રાજકોટ
News of Thursday, 22nd July 2021

વિચરતી-વિમુકત જાતિ માટે કાલે જૂની કલેકટર કચેરીમાં સ્પે. કેમ્પઃ ૧૫ પ્રકારની કામગીરી થશે

રેશનકાર્ડ, કોરોના વેકસીન, આવકના દાખલા, ઉંમરના દાખલા, વિધવા, વિધુર સહાય અંગે કાર્યવાહી થશે

રાજકોટ, તા. ૨૨ :. વિચરતી અને વિમુકત જાતિના પરિવારોને સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો મળી રહે તે માટે પ્રો. એકટીવ બની કામગીરી કરવા તથા વિચરતી જાતિના પરિવારોને આધારકાર્ડ તથા રેશનકાર્ડ ઈશ્યુ કરવા, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાને ૨૦૧૩ હેઠળ સમાવેશ કરવા અંગે સૂચના આપવામાં આવેલ. આ બાબતે વિચરતા સમુદાય સમર્થન મંચ (વીએએસએમ)ના પ્રતિનિધિશ્રીનો સંપર્ક કરી કેમ્પનું આયોજન કરવા હુકમો થયા હતા. જે અન્વયે તાલુકાના વિસ્તારમાં વસવાટ કરતા વિચરતી અને વિમુકત જાતિના લોકોને સરકારની વિવિધ યોજનાનો લાભ મળી રહે તે માટે કાલે જૂની કલેકટર કચેરી ખાતે રાજકોટ સીટી-૨ અને તાલુકા મામલતદાર દ્વારા વિસ્તૃત કેમ્પ યોજાયો છે.

આ કેમ્પ કાલે સવારે ૯થી બપોરે ૩ દરમિયાન સીટી પ્રાંત-૨ની કચેરી-જૂની કલેકટર કચેરી ખાતે યોજાશે. જેમાં નવુ રેશનકાર્ડ, વિભાજન, નામ દાખલ-કમી કરવા, એનએફએસએ યોજનામાં સમાવેશ, વિધવા સહાય યોજના, વૃદ્ધ નિરાધાર યોજના, સંકટ મોચન યોજના, આવકના દાખલા, નવુ આધારકાર્ડ, વિચરતી-વિમુકત જાતિ અંગેનું પ્રમાણપત્ર આપવા, ઉંમર અંગેના પ્રમાણપત્ર આપવા તથા વેકસીનેશન સહિત કુલ ૧૫ પ્રકારની કામગીરી થશે.

(3:50 pm IST)