રાજકોટ
News of Tuesday, 22nd June 2021

અખબાર વાંચવું એ દરેક મીડિયા કાર્યકરનો ધર્મ : રાજુ ધ્રુવ

રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયો મીડિયા વર્કશોપ : ગૌ પ્રતિમાથી સ્વાગતવિધિ

રાજકોટ : તાજેતરમાં રાજકોટમાં 'કમલમ્' જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પારિવારિક માહોલમાં જીલ્લા તથા તાલુકાઓના ભાજપ મીડિયા કન્વીનર માટે વર્કશોપ યોજાઈ ગયો. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના અધ્યક્ષ ડો.યજ્ઞેશભાઈ દવેના નેતૃત્વ હેઠળ તેમજ સૌરાષ્ટ્રના ભાજપ પ્રવકતા  રાજુભાઈ ધ્રુવ તથા સૌરાષ્ટ્ર ઝોન મીડિયા વિભાગના સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયાના માર્ગદર્શન સાથે યોજાઈ ગયેલા આ વર્કશોપમાં પ્રિન્ટ મીડિયાના માધ્યમથી કઈ રીતે લોકો સુધી પહોચવું. લોકો ઉપયોગી કાર્યો કરવા તેમજ સમસ્યાઓ જાણવી અને ઉકેલવી તેમજ કઈ રીતે ન્યુઝ એડિટ અને તૈયાર કરવા તેનું માર્ગદર્શન ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યું હતું. આ મીડિયા વર્કશોપમાં જીલ્લા સંગઠન પ્રભારી રક્ષાબેન બોળીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીશ્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, સૌરાષ્ટ્ર વિભાગના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, સૌરાષ્ટ્ર મીડિયા વિભાગના સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયા, રાજકોટ જીલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ, સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયા, ઉદયભાઈ લાખાણી તેમજ તાલુકાના મીડિયા વિભાગના કન્વીનર તેમજ સહ-કન્વીનર ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સૌરાષ્ટ્ર પ્રવકતા અને છેલ્લા ૨૫ વર્ષથી મીડિયા વિભાગના સનિષ્ઠ કામગીરી કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, દરેક મીડિયા વિભાગના કાર્યકરો માટે અખબારોનું વાંચન કરવાનો ધર્મ બનવો જોઈએ. અખબારોનું નિયમિત વાંચનથી જ અહેવાલો લખવાનું, સ્ટોરીઓ તૈયાર કરવામાં મૌલિકતા આવશે તથા પોતાના બહોળા અનુભવના આધારે એવું પણ જણાવ્યું કે, માત્ર અહેવાલ તૈયાર કરીને મીડિયાને મોકલી દેવા સુધી જેવું સીમિત કાર્ય નથી કરવાનું પરંતુ દરેક મીડિયા કર્મી સાથે પારિવારિક સંબધોમાં પણ સાતત્ય રહે તે જરૂરી છે. આ તકે સૌરાષ્ટ્ર વિભાગના મીડિયા સહ-કન્વીનર સુરેશભાઈ માંગુકીયા અને જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ પણ પ્રાસંગીક પ્રવચન કરેલ. ઉપસ્થિત મહેમાનોનું ગૌમાતાની પ્રતિમા આપીને તથા શબ્દોથી સ્વાગત મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ, સંચાલન મીડિયા સહ-ઇન્ચાર્જ કિશોરભાઈ ડોડીયાએ અને આભારદર્શન મીડિયા સહ-કન્વીનર ઉદયભાઈ લાખાણીએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં વંદેમાતરમ ગાન આઈ.ટી.એસ.એમ.ના પ્રભારી જયેશભાઈ પંડ્યાએ કર્યું હતું તેમજ કોરોનામાં અવસાન પામેલાને શ્રદ્ઘાંજલિ અર્પી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પ્રભારી અલ્પેશભાઈ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:21 pm IST)