રાજકોટ
News of Thursday, 22nd September 2022

મોરબી રોડ પર દૂધ ઢોળી રોડ પર ટ્રાફિક જામ કરનારા ચાર શખ્સ ઓળખાતાં ગુનો નોંધાયો

ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચાઇ ગયા પછી પણ રાજકોટમાં તોફાનીઓના છમકલા : જય ટોળીયા, આશિષ રબારી, ચિરાગ ટોળીયા અને ગોપાલ સાંભડ વિરૂધ્ધ પીએસઆઇ એચ. એમ. ઝાલાએ ગુનો દાખલ કરાવ્યોઃ એસીપી ટંડેલ, પીઆઇ વાળા સહિતના પહોંચ્યા પણ ટોળુ ભાગી ગયું'તું

ચુનારાવાડના દૂધ પાર્લર સંચાલકે ફરિયાદ ન નોંધાવીઃ પોલીસે તોફાનીઓની શોધખોળ યથાવત રાખી

રોડ પર દૂધના કેરેટ ફેંકી, દૂધની કોથળીઓ ઢોળી નુકસાન કરનારા શખ્સોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો તેના દ્રશ્યો જોઇ શકાય છે. બનાવને પગલે એસીપી એસ.આર. ટંડેલ તથા પીઆઇ એમ. સી. વાળા પણ પહોંચ્યા હતાં તે જોઇ શકાય છે.

રાજકોટ તા. ૨૩: માલધારી સમાજ દ્વારા ગઇકાલે બુધવારે વિવિધ પ્રશ્નોના નિવારણની માંગણી સાથે દૂધ વિતરણ બંધ રાખી વિરોધ દર્શાવાયો હતો. આમ તો દૂધ વિતરણ બંધ શાંતિપુર્ણ રહ્યું હતું. સાંજે ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચી લેવાયો હતો. જો કે એ પછી પણ રાજકોટમાં બે સ્થળે ટોળાએ ધમાલ મચાવી હતી. જેમાં મોરબી રોડ પર કેટલાક શખ્સોએ રાતે દસેક વાગ્યે એક વાહન અટકાવી દૂધના કેરેટ રોડ પર ફેંકી, કોથળીઓ ઢોળી નુકસાન કર્યુ હતું. તો ચુનારાવાડ ચોકમાં સાઇબાબા ડેરી નામના પાર્લરમાં પણ દસ બાર શખ્સોએ હલ્લો મચાવી દૂધની થેલીઓ ઢોળી નાંખી હતી. મોરબી રોડ પરની ધમાલમાં પોલીસે ચાર શખ્સોને ઓળખી કાઢી ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ આદરી છે. ચુનારાવાડના બનાવમાં ફરિયાદ નોંધાવાઇ નથી.

મોરબી રોડ પરના બનાવમાં બી-ડિવીઝનના પીઆઇ એમ. સી. વાળાની રાહબરીમાં પીએસઆઇ હરપાલસિંહ એમ. જાડેજાએ  જય ટોળીયા, આશિષ રબારી, ચિરાગ ટોળીયા અને ગોપાલ કરસનભાઇ સાંભડ વિરૂધ્ધ આઇપીસી ૪૨૭, ૨૮૩ મુજબ દૂધના વાહનમાંથી કેરેટ ઉતારી ટ્રાફિકને અડચણરૂપ બની દૂધ રોડ પર ઢોળી નુકસાન કર્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પીએસઆઇ એચ. એમ. જાડેજાએ જણાવ્યું હતું કે ૨૧મીએ માલધારી સમાજ દ્વારા દૂધ વેંચાણ બંધનું એલાન અપાયું હોવાથી હું તથા એએસઆઇ સલિમભાઇ માડમ, હેડકોન્સ. કેતનભાઇ નિકોલા, કિશનભાઇ સભાડ, મહેશભાઇ રબારી સહિતના સવારથી પેટ્રોલીંગમાં હતાં. એ દરમિયાન રાત્રીના દસેક વાગ્યે અમારા મોબાઇલમાં વ્હોટ્સએપથી એક વિડીયો આવ્યો હતો. તે જોતાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરા બ્રીજ પાસેનો જણાતાં અને અમુક શખ્સો દૂધના કેરેટ રોડ પર ફેંકતા અને દૂધની થેલીઓ તોડી રોડ પર દૂધ ઢોળતાં જોવા મળતાં તુરત જ વિડીયોમાં દેખાતી જગ્યાએ વેલનાથપરા બ્રીજ પાસે પહોંચ્યા હતાં.

જ્યાં બ્રીજની પહેલા રોંગ સાઇડમાં દૂધ ઢોળાયેલુ અને દૂધના કેરેટ તથા દૂધની કોથળીઓ છુટીછવાયી વેરવિખેર તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તપાસ કરતાં જાણવા મળેલુ કે કોઇ વાહન નીકળતાં તેને અટકાવી તેમાંથી દૂધના કેરેટ ઉતારી દૂધ ઢોળી નુકસાન કરાયું હતું. સ્ટાફે વિશેષ તપાસ કરતાં ખબર પડી હતી કે વિડીયોમાં દેખાય છે તેમાં એક ગોપલ સાંભડ, બીજો ચિરાગ ટોળીયા, ત્રીજો આશિષ રબારી અને ચોથો જય ટોળીયા છે. ચારેયએ ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે કોઇ વાહનમાંથી દૂધના કેરેટ ઉતારી દૂધ ઢોળી નુકસાન કર્યુ હોઇ ગુનો દાખલ કર્યો હતો.

ચુનારાવાડ ચોકમાં આવેલી સાઇબાબા ડેરી નામના પાર્લરમાં પણ દસથી બાર જણા રાતે પહોંચ્યા હતાં અને દૂધની પંદર જેટલી થેલીઓ ઢોળી નાખી નુકસાન કરી દેકારો મચાવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. પરંતુ દૂકાનદારે ફરિયાદ નોંધાવવાનો ઇન્કાર કરતાં પોલીસે પોતાની રીતે તપાસ યથાવત રાખી છે.

(3:05 pm IST)