રાજકોટ
News of Sunday, 23rd January 2022

રાજકોટની સિવિલ હોસ્પિટલનાં 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તંત્રમાં દોડધામ

તેઓ હોમ આઈસોલેશનમાં પૂરી સારવાર લઇ રહ્યા છે

રાજકોટ : રાજકોટ સિવિલ હોસ્પિટલનાં અંદાજે 50 જેટલા કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ આ વાયરસની ઝપટમાં આવતા તંત્ર દોડતુ થઇ ગયુ છે. હોસ્પિટલમાં તબીબો સહિત 50 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જો કે તેઓ હોમ આઈસોલેશનમાં પૂરી સારવાર લઇ રહ્યા છે. જણાવી દઇએ કે, રાજકોટ સહિત સમગ્ર દેશમાં મહામારીની સુનામી આવી હોય તેમ કોરોનાની પહેલી અને બીજી લહેરનાં કોરોના સંક્રમણનો ત્રીજી લહેરે રેકોર્ડ તોડી નાખ્યો છે ત્યારે સૌરાષ્ટ્રનાં હબ ગણાતા રાજકોટમાં કોરોનાએ હરણફાળ ભરી હોય તેમ દરરોજ પોઝિટિવ કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ રિપોર્ટમાં બે દિવસનું લાંબુ વેઈટિંગ કરવું પડી રહ્યુ છે. જે રિપોર્ટ ઝડપી મળે તે માટે સોમવાર સુધીમાં વધુ એક ટેસ્ટિંગ મશીન ભાડેથી વિકસાવવા અને લેબ ટેકનિશ્યનોની સંખ્યા વધારવા મુખ્ય સચિવ સાથે મળેલી સમિક્ષા બેઠકમાં મુખ્ય સચિવ પંકજ કુમારે સૈધાંતિક મંજૂરી આપી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. આનાથી જ તમે સ્થિતિનો અંદાજો લગાવી શકો છો.
ઉલ્લેખનીય છે કે, સતત બીજા દિવસે કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે આ રાહત સામાન્ય છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,33,533 કેસ નોંધાયા છે. ગઈકાલ કરતાં લગભગ ચાર હજાર જેટલા ઓછા કેસ છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડામાં નવા કેસની સંખ્યા 3,37,704 હતી.

 

(1:30 pm IST)