાન દેશભકત, પ્રખર વિદ્વાન ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી પ. જવાહરલાલ નહેરૂના આપખુદ શાસન, હિન્દુહિત વિરોધી, ચીન-પાકિસ્તાન તરફી ભૂલભરેલી અવિચારી, રાષ્ટ્ર વિરોધીનીતિનો વિરોધ કરી તેના આપખુદશાહી શાસન સામે મોરચો માંડ્યો હતો. જો શ્યામા પ્રસાદ મુખર્જી ન હોત તો ભારત એક ભયાનક અરાજકતા અને અંધાધૂંધી ભરેલા  બિનલોકશાહી વાતાવરણ વાળો દેશ બની ગયો હોત અને આપણે પાકિસ્તાન કે બાંગ્લાદેશ માં હિંદુઓ ની જેવી છે તેવી  દુઃખી દારુણ પરિસ્થિતિમાં અસહ્ય યાતના પીડા ભોગવતા હોત.

(11:58 am IST)