રાજકોટ
News of Thursday, 22nd July 2021

જ્ઞાન આપે તે ગુરૂ : શુક્ર - શનિ ગુરૂ વંદનાનો અવસર

ગુરૂપૂર્ણીમા ઉજવવા ગુરૂભકતોના હૈયે અનેરો તલસાટ : કાલે અને શનિવારે ગુરૂ વંદનાના કાર્યક્રમો : કોરોનાને ધ્યાને લઇ સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે ઉજવાશે ગુરૂપર્વ

રાજકોટ તા. ૨૨ : જીવનમાં અંધારા ઉલેચી જ્ઞાનના અજવાળા પાથરે એજ ખરા ગુરૂ! આવા ગુરૂઓને વંદન કરવાનો અવસર એટલે ગુરૂ પૂર્ણીમાં! આ વર્ષે શુક્ર-શનિ એમ બે દિવસ ગુરૂપૂર્ણીમાના આયોજનો થયા છે. શાસ્ત્રોકત કથમ મુજબ કાલે બપોર બાદ પુનમ થાય છે. શનિવારે બપોર સુધી પુનમનો ભાગ ગણાશે. એટલે વિવિધ સ્થળોએ ગરૂપૂર્ણીમાના કાર્યક્રમો અલગ અલગ દિવસે આયોજીત થયા છે.

દ્વારકા શારદાપીઠ ખાતે શનિવારે ગુરૂપૂર્ણીમા ઉજવવામાં આવનાર છે. જયારે સતાધાર આપાગીગાની જગ્યામાં કાલે ધુન ભજનથી કાર્યક્રમોની શરૂઆત અને શનિવારે ગુરૂપૂજા થશે. તાલાલા ઉદાસીન આશ્રમે શુક્રવારે તો ઘુનડા સતપુરાણધામ ખાતે શનિવારે તેમજ ચલાલા દાનબાપુની જગ્યામાં શનિવારે ગુરૂપૂર્ણીમાં ઉજવવામાં આવનાર છે.

રાજકોટમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ગુરૂપૂર્ણીમા મહોત્સવના શુક્ર-શનિ આયોજનો થયા છે. જો કે કોરોના સંક્રમણને ધ્યાને લઇ આ વર્ષે પણ મોટાભાગના સ્થળોએ મહાપ્રસાદને મુલત્વી રાખી માત્ર દર્શનના પૂજાના કાર્યક્રમો રખાયા છે. તો કયાંક માત્ર વર્ચ્યુઅલ દર્શનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

ગીતા વિદ્યાલય

શહેરના જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા શનિવાર તા. ૨૪ ના સાંજે ૬ થી ૭.૩૦ ભાવસભર વાતાવરણમાં ગુરૂપૂર્ણીમા મહોત્વ ઉજવાશે.  સભાખંડમાં ભગવદ્દગીતાના અધ્યાય ૧૨ અને ૧૫ ના સામૂહિક ગીતાપાઠ થશે. સંગીતમય ભજન સંધ્યા થશે. નિઃશુલ્ક ઉનાળુ છાશ કેન્દ્રના સ્વયંસેવકોનું પારિતોષિક આપી સન્માન કરાશે. ગુરૂ મહીમા વિષે ઉદ્દબોધન અને ભજન સત્સંગ થશે. આ પ્રસંગે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર તથા સંત તુલસીદાસ જીવનચરીત્રની પુસ્તિકાનું રાહતદરે વિતરણ કરાશે.

પ્રણવાનંદ સંસ્કૃત ભવન

પ્રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ દ્વારા કાલે તા. ૨૩ ના શુક્રવારે સાંજે ૬ થી ૭ દરમિયાન શ્રી પ્રણવાનંદજી મહારાજની પ્રતિમાનું સોડશોપચાર પૂજન આરતી અને ભાગવતાચાર્યશ્રી સુરેન્દ્રભાઇ દવેનું ગુરૂ મહિમા વિષે વ્યાખ્યાન થશે. આ પ્રસંગે કૌશિકભાઇ છાયા પ્રાસંગીક ઉદ્દબોધન કરશે. જનાર્દનભાઇ પંડયા ઉપસ્થિત રહેશે. કોરોના ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવા સૌને અનુરોધ કરાયો છે.

ગુરૂપૂર્ણીમા નિમિતે ચામડીના રોગોનો ફ્રી નિદાન કેમ્પ

શ્રી સત્યમ યોગ ઇન્સ્ટીટયુટ એન્ડ હેલ્થ કેર દ્વારા અંબીકા પાર્કની બાજુમાં, હનુમાન મઢી પાસે, રૈયા રોડ ખાતે ગુરૂપુર્ણીમા નિમિતે તા. ૨૨ થી ૨૪ સુધી સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૪.૩૦ થી ૬.૩૦ ચામડીના રોગો માટે નિઃશુલક માર્ગદર્શન અને નિદાન  સારવાર કેમ્પ યોજવામાં આવેલ છે.

નાલંદા ઉપાશ્રય

બા.બ્ર. પુજય ગુરૂમૈયા શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ નાલંદા ઉપાશ્રયમાં તા. ૨૪ ના શનિવારે ગુરૂપૂર્ણિમા નિમિતે ગુરૂ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂ જાપ સવારે ૮.૩૦ થી ૯, ગુરૂ પૂજન ૯ થી ૯. ૩૦,એન્ટ્રી પ્રભાવના રાખવામાં આવી છે. દરેકે શુકનવંતા કપડાં પહેરવાના રહેશે. તેમજ શનિવારથી થી દરરોજ સવારે ૯.૩૦ થી ૧૦.૩૦ વ્યાખ્યાન,૧૦.૩૦ થી ૧૧.૩૦ જાપ, ૯. થી ૧૧.૩૦ ત્રણ સામાયિકનું આયોજન કરવામાં આવ્યું છે.

આશારામજી આશ્રમ

સંતશ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ, ખાતે તા. ર૩ ના શુક્રવારે ગુરૂ-પુર્ણિમાં મહોત્સવનું આયોજન થયેલ છે. સરકારની કોવિડ-૧૯ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરીને સવારે ૯ વાગ્યાથી માનસ પુજા, સ્તોત્ર પાઠ, ગુરૂ પાદુકા પૂજન, શ્રી આસારામાયણના પાઠ, પૂજય બાપુનો ગુરૂ-પૂર્ણિમા નિમિતે વિશેષ વિડીયો સત્સંગ, ભજન-કીર્તન વિગેરે કાર્યક્રમો થશે જેનો બધા ભકતજનો લાભ લઇ શકશે. સોશીયલ ડીસ્ટન્સ અનિવાર્ય રહેશે. તેમ આશ્રમની યાદીમાં જણાવાયુ છે.

(3:49 pm IST)