રાજકોટ
News of Thursday, 22nd July 2021

ચાર મહિના પહેલા એસટી બસની ઠોકરે ચડેલા નિવૃત એએસઆઇ હમીરભાઇ કોચલીયાનું મૃત્યુ

જામનગર રોડ પર છઠ્ઠી એપ્રિલે ઠોકરે ચડ્યા હતાં: ચાર જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અપાવાઇ પણ...: પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૨: ચાર મહિના પહેલા જામનગર રોડ પર રૂડા બિલ્ડીંગ નજીક શહેર પોલીસના નિવૃત એએસઆઇને એસટી બસના ચાલકે બાઇક સહિત ઠોકરે ચડાવી દેતાં ઇજા થઇ હતી. ત્યારથી ચાર અલગ અલગ હોસ્પિટલમાં તેમને સારવાર અપાવાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્યા મુજબ કિસાનપરા નજીક આલાભાઇના ભઠ્ઠા પાસે શિવશકિત કોલોનીમાં રહેતાં નિવૃત એએસઆઇ હમીરભાઇ ઇબ્રાહીમભાઇ કોચલીયા (ઉ.વ.૭૦) તા. ૬/૪ના રોજ હોસ્પિટલ ચોક તરફ આવ્યા હોઇ ત્યાંથી ઘરે બાઇક પર જઇ રહ્યા હતાં ત્યારે જામનગર રોડ પર એસટી બસ જીજે૧૮ઝેડ-૫૫૬૭ના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

એ પછી તેમને વધુ સારવાર માટે ગોકુલ, ત્યાંથી વોકહાર્ટ અને ત્યાંથી દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી ઘરે લઇ જવાયા બાદ ગત રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી.

મૃત્યુ પામનાર નિવૃત એએસઆઇ હમીરભાઇ કોચલીયા મળતાવડા સ્વભાવના હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ પુત્રો તારીફભાઇ, નોૈશાદભાઇ અને ફારૂકભાઇ છે. મોભીના મોતથી કોચલીયા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

(12:02 pm IST)