રાજકોટ
News of Thursday, 22nd July 2021

પટેલ સેવા સમાજ દ્વારા યોગ શિબિરના ૧૦૮ ટ્રેનરોનું સન્માન : બાળકો દ્વારા અદ્દભુત પ્રસ્તુતી

રાજકોટ : ગુજરાત રાજય યોગ બોર્ડ યોજીત અને શ્રી પટેલ સેવા સમાજ પ્રાયોજીત છેલ્લા ૧૦ માસથી અવિરત ચાલતી યોગ શીબીરમાં તાલીમ પામી અન્યને યોગ શીખવવામાં નિપુણતા હાંસલ કરેલા ૧૦૮ તાલીમાર્થીઓને 'યોગ ટ્રેનર' તરીકે સન્માનીત કરવાનો એક સમારોહ તાજેતરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ લહેર સમયેજ મહિલાઓના આરોગ્યની ચિંતા હળવી કરવા પટેલ સેવા સમાજના દુરંદેશી પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્ડ માર્શલ) દ્વારા સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ખાતે યોગ બોર્ડના સહયોગથી 'યોગ શિબિર શરૂ કરાવવામાં આવી હતી. જેમાં યોગ કોચ ડો. ધર્મિષ્ઠાબેન હિંગરાજીયાએ પ્રથમ તબકકે તાલીમ આપી હતી. બાદમાં આ તાલીમાર્થીઓ અન્યને તાલીમ આપી શકે તેવી એક ટીમ તૈયાર કરી હતી. આ ૧૦૮ યોગ ટ્રેનરને સન્માનીત કરવા  મેયર ડો. પ્રદીપભાઇ ડવની ઉપસ્થિતીમાં એક સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. પતંજલી મહિલા યોગ સમિતિના જિલ્લા પ્રભારી નિશાબેન ઠુમ્મરે યોગ અંગે ચાલતી રાષ્ટ્રીય ગતિવિધિઓ અંગે અહીં જાણકારી આપી હતી. કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના અગ્રેસરો સર્વશ્રી કિશોરભાઇ ઘોડાસરા, મનીષભાઇ ચાંગેલા, સંજયભાઇ કનેરીયા, જગદીશભાઇ પરસાણીયા, વિપુલભાઇ સંતોકીએ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો આરંભ કરાવેલ. આ સમયે સંસ્થાની યુવા ટીમના ડેનીશભાઇ કાલરીયા, પ્રો. વિનુભાઇ ઇસોટીયા, વિજયભાઇ ગોધાણી, પાર્થ ચાંગેલા, નરેન્દ્રભાઇ ડઢાણિયા, દેવાંશ ડઢાણિયા, નિર્મલ ગામી, સુભાષભાઇ બોડા વગેરે ઉપસ્થિત રહેલ. ઉપરાંત મહિલા સંગઠન સમિતિના ઇન્ચાર્જ રાજેશ્રીબેન રોજીવાડીયા, કન્વીનર હેતલબેન કાલરીયા પણ દીપ પ્રાગટયમાં જોડાયા હતા. મહેમાનોના અભિવાદન બાદ માત્ર ૧૦ વર્ષના ૭ બાળકોએ અદ્દભુત ગણેશવંદના પ્રસ્તુત કરી હતી. ૩ બાળાઓએ શિવ વંદના રજુ કરેલ.  પ વર્ષના એક બાળકે પણ અદ્દભૂત પ્રસ્તુતી કરી સૌના દીલ જીતી લીધા હતા. ત્રણ યોગ ટ્રેનરોએ નટરાજ સ્તુતિ રજુ કરેલ. સમગ્ર સંચાલન રીન્કલબેન જીવાણી, અર્ચનાબેન કપુપરા, સેજલબેન લાલકીયાએ કરેલ. જયારે અંતમાં આભારવિધી યોગ કોચ ડો. ધર્મિષ્ઠાબેન હિંગરાજીયાએ કરેલ.

(4:10 pm IST)