રાજકોટ
News of Wednesday, 22nd June 2022

૪૭ લાખના પટોળા ચોરી ભાગેલી કાર છેલ્લે મધરવાડા સુધી દેખાઇ : પટોળા ચોરતી ગેંગની શંકા

રાજકોટ,તા.૨૨ : જાગનાથ પ્‍લોટમાં સર્વશ્વર ચોકમાં આવેલી વી.જે. સન્‍સ નામની દુકાનમાં ૪૭ લાખના પટોળા ચોરીને ભાગેલી કાર છેલ્લે મધરવાડા સુધી સીસીટીવી કેમેરામાં દેખાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી વિગત મુજબ જાગનાથ પ્‍લોટમાં સર્વેશ્વર ચોકમાં શેફાપર કોમ્‍પ્‍લેક્ષમાં આવેલી વી.જે.શન્‍સ નામની દુકાનમાં ત્રાટકેલા તસ્‍કરો રૂા. ૪૭ લાખની કિંમતના પટોળા સહિતના સામાનની ચોરી કરી ભાગી એ ડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી.જોશી સહિતના સ્‍ટાફે તાકીદે સ્‍થળ પર પહોંચી દુકાન માલીક વિપુલભાઇ જીવરાજભાઇ વાઢેર (રહે. વિરાણી હાઇસ્‍કુલ પાછળ રામકૃષ્‍ણનગર વેસ્‍ટ શેરી નં. ૬માં)ની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ બનાવમાં ક્રાઇમ બ્રાંચ અને એ ડીવીઝન પોલીસ સ્‍ટાફે આ ચોરીનો ભેદ ઉકેલવામાં માટે સીસીટીવી ફુટેજ તપાસતા એક સફેદ કલરની ઇકો કાર દેખાઇ હતી. પોલીસે માલવીયા ચોક થઇ ગ્રીનલેન્‍ડ ચોકડી સુધીના સીસીટીવી ફુટેજ ચેક કરતા ઇકોકાર છેલ્લે મધરવાડા સુધી દેખાઇ હતી આ ચોરીમાં પટોળા ચોરતી ગેંગની સંડોવણી હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:53 pm IST)